અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ, સતત બે દિવસથી ચોમાસાનો માહોલ જામતા ખેડૂતો ખુશ
સતત બીજા દિવસે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડા, મોડાસા, ધનસુરા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રવિવારે પણ ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બે દિવસ દરમિયાન વરસતા સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ છે. વરસાદની લાંબી રાહ જોયા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર અને સોમવારે વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે પણ વાદળછાયું અને ચોમાસાના માહોલ સમાન વાતાવરણ રહેવાને લઈ વરસાદની આશાઓ બંધાયેલી છે.
જિલ્લામાં ભિલોડા, મોડાસા, ધનસુરા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રવિવારે પણ ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ધનસુરામાં ઢીંચણસમા પાણી મુખ્ય બજારના માર્ગો પર ભરાઈ જવા પામ્યા હતા.
ધનસુરામાં સૌથી વધારે વરસ્યો
સતત બીજા દિવસે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે 6 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડામાં સતત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો.
જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે આસપાસના તાલુકાઓમાં વરસાદ ધોધમાર હતો, પરંતુ મોડાસામાં હળવો વરસાદ રહ્યો હતો. જોકે સોમવારે વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. આ ઉપરાંત મેઘરજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. આગળના ચોવીસ કલાક દરમિયાન મેઘરજમાં પોણા બે ઈંચ કરતા વઘારે વરસાદ નોંધાયો હતો.
અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ
અંતિમ 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડાઓ પર નજર કરીશું.
- ધનસુરા 27 મીમી
- ભિલોડા 25 મીમી
- મોડાસા 21 મીમી
- મેઘરજ 17 મીમી
- બાયડ 07 મીમી
- માલપુર 03 મીમી
સાબરકાંઠામાં નોંધાયેલ વરસાદ
છેલ્લા બે દિવસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના 8 પૈકી 6 તાલુકાઓમાં મંગળવાર સવાર સુધીના અંતિમ 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો.
- તલોદ 44 મીમી
- હિંમતનગર 29 મીમી
- પ્રાંતિજ 22 મીમી
- ઈડર 17 મીમી
- વિજયનગર 16 મીમી
- વડાલી 05 મીમી