Anand: ગોકુલધામ-નાર ખાતે 108 ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજની સ્થાપના કરી રાષ્ટ્રપ્રેમનું ધ્વજારોહણ કરાયું
ધોરણ 1 થી 8 સુધીના બાળકોની જરૂરીયાતને અનુલક્ષી અભ્યાસ માટે ઉપયોગી વસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
વડતાલ (Vadtal) લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાનના ગોકુલધામ-નાર દ્વારા આજે 108 ફુટ ઉંચા સ્તંભ ઉપર 40 X 20 ફુટનાં વિશાળ રાષ્ટ્રધ્વજ (National flag) નું પ્રતિષ્ઠાપન કરીને ધર્મધજાની સાથે રાષ્ટ્રપ્રેમનું ધ્વજારોહણ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સાથે સાથે સ્વામિનારાયણ (Swaminarayan) ભગવાનની આજ્ઞાનુંસાર સદ્દવિદ્યા અર્થે સેવાયજ્ઞની પણ શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત આણંદ જિલ્લાના કુલ બે લાખ કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. ધોરણ 1 થી 8 સુધીના બાળકોની જરૂરીયાતને અનુલક્ષી અભ્યાસ માટે ઉપયોગી વસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં અમેરિકાનાં વર્જીનિયા બીચમાં સ્થિત સંસ્થા Helping Hands For Humanity-USA ના દાતાશ્રીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.
બે લાખ કરતાં વધુ બાળકોને ઉઘડતી શાળાએ ભેટ અપાનાર વસ્તુઓનું કુલ વજન 71 ટન થાય છે, જેમાં 4 લાખ ચોપડા-નોટબુક, 55 હજાર લંચ બોક્સ, 2 લાખ પેન્સિલ, 2 લાખ બિસ્કિટ પેકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી સંસ્થાના ખુલા મેદાનમાં ગોઠવેલ જેની લંબાઈ 2.35 કી.મી. થઈ હતી, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ તથા એશિયા બુકમાં સ્થાપિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રશાદજીએ આશીર્વચન પાઠવ્યાં હતાં. સમારંભનું અધ્યક્ષ સ્થાન ગુજરાતનાં ક્રાંતિકારી સંત સચ્ચિદાનંદ સ્વામીજીએ શોભાવ્યું હતું. એસ.જી.વી.પી. ગુરુકુલનામાધવપ્રિયદાશજી સ્વામીનીઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી હતી. મોહનદાસજી સ્વામી તથા પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ હાજરી આપી પ્રેરક બળ પુરુ પાડ્યું હતું. અન્ય મહાનુભાવોમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, કેન્દ્રીય દૂર સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને સાંસદ મિતેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ વગેરે રાજકીય તથા સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇથી સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતા છ માર્ગીય હાઇવે ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે ત્યારે આજથી આ રસ્તા ઉપર લહેરાતો વિશાળકાય તિરંગો દરેક રાષ્ટ્રપ્રેમીને ભારતવર્ષની આન,બાન અને સાન પ્રત્યે ગૌરવ ઉપજાવશે.
સદ્દવિદ્યા સેવાયજ્ઞ અંતર્ગત આ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ઉઘડતી શાળાએ તા.16 મી જૂનનાં રોજ સવારે 9 થી 11 દરમ્યાન એક સાથે 1019 શાળામાં થશે જે પણ વધુ એક વિશ્વવિક્રમ બનશે. ગોકુલધામ-નારની આવી અનેક સમાજ ઉપયોગી સેવાનાં પ્રકલ્પો શરૂ કરી કાર્યરત કરવામાં બે યુવાન સંતો પૂ.શુકદેવપ્રસાદદાસજી સ્વામી તથા પૂ.હરિકેશવદાસજી સ્વામીની સેવાવૃતિને ઉપસ્થિત તમામ સંતગણ તથા મહાનુભવોએ બિરદાવી હતી. સમગ્ર સેવાકાર્યોમાં સરકારી તંત્રનો ઉમદા સાથે સંસ્થાનાં સત્સંગીઓ તથા કાર્યકર્તાઓનું સમયદાન સફળતા અપાવે છે.