Anand : મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રનો સરાહનીય પ્રયાસ, અનામી પારણું મૂકવામાં આવ્યું
મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રનો આ પ્રયાસ સરાહનીય છે. તેમજ તેના લીધે ત્યજી દીધેલા બાળકને યોગ્ય સ્થાને રાખીને તેની સારસંભાળ રાખવામાં મદદ થઈ શકે છે.
સામાજિક જીવનમાં આજે ઘણાં એવાં બનાવો જોવા મળી રહ્યા છે કે બાળકને(Child)જન્મ આપનાર માતાને ઘણીવાર બાળકને જન્મ આપીને ત્યજી દેવું પડતું હોય છે. આવી મહિલાઓને (Women)ઘણીવાર વિકટ પરિસ્થિતિના કારણે બાળકને અવાવરૂ જગ્યાએ કે ઝાડી-ઝાંખરામાં, કચરાપેટીમાં,ખાડા-ખાબોચિયામાં ત્યજવું પડતું હોય છે. આવા બાળકોને ત્યજી દેતી મહિલાઓ આવી ગમે તે જગ્યાએ બાળકને નિરાધાર અવસ્થામાં છોડીને ન જતાં જો કોઇ સાચી અને સારી જગ્યાએ ત્યજીને જતી રહે તો આવા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે તેનું યોગ્ય લાલન-પાલન થઇ શકે છે. તેવા સમયે તા.8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવના સંયુકત ઉપક્રમે મહેળાવ સરકારી હોસ્પિટલમાં આવેલ બાળકોના યુનિટની બાજુમાં અનામી પારણું મૂકવામાં આવ્યું છે. આ અનામી પારણું મૂકવા પાછળનો મુખ્ય હેતુ ખાસ દત્તક સંસ્થાઓમાં આવતા ત્યજાયેલ બાળકોને પૂરતો આશરો મળી રહે અને આવા બાળકને કોઇપણ પ્રકારની ઇજા ન થાય અને આવું બાળક સલામત અને સુરક્ષિત રહે તેવો રહેલો છે.
બાળકને પારણામાં મૂકી જનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે
મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રના બાળકોના યુનિટની બાજુમાં મૂકવામાં આવેલ અનામી પારણું સંકલિત બાળ સુરક્ષા યોજનાની ગાઇડલાઇન ૨૦૧૪ના પ્રકરણ-10 માં પેરા નં. 5(3.1) ની જોગવાઇ અન્વયે મૂકવામાં આવ્યું છે. મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ આ અનામી પારણામાં કોઇ વાલી-વારસો કે અન્ય કોઇ ત્યજી દેનાર બાળકને મૂકી જશે તો તેવા બાળકને પારણામાં મૂકી જનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે
ગુજરાતમાં હાલમાં જ જન્મ બાદ બાળકને માતા દ્વારા ત્યજી દેવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં લોકોને નવજાત શિશુને ગમે તે સ્થળે મૂકીને જતાં રહે છે. તેવા સમયે પ્રાણીઓ દ્વારા બાળકને નુકશાન પહોંચાડવાની પણ ભીતિ સેવાતી હોય છે. તેવા સમયે મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રનો આ પ્રયાસ સરાહનીય છે. તેમજ તેના લીધે ત્યજી દીધેલા બાળકને યોગ્ય સ્થાને રાખીને તેની સારસંભાળ રાખવામાં મદદ થઈ શકે છે.
આ પણ વાંચો : રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી
આ પણ વાંચો : Bhavnagar અમદાવાદ હાઇવેના અધૂરા કામ વચ્ચે ટોલ પ્લાઝા શરૂ કરાતા ગ્રામજનોનો વિરોધ