Sabarkantha: અમદાવાદથી શામળાજી જતા નેશનલ હાઈવેની હાલત ભંગાર, ટોલ વસુલવાની લુંટથી રોષ
ફોર લાઈનમાંથી સિક્સ લાઈન હાઈવેમાં ફેરવવાનું કાર્ય શરુ કરાયુ હતુ. હાઈવેનું કામ છેલ્લા ચાર વર્ષથી ગોકળગાય ચાલી રહ્યું છે. જેને લઈ અમદાવાદ (Ahmedabad)થી શામળાજી તરફ જવુ મુશ્કેલ બની ચુક્યુ છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે (Mumbai-Delhi National Highway)ની હાલત અત્યંત ભંગાર છે. શામળાજીથી ચિલોડા સુધીના ફેઝનું સિક્સ લાઈન કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ આ કામ હાલમાં બંધ જેવી સ્થિતીમાં છે. જેને લઈને વાહનચાલકો પરેશાન બની ચુક્યા છે તો બીજી તરફ ટોલ ટેક્સ પણ વસુલવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે પીએમ મોદી (PM Modi)ને પત્ર લખી રજૂઆત કરાઈ છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર તરફ જતા વાહનચાલકો હાઈવને લઈ પરેશાન બની ચુક્યા છે.
શામળાજી (Shamlaji)થી ચિલોડા વચ્ચે નેશનલ હાઈવે પરથી પસાર થવુ એટલે કે પરગ્રહમાં ફરવા સમાન છે. કારણ કે અહીં હાઈવે કઈ દીશામાં ક્યારે વળશે અને ક્યાં ખાડો હશે અને ક્યાં ઢાળ એ બધુ જ અનિશ્વિતતાના ખેલ સમાન છે. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે કહેવા પુરતો સિક્સ લાઈનમાં રુપાંતર થઈ રહ્યો છે.
છેલ્લા ચાર વર્ષથી સિક્સ લાઈનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ ક્યાં ચાલતુ હોય એમ જોવા મળતુ ના હોય એવી સ્થિતી છે. આ દરમ્યાન હાલ તો વાહનચાલકો મુશ્કેલીઓથી પિસાઈ રહ્યા છે. વાહનચાલકો માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે અને જીવના જોખમે વાહન હંકારી રહ્યા છે તો વળી હાઈવે ઓથોરીટી આવા હાઈવેનો ટોલ ઉઘરાવી લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે.
નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર નિયમિત પણે વાહનચાલકોનો ગુસ્સો ફુટેલો જોવા મળતો હોય છે. ટોલ ટેક્સની કચેરી પર લોકો ભંગાર રોડ પર ટોલ ઉઘરાવવાને લઈને માથાકૂટ કરતા જોવા મળવા એ સામાન્ય બની ચુક્યુ છે. દરરોજ વાહનચાલકો પોતાની ફરિયાદો પણ લખતા રહે છે. પરંતુ તે ફરિયાદનો કોઈ જ અંત આવતો નથી.
પીએમ મોદીને પત્ર
સ્થાનિક પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ હાઈવેના કામ અંગે આખરે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેઓએ હાઈવેના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે પીએમને રજૂઆત કરી છે. કારણ કે આ મામલે અનેકવાર સ્થાનિક તંત્રથી લઈને કેન્દ્રીય પ્રધાનને પત્ર લખવા છતાં કોઈ જ ઉકેલ આવતો નહોતો. જેને કારણે હવે પીએમને પત્ર લખી લોકોની હાલાકીને ઉકેલવા માટે માંગ કરી છે.
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય, મહેન્દ્રસિંહ બારીયાએ કહ્યું હતુ છેલ્લા ચાર વર્ષથી હાઈવેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ પુરુ થતુ નથી. રસ્તા પર ખાડા અને ડાયવર્ઝન ખૂબ છે. છતાં ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. જેથી ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદીને પત્ર લખીને ઘટતુ કરવા માટે માંગ કરી છે.
ભંગાર હાઈવેને લઈ ફરિયાદ ઉભરાવા લાગી
ટોલ પ્લાઝાનું સંચાલન કરતી એજન્સીના સુપરવાઈઝરે કહ્યું હતુ, અમે ફરિયાદ બુક રાખી છે. જેમાં વાહનચાલકો ફરિયાદ નોંધી શકે છે. અમે એ ફરિયાદને નેશનલ હાઈવે ઓથોરીટીને મોકલી આપીએ છીએ. જેઓ હાઈવેનો સમારકામ કરવાનું જણાવેલ છે.
છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવેની હાલત ગામડાની સીમમાં રહેલા કાચા રસ્તાઓ કરતા પણ બદતર સ્થિતીમાં છે. શામળાજીથી ચિલોડા સુધીનો હાઈવે પસાર કરવો એટલે સમયના વ્યય સાથે જીવને જોખમમાં મુકવા સમાન છે. પરંતુ કોઈના પણ પેટનું પાણી હલતુ નથી અને પ્રજા ટોલ લુંટ સમાન ટેક્સથી ખિસ્સા હળવા કરી રહી છે.