Ahmedabad : પ્રેમ સંબંધમાં યુવકે કર્યો આપઘાત, મરતા પહેલા બનાવ્યો Video, જાણો શું હતી ઘટના
અમદાવાદમાં (Ahmedabad) રહેતા પ્રકાશ નામના યુવકે 24 માર્ચના રોજ અડાલજ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જો કે આપઘાત કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં ચાર લોકો સામે આક્ષેપ કર્યા હતા.
અમદાવાદમાં પ્રેમ સંબંધમાં યુવકે આપઘાત કર્યો છે. કેનાલમાં પડીને આપઘાત કર્યો તે પહેલા યુવકે અંતિમ વીડિયો બનાવ્યો હતો. યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધના કારણે યુવતીના પરિવારજનો યુવકને સતત માનસિક ત્રાસ અને ધમકી આપતા હતા. યુવતીના પરિવારજનોના સતત ત્રાસ અને ધમકીથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આ મામલે વાડજ પોલીસે 4 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં રહેતા પ્રકાશ નામના યુવકે 24 માર્ચના રોજ અડાલજ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જો કે આપઘાત કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે જણાવ્યુ છે કે છેલ્લા પાંચ વર્ષથી તેને વાડજમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેણે આક્ષેપ કર્યો છે કે આ પ્રેમ સંબંધની જાણ યુવતીના સગાને થઇ હતી. જે પછી યુવતીના પરિવારજનો વારંવાર તેની સાથે ઝઘડો કરતા હતા. સાથે જ તેને ધાક ધમકી આપતા હતા. જેના કારણે તે કંટાળી ગયો હતો અને આપઘાત કરવા જઇ રહ્યો હતો.
દીકરાના મોતથી પરિવારજનોમાં શોક
યુવકના આપઘાત બાદ પોતાના દીકરાના મોતથી વિધવા માતા અને ભાઈ એ ન્યાયની માગ કરી છે અને પ્રેમનો વિરોધ કરનારા લોકોને સજા મળશે તેવી ન્યાય તંત્ર પર આશા વ્યક્ત કરી છે. મૃતક પ્રકાશ વાઘેલા રીક્ષા ચલાવીને પોતાના પરિવાજનો ગુજરાન ચલાવતો હતો. બે વર્ષ પહેલાં પ્રકાશ અને પાડોશમાં રહેતી યુવતીના પ્રેમ સંબંધની જાણ પરિવારને થઈ હતી. જેથી બન્ને પરિવારો વચ્ચે અવારનવાર પ્રેમ સબંધ મામલે ઝઘડા થતાં હતા.
પ્રકાશના પરિવારજનોએ પ્રેમ લગ્ન કરાવવા માટે યુવતીના પરિવાજનોને પ્રસ્તાવ મોકલ્યો હતો. એક જ સમાજના હોવાના કારણે પ્રેમી યુગલોના લગ્ન કરાવી દેવાની આજીજી કરવામાં આવી હતી, પરંતુ યુવતીના પરિવારે યુવતીને મારી નાખીશું પણ લગ્ન નહિ કરાવીએ તેવી ધમકી આપી હતી. બે મહિના પહેલા જ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતાં યુવક પ્રકાશ માનસિક રીતના ભાંગી પડ્યો હતો અને સતત તણાવમા રહેતો હતો. જે પછી 24 માર્ચના રોજ પણ યુવક રીક્ષા લઈને ઘરથી નીકળ્યો હતો અને કેનાલમાં પડતું મૂક્યુ હતુ.
યુવકે વીડિયોમાં લીલાબેન પરમાર, મનસુખભાઇ પરમાર, બબુભાઇ પરમાર અને ભારતીબેન પરમારના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ચારેય લોકોના કારણે યુવક યુવતી સાથે લગ્ન ન કરી શક્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે દુષ્પ્રેરણા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…