Anand: બોરસદ તાલુકામાં બારેમેઘ ખાંગા, અધધ..12 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ દ્રશ્યો
વરસાદની ભારે આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોરસદ અને આંકલાવમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે.
ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) જામ્યુ છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) ખાબક્યો છે. જેના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ લાગી રહી છે. આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગઇકાલે વરસેલા વરસાદ બાદ બોરસદમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યો છે. એક જ દિવસના વરસાદથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બોરસદના રસ્તાઓમાં ઘૂંટણસમા પાણી
ભારે આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોરસદ અને આંકલાવમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 12 ઇંચ વરસાદ પડયો. તો આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ વરસાદ ખાબકયો છે. તો આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ પડયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. બોરસદના રસ્તાઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
લોકોની ઘરવખરી પાણીમાં ડુબી ગઇ
આ તરફ બોરસદમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જયારે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાણીના નિકાલ માટે તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અંગેના સવાલો ઉઠ્યા છે.