વીજળી પડવાની 4 ઘટના નોંધાઈ, ઈડરમાં મહિલાનુ મૃત્યુ, મોડાસામાં 16 પશુના મોત
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવા સાથે વીજળી પડવાના બનાવો નોંધાયા છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાર સ્થળો પર વીજળી પડવાની ઘટના નોંધાઈ છે. જેમાં ઈડરના કાબસો ગઢામાં એક મહિલાએ અને 16 પશુઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે મોડાસામાં વીજળીના ઉપકરણોને નુક્સાન થયુ હતુ. જ્યારે મકાનની દિવાલમાં પણ તિરાડો પડી હતી. આમ મોડાસામાં બે સ્થળે વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી.

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં પેટ્રોલપંપમાં તસ્કર ત્રાટક્યા, ઓફિસમાં ઘૂસી 1.93 લાખની રોકડ રકમની ચોરી આચરી
અરવલ્લી જિલ્લામાં 3 અને સાબરકાંઠા જિલ્લામાં એક સ્થળે વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં વીજળી વરસાદ દરમિયાન પડી હતી. જેમાં એક 16 પશુઓ મોતને ભેટ્યાં હોવાના સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારથી જ વાતાવરણ વાદળોથી ઘેરાયેલુ હતુ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ શિયાળામાં સર્જાઈ ગયો હતો.
સાબરકાંઠામાં મહિલાનુ મોત
ઈડર તાલુકાના કાબસો ગઢા ગામે એક મહિલાનુ વીજળી પડવાથી મોત નિપજ્યુ હતુ. 56 વર્ષીય મહિલા કમળાબેન પરમાર ખેતરમાં કામ કરી રહી હતી એ દરમિયાન વીજળી પડતા મહિલા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. મહિલાને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યાનુ તબિબે જાહેર કર્યુ હતુ.
16 પશુના મોત
મોડાસાના મઠ ગામે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના સામે આવી હતી. વિજળી પડતા ખેતરમાં ઘાસચારો ચરી રહેલા 16 જેટલી બકરીઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. વીજળી પડવાને લઈ સ્થળ પર જ બકરીઓ મોતને ભેટી હતી. આમ ગરીબ પશુપાલક માટે આભ ફાટવા જેવી ઘટના સર્જાઈ હતી અને પશુપાલનથી પોતાના ઘરના ગુજરાન ચલાવવા મોટો ફટકો પડ્યો હતો.
ઘાસચારો બળીને ખાખ
મેઘરજ તાલુકામાં પણ કમોસમી વરસાદ વખતે વીજળી પડી હતી. ગાજવીજ ભર્યા વાતાવરણ દરમિયાન શરુઆતમાં જ જીતપુર નજીકના ખાખરીયા ગામની સીમમાં વીજળી એક ખાસચારાના ઢગલા પર પડી હતી. જેને લઈ પશુઓ માટે રાખેલ સૂકો ઘાસ ચારાનો મોટો જથ્થો આગમાં સળગીને ખાખ થઈ ગયો હતો.
વીજ ઉપકરણોને નુક્સાન
મોડાસા શહેરમાં પણ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદમાં વીજળી પડવાની ઘટના મોડાસા શહેરમાં નોંધાઈ હતી. મોડાસા શહેરના કુમકુમપાર્ક સોસાયટી વિસ્તારની વીજ લાઈન પર વીજળી પડતાં વીજ ઉપકરણો વિસ્તારના રહેણાંક મકાનોમાં નુક્સાન પામ્યા હતા. જ્યારે એક દિવાલમાં પણ તિરાડો પડી ગઈ હતી.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો