ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં પ્રથમવાર પ્રધાનપદ મળ્યુ, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે લેશે શપથ
સોમવારે બપોરે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેનાર છે, તેમની સાથે નવુ મંત્રીમંડળ પણ શપથ લેશે. ઉત્તર ગુજરાતમાંથી કેટલાક ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સમાવેશ કરાયાના ફોન આવ્યા છે.
વિધાનસભાની સામાન્ય ચુંટણી 2022 માં ભાજપે અભૂતપૂર્વ બેઠકો સાથે ફરીએકવાર સત્તા મેળવી છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવ્યા બાદ સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર રચાઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે નવુ પ્રધાનમંડળ પણ શપથ લેનાર છે. નવા પ્રધાન મંડળમાં કોને સ્થાન મળશે એ સવાલને લઈ પરિણામો બાદથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ચર્ચાઓ પૂર્ણ થવાને આરે પહોંચી છે. કારણ કે મોટાભાગના પ્રધાન ચહેરાઓના નામ જાહેર થઈ ચુક્યા છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ પ્રથમવાર આ જિલ્લાને પ્રધાનપદ મળી રહ્યુ છે.
મોડાસા બેઠકના નવા ધારાસભ્ય ભીખુસિંહ પરમારને નવી સરકારના પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ છે. મોડી રાત્રી દરમિયાન ટેલિફોનિક જાણકારી શપથ લેવા માટે આપવામાં આવતા જ રાત્રી દરમિયાન અરવલ્લી જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રી દરમિયાન મોડાસા શહેરમાં જશ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાત્રે ફોન આવ્યો
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વહેલી સવારે ભીખુસિંહે પોતાને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, વિકાસ અને સામાન્ય માણસના કાર્યને તેઓ પ્રાથમિકતા આપશે. મોડાસા વિસ્તારના વિકાસ માટે પણ તેઓ કટિબદ્ધ છે અને આ અંગે તેઓ સતત પ્રયાસ કરશે. પ્રધાનમંડળમાં સમાવેશ થવાના સમાચાર ફેલાતા જ વિસ્તારના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભીખુસિંહને શુભેચ્છા પાઠવવાની શરુઆત થઈ હતી. શપથ પહેલા મિટીંગમાં ઉપસ્થિત રહેવાના કોલને લઈ વહેલી સવારે જ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
સાબરકાંઠાને સ્થાન નહીં!
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ભાજપના ધારાસભ્યોમાંથી એક પણને સવાર સુધી ફોન કોલ આવ્યો નહોતો. આમ સાબરકાંઠા જિલ્લામાં એક પૂર્વ પ્રધન સહિત બે સિનિયરોમાંથી સ્થાન મળવાની આશા રહેલી હતી. પરંતુ સવાર સુધી ફોન કોલ આવ્યાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નહોતા. સાબરકાંઠાની ઈડર બેઠક પરથી રમણલાલ વોરા છઠ્ઠીવાર ધારાસભ્ય ચુંટાયા છે. વિડી ઝાલા બે વાર પ્રાંતિજ અને એક વાર હિંમતનગર બેઠક પરથી ધારાસભ્ય ચુંટાયા છે. જ્યારે ગજેન્દ્રસિંહ પરમાર મોટી લીડ સાથે પ્રાંતિજથી બીજીવાર ચુંટાયા છે. તેઓ ગત સરકારમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો હિસ્સો હતા.
જિલ્લો રચાયા બાદ ભાજપને પ્રથમવાર બેઠક મળી
અરવલ્લી જિલ્લાની રચના સમયથી અહીં વિધાનસભાની બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો હતા. પરંતુ હવે 2022માં ભાજપને બે બેઠકો અરવલ્લી જિલ્લામાં મળી છે. જેમાં મોડાસા બેઠક 10 વર્ષ બાદ ભાજપે પરત મેળવી છે. વર્ષ 2012 થી આ બેઠક પર કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી. પરંતુ હવે 2022 માં ભાજપે મોડાસા બેઠકને રણનિતી સાથે પરત મેળવી લેવામાં સફળતા મેળવી છે. મોડાસા બેઠક પર 2012 માં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે જીત મેળવી હતી, ત્યારબાદ 2017માં ફરી વાર રાજેન્દ્રસિંહે પાતળી સરસાઈથી જીત મેળવી હતી. ભીખુસિંહ પરમારની તે વખતે હાર થઈ હતી. પરંતુ ફરીવાર ભાજપે તેમની પર ભરોસો દાખવી મેદાને ઉતારતા મોડાસાએ તેમને મોટા માર્જીનથી જીત અપાવી હતી.