Anand : પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી ઉજ્જડ જમીન પણ ઉપજાઉ બની શકે : આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતા કહ્યું હતું કે, જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો ભારતનું ભાગ્ય બદલી શકીશું. નવો ઇતિહાસ રચી શકીશું. રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રા મોર્ડન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતા કહ્યું હતું કે, જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો ભારતનું ભાગ્ય બદલી શકીશું. નવો ઇતિહાસ રચી શકીશું. રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રા મોર્ડન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ. પ્રાકૃતિક ખેતીથી આપણા હવા, પાણી, ધરતી અને અનાજ શુધ્ધ થશે. કૃષિ વૈજ્ઞાનિકોને નમ્ર અનુરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, રાસાયણિક અને જૈવિક ખેતીના જે દુષ્પરિણામો સામે આવ્યા છે, તેનાથી ચેતી જઈને સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરીશું તો પરિસ્થિતિને પૂર્વવત કરી શકીશું.
ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં બે હજારથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સમગ્ર દેશને આનંદિત કરવા માટે આણંદના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે એવો મને વિશ્વાસ છે. યુ-ટયુબના માધ્યમથી વિશાળ સંખ્યામાં જીવંત પ્રસારણ નિહાળી રહેલા ખેડૂતોને સંબોધતા તેમણે પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. રાસાયણિક ખાતર અને જીવામૃત- ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદની ભૂમિ પરથી જ ભારતના 8 કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું, તેનું સ્મરણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં ત્રણ ગણી થશે. પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવવાની આવશ્યકતા પર ભાર મુકતાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ગામેગામ તાલીમાર્થી જઈ રહ્યા છે, જેઓ વિવિધ પાકોની જાણકારી આપશે અને સમગ્ર પદ્ધતિ વિશે વિસ્તારથી સમજાવશે. પ્રાકૃતિક ખેતી અપનાવવામાં જ સમજદારી છે એમ કહીને તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી ૩૦ એકરમાં ખેતી કરી શકાય
જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. એ માટે મોટા પ્રમાણમાં ગોબરની આવશ્યકતા છે. એક એકર જમીન માટે 60 કિલો નાઇટ્રોજન જોઈએ, 60 કિલો નાઇટ્રોજન માટે જૈવિક કૃષિ પ્રમાણે 300 ક્વિન્ટલ ગોબરની જરૂર પડે અને એ માટે ખેડૂત પાસે 20 થી 30 પશુ હોવા જોઈએ. એક એકર જમીનમાં ખેડૂત પરિવારનું પાલન કરે કે પશુપાલન કરે એ જ મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, જૈવિક કૃષિ પદ્ધતિમાં ૩૦ પશુથી એક એકરમાં ખેતી કરી શકાય જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી ૩૦ એકરમાં ખેતી કરી શકાય છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 1960 ના દશકમાં ભારતની ધરતી ઉપજાઉ હતી. તે વખતે દેશમાં કૃષિ ઉત્પાદન વધારવા અને ખાદ્યાન્નમાં સ્વાવલંબન કેળવવા કૃષિ ઉત્પાદન વધારવાની આવશ્યકતા હતી, અને એટલે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરાયો. પરંતુ આટલા વર્ષોમાં આપણે રાસાયણિક ખાતરના દુષ્પરિણામો ભોગવી ચુકવ્યા છીએ, અને એટલે હવે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવવાની આવશ્યકતા છે.
દેશી ગાય ૨૪ કલાકમાં આઠથી દસ કિલો ગોબર અને એટલું જ ગૌમૂત્ર આપે છે.
પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી ઘન જીવામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 200 લીટરના ડ્રમમાં 170 થી 180 લીટર પાણી ભરીને તેને છાંયડામાં રાખવું જોઈએ. એક દેશી ગાય ૨૪ કલાકમાં આઠથી દસ કિલો ગોબર અને એટલું જ ગૌમૂત્ર આપે છે. આ ગોબર અને ગૌમૂત્ર સાથે દોઢથી બે કિલો ગોળ, દોઢથી બે કિલો બેસન અને એક મુઠ્ઠી મોટા વૃક્ષના મૂળમાંથી લીધેલી માટી આ ડ્રમમાં ભરવા. પછી છ દિવસ સુધી દરરોજ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ આ ડ્રમમાં ભરેલા પ્રવાહીને સતત હલાવતા રહેવું.
ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. આ સૂક્ષ્મ જીવાણુઓ માટીમાં મેળવણનું કામ કરે છે
છઠ્ઠા દિવસે એક એકર જમીન માટે ખાતર તૈયાર થઈ જશે. આ પ્રકારના ખાતરના ઉપયોગથી ઉજ્જડ જમીન પણ ઉપજાઉ જમીન બની શકે છે. ઘન જીવામૃત અને જીવાવૃતથી સૂક્ષ્મ જીવાણુનો ભંડાર ઉપલબ્ધ થાય છે, જે જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારે છે. તેમણે કહ્યું હતું કે, દેશી ગાયના ૧૦ કિલો ગોબરમાં 30 લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. આ સૂક્ષ્મ જીવાણુઓ માટીમાં મેળવણનું કામ કરે છે, જે 72 કલાક સુધી દર 20 મિનિટે ડબલ થાય છે. એક ગાયથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ‘‘પ્રાકૃતિક ખેતીમાં આણંદ જિલ્લાના ખેડૂતોની સાફલ્યગાથા’’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ પૂર્વે આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોને નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
પાંચ પ્રગતિશીલ ખેડૂતોનું બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ થી સન્માનિત કરાયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પાંચ પ્રગતિશીલ ખેડૂતોનું બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામનાકેતન પૂનમ પટેલને પ્રાકૃતિક ખેતીથી ગ્રીન હાઉસમાં કાકડીના પાકની ખેતી માટે આપવામાં આવ્યો હતો. જયારે જિલ્લા કક્ષાનો એવોર્ડ ખંભાત તાલુકાના રાલજ ગામના આશાબેન કેતનભાઇ પટેલને આદર્શ પશુપાલન માટે આપવામાં આવ્યો હતો.