Banaskantha : અર્બુદાધામ રોશનીથી ઝળહળી ઉઠ્યુ, 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની કરી મહા આરતી, જુઓ VIDEO
આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
બનાસકાંઠાના પાલનપુરના લાલાવાડામાં ત્રિદિવસીય અર્બુદા રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની મહા આરતી કરી હતી. પાલનપુરના અર્બુદાધામને રોશનીથી શણગારાયું. તો બીજી તરફ 12 કિલોમીટરની શોભાયાત્રા નીકળતા પારંપરિક વસ્તુઓ સાથે ચૌધરી સમાજના લોકો જોડાયા. આદર્શ વિદ્યાલયમાં મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવની ઉજવણી થશે.
મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ
આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 બ્રાહ્મણ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. જ્યારે એકસાથે 10 લાખ ચૌધરી સમાજના લોકો ભેગા થશે.
વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી
માતાજીનો પ્રસંગ દીપી ઊઠે એ માટે ચૌધરી સમાજના લોકોએ સતત મહેનત કરી 100 એકર જમીનમાં 7 માળની યજ્ઞ શાળા બનાવી છે. આ યજ્ઞશાળામાં દેશી ગાયનાં છાણ અને ગંગાજળ તેમજ માટીથી લીંપણ કરાયું છે. આ લીંપણ કરવા જિલ્લામાંથી 5 હજારથી વધુ બહેનોનો ફાળો છે. તેમજ સાંજના સમયે જિલ્લાનાં તમામ ગામોમાં ચૌધરી સમાજની બહેનો દ્વારા ગામેગામ મહાઆરતી કરવામાં આવશે. ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. યજ્ઞમાં આવનારા લોકોને વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી છે. જેમાં કોઈને વાહન લેવા કે મૂકવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરાઈ છે.