આ વખતે લોકસભાના ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં ક્યાંક કાચુ કપાઈ ગયુ હોય એ રીતે ઠેર ઠેર વિરોધ સામે આવી રહ્યો છે. વડોદરાથી શરૂ થયેલા આ વિરોધની જ્વાળા હવે અમરેલી સુધી પહોંચી છે. અમરેલીમાં ભાજપના જ બે જૂથો વચ્ચે ઉમેદવારોને લઈને છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. જેમા બે લોકોને ઈજા પણ પહોંચી છે. ઉમેદવારોને લઈને ઉઠેલા અસંતોષને ડામવા માટે ભાજપે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. તેઓએ નારાજ લોકોની રજૂઆત સાંભળી. જો કે એક તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવાના થયા અને પછી બબાલના દૃશ્યો સામે આવ્યા. રાજ્યની અન્ય બેઠકો પર જ્યાં ભાજપના કાર્યકરોમાં વિરોધ છે. ત્યાં પોસ્ટર વૉરથી લઇને સોશિયલ મીડિયામાં વિરોધમાં તો સામે આવ્યું છે. પરંતુ મારામારીના દૃશ્યો પ્રથમવાર સામે આવ્યા છે.
અમરેલીમાં ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો છે. હુમલો કરનાર અન્ય કોઇ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે. સ્થિતિને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા. જોકે, સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી. કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી છે. બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે સિવિલમાં બંને જૂથના કાર્યકરો અને આગેવાનોનો જમાવડો થયો હતો.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ બાદ હવે અમરેલી બેઠક પર પણ વિવાદ વધી ગયો છે. ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ થયા બાદ પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે. અમરેલી જિલ્લા પ્રભારી તથા પૂર્વ મંત્રી હકુભા જાડેજાને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. પ્રકરણમાં સંડોવાયેલા નેતાઓ સામે પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં છે સંડોવણીના પુરાવા મળશે તો સસ્પેન્શન પણ આવી શકે છે. પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે.
થોડા દિવસ પહેલા ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી હતી. પરંતુ હવે તો વાત ઘર્ષણ સુધી આવી ગઇ છે. આમ ભાજપમાં બળવાની આગ શાંત થઇ રહી નથી. નેતાઓ વાત કાર્યકરો સાંભળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આખરે કેમ શાંત નથી થઇ રહ્યા વિવાદ? આવી રીતે ભાજપ પોતાના મિશનમાં થશે સફળ ? ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત કેમ થઇ રહી છે નિષ્ફળ ? કાર્યકરો કેમ નથી માની રહ્યા નેતાઓની વાત ? પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન, આમ તો આ ભાજપની ઓળખ છે, ત્યારે શિસ્ત માટે જાણીતી ભાજપમાં જ હાલ અસંતોષનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 9:35 pm, Sun, 31 March 24