બનાસકાંઠાના મોરીખા ગામે ગળાડૂબ પાણીમાં ઉતરી ગેનીબેન ઠાકોરે મેળવ્યો પૂરની સ્થિતિનો તાગ- જુઓ Video
બનાસકાંઠાના મોરીખા ગામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. ગામમાં ગળા સુધીના પાણી ભરાયેલા છે ત્યારે આવા પાણીમાં ઉતરીને ગેનીબેને ગામલોકોની વચ્ચે પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત ગામની સ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવ્યો હતો.
બનાસકાંઠામાં 6 થી 7 સપ્ટેમ્બર દરમિયાન પડેલા 19 થી 20 ઈંચ વરસાદમાં સમગ્ર જિલ્લો જાણે જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમા ભારે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સરહદી ગામો તારાજી સર્જાઈ છે. ગામલોકોના ઘરવખરી, માલસામાન સહિત બધુ જ પૂર તાણી ગયુ છે અને પીવાનુ પાણી પણ નથી મળી રહ્યુ એ હદની કફોડી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 5 દિવસથી બનાસકાંઠાના અનેક ગામોના લોકો પૂરના પાણી વચ્ચે જેમતેમ દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે વરસાદ રહી ગયાના 4 દિવસ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વાવ તાલુકાના મોરીખા ગામે પહોંચ્યા હતા. અહીં ગળાડૂબ
ગળાડૂબ પાણીમાં ઉતરી ગામલોકો વચ્ચે પહોંચ્યા સાંસદ ગેનીબેન ઠાકોર
કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વાવ તાલુકાના મોરીખા ગામે પહોંચ્યા હતા. ગામમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ખુદ ગેનીબેન ગળાડૂબ પાણીમાં ઉતરીને ગામલોકો સુધી પહોંચ્યા હતા. કાર્યકરોની મદદથી ગળાડૂબ પાણીમાં સાંસદ ગેનીબેન ઉતર્યા અને પૂરગ્રસ્ત ગામની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામલોકોએ ગેનીબેન સમક્ષ તેમની કફોડી સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. ગેનીબેને ગામલોકોને હૈયાધારણા આપી હતી કે તેઓ તંત્ર અને સરકારને રજૂઆત કરીને વહેલામાં વહેલી તકે રાહત અને મદદ મળે તેવા પ્રયાસ હાથ ધરશે.
જુનાગઢમાં શિબિર પડતી મુકી ગેનીબેન મોરીખા ગામ પહોંચ્યા
ગામની મુલાકાત લીધા બાદ ગેનીબેને જણાવ્યુ હતુ કે તંત્રની કોઈ સહાય હજુ સુધી મોરીખા ગામ સુધી પહોંચી નથી. ગામને સહાય અને મદદની તાતી જરૂર છે. આપને જણાવી દઈકે જુનાગઢમાં કોંગ્રેસની શિબિર ચાલી રહી છે અને આજે રાહુલ ગાંધી પણ જુનાગઢની મુલાકાતે આવ્યા છે. ત્યારે ગેનીબેન ગુરુવારે પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા હતા અને આજે બનાસકાંઠામાં આવી પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા હતા.
જગદિશ વિશ્વકર્માએ ગેનીબેનના શિબિરમાં જવા પર કર્યો હતો કટાક્ષ
પૂરની સ્થિતિ પર રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. સરકારના મંત્રી જગદિશ વિશ્વકર્માએ ગઈકાલે ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના સાંસદ શિબિરમાં પહોંચી રહ્યા છે જ્યારે તેમનો મતવિસ્તાર ભયાનક પૂરના કારણે ભારે મુશ્કેલીમાં છે. હાલ CM પણ બનાસકાંઠાની મુલાકાતે છે અને પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને પાણી નિકાલની તેમજ સહાય કિટ જલ્દીમાં જલદી પહોચતી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.
ગામલોકોને ગેનીબેને આપી હૈયાધારણા
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આ વર્ષે જે પૂર આવ્યુ છે 2015 અને 2017માં આવેલા પૂર કરતા પણ વિનાશક છે. લોકોના ખેતરોમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. ઘરોમાં તમામ સામાન પૂરના પાણીમાં તણાઈ ગયો છે. લોકો પાસે પીવાના પાણીના પણ ફાંફા છે. માત્ર આસપાસના ગામોમાંથી આવેલી મદદને સહારે લોકો પોતાનો ગુજરાન ચલાવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકો પાસે ના તો પીવાનું પાણી છે ના તો પહેરવા માટે કપડા છે.
પૂરગ્રસ્ત લોકો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર ટેકો કરે
ગામમાં સર્વત્ર પાણી ભરાયેલા છે. લોકો મકાનોની છત પર આશરો લઈ રહ્યા છે. શરૂઆતના બે દિવસ તો લોકોએ એવા ગુજાર્યા છે કે તેમને યાદ કરે છે તો પણ આંખો ભીની થઈ જાય છે. આ વર્ષે આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે અને લોકોનું બધુ જ તહસ નહસ કરી નાખ્યુ છે. લોકો પાસે કંઈ જ બચ્યુ નથી. હજુ અનેક ગામો એવા છે જ્યા લોકોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને ત્યારે ગામમાંથી ક્યારે પાણી ઉતરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે અનેક લોકો ઘર હોવા છતા ઘરવિહોણા બન્યા છે અને માથે છત પણ રહી નથી. તો કેટલાક લોકોના મકાનો પણ પૂરમાં પડી ભાંગ્યા છે. આ વર્ષે આવેલા પૂરે અનેક લોકોને જે ઉજરડા આપ્યા છે કે વર્યો સુધી રૂજાય તેમ નથી. ગામલોકો ક્યારે આ પરિસ્થિતિમાંથી બેઠા થશે તેની કલ્પના પણ કરી શક્તા નથી. હાલ તમામ પૂર પીડિતો બસ સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈક સહાય કરીને તેમને ફરી બેઠા થવામાં ટેકો કરે.
Input Credit- Atul Trivedi- Banaskantha