અમરેલી : રાજુલાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા રૂ.811 લાખથી વધુના ખર્ચે બનાવાઈ દીવાલ
વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્યએ દરિયાઈ પાણીથી થતા નુકસાન અંગે મંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતુ કે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા માટેની આ યોજના હેઠળ રૂ.811 લાખથી વધુના ખર્ચે બનાવાઈ દીવાલ બનાવવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્ય દ્વારા દરિયાઈ પાણીથી થતા નુકસાન અટકાવવા તૈયાર કરાયેલી દીવાલ અંગે જળ સંપત્તિ મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો પ્રત્યુત્તર આપતા જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દરિયાઈ પાણીથી થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા માટેની આ યોજના હેઠળ સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન-પુને દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇન મુજબ મુખ્યત્વે ૧૦ થી ૬૦૦ કિલોગ્રામ વજનના રબલ સ્ટોન પર આર્મર લેયર તરીકે ૧ ટન વજનના કોન્ક્રીટ ટેટ્રાપોડ્સને ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે. આર્મરલેયર તરીકે કોન્ક્રીટ ટેટ્રાપોડ્સનો ઉપયોગ કરવાથી વધુ સારું ઇન્ટરલોકિંગ તેમજ સસ્ટેનેબિલિટી વધુ મળવાથી દરિયાઈ ધોવાણ અટકાવી શકાય છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ-નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે. આ દીવાલ માટે માર્ચ-2019માં વહીવટી તેમજ સપ્ટેમ્બર-2020માં તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. આ દિવાલ બનાવવાની કામગીરી રૂ. 811 લાખથી વધુના ખર્ચે ડિસેમ્બર-૨૦૨૩માં પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યુ કે આ યોજનાથી રાજુલા તાલુકાના ખેર ગામમાં આશરે 150 જેટલા મકાનો, અંદાજે 30 હેકટર ખેતીની જમીન તેમજ અંદાજીત 630 મીટર લંબાઈમાં – દરિયાઈ સપાટીથી અંદાજે 7 મીટરની ઊંચાઈમાં દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળશે. રાજુલા તાલુકાના ખેરા ગામની દરિયાઈ સીમામાં ધોવણ અટકાવવા 1680 મીટરની લંબાઈના કામ માટે રૂ.22 કરોડના ખર્ચે ખેરા ફેઝ-2ની કામગીરીને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ તરફ વિધાનસભામાં ધારાસભ્ય દર્શના દેશમુખે પૂછેલા પ્રશ્નના જવાબમાં પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાણકારી આપી હતી કે પીએમ મોદીએ જળ જીવન મિશન યોજના અમલમાં લાવીને દેશના દરેક ઘર સુધી નળથી જળ પહોંચાડવાનું શુભ કામ કર્યુ છે. નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો આપતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, રૂ. 25.34 કરોડની જીતનગર – સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 22 અને નાંદોદ તાલુકાના 07 ગામોને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ. 42.77 કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ રૂ. 3.03 કરોડની (ભાગ-2) યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 12-12 ગામોને સમાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરતના આ મંદિરે ભગવાન શિવને કેમ ચડાવવામાં આવે છે જીવતા કરચલા- જુઓ વીડિયો
આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યુ કે નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જીતનગર – સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજનાનું કામ જુલાઈ-2023માં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાકી રહેતી નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ (ભાગ-2)ના કામ હાલ પ્રગતિ હેઠળ છે, જે જૂન-2024 સુધીમાં પૂર્ણ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ કે , દેડીયાપાડા અને સાગબારા તાલુકાની ઝરવાની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 54 ગામો તેમજ દેડીયાપાડાની સાગબારા-દેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 6ગામોને સમાવી લેવામાં આવ્યા છે.