Anand: બોરસદમાં વરસાદના તાંડવથી તારાજી,ભાદરણમાંથી 250 લોકોનું સ્થળાંતર, 1 વ્યક્તિ સહિત 11 પશુનાં મોત
Heavy Rain in Anand:આણંદના (Anand) સિસવા અને ભાદરણમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સિસવામાંથી 380 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભાદરણમાંથી 250 લોકોનું સ્થળાંતર કરાયું છે.
આણંદના(Anand) બોરસદમાં (Borsad)થયેલા ભારે વરસાદને પગલે આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ગુરૂવારે મધરાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે ખાબકેલા વરસાદથી માત્ર ચાર કલાકમાં જ જળાબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ તોફાની વરસાદને પગલે 1 વ્યક્તિ સહિત 11 પશુનાં મોત થયાં છે. તો આ તરફ બોરસદના SDM જે. એચ. બારોટે જણાવ્યું હતું કે આણંદના સિસવા અને ભાદરણમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સિસવામાંથી 380 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભાદરણમાંથી 250 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો વનતળાવ વિસ્તારના લોકો માટે નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર તરફથી અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય મળે તે માટે જલદી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
બોરસદમાં વરસી આકાશી આફત
બોરસદમાં આકાશમાંથી આફત વરસી હતી. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તમામ જગ્યાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં ગળાડૂબ તો કેટલાક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરની અંદર 2-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.લોકોનું કહેવું છે કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ઘર વખરીને સરખી ગોઠવવાનો પણ સમય નહોતો મળ્યો હતો.વરસાદ બંધ થયા પછી પણ ઘણાં વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા નથી.બીજી તરફ આસપાસના 500 જેટલા મકાનોમાં વીજળી ગુલ થતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
- બોરસદમાં 24 કલાકમાં વરસાદના તાંડવથી તારાજી
- 100 જેટલા પરિવારોની જીવનમૂડી સમાન માલ મિલકતનો પાણીમાં ડૂબી ગઈ
- વનતળાવ વિસ્તારમાં એક યુવકનું તણાઇ જતાં મોત
- ભાદરણ પાસે હાઇવે ઉપર ઢીંચણ સુધી ભરાયા પાણી
- ગંભીરા હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ
નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે અને ભારે વરસાદને પગલે આણંદના બોરસદમાં ભારે વરસાદ ખાબકતા સ્થિતિ કફોડી બની ગઈ છે.