AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cancer Day : લોહીના કેન્સરની સારવાર કરાવતા ‘કલ્પ’  માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બની ગયા દર્દી અને બાળદર્દીને બનાવ્યો ડોક્ટર

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને તબીબોના માધ્યમથી કૅન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે. આવી ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે.

World Cancer Day : લોહીના કેન્સરની સારવાર કરાવતા 'કલ્પ'  માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બની ગયા દર્દી અને બાળદર્દીને બનાવ્યો ડોક્ટર
કેન્સરગ્રસ્ત બાળકોની મુલાકાતલેતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:29 AM
Share

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્સરની સારવાર માટે જાણીતી સિવિલ મેડિસિટી હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કેન્સરની સારવાર લઈ રહેલા કલ્પ નામના બાળકની ડોક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. 10 વર્ષીય કલ્પ યોગેશભાઈ પટેલ લોહીના કેન્સર લ્યુકેમિયાનો દર્દી છે. કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે.

મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ “કલ્પ” માટે જાણે “કલ્પવૃક્ષ” બન્યા હતા અને તેની ડોક્ટર બનાવાની ઇચ્છા પૂરી કરી હતી. કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી હતી.

મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા કલ્પની ઇચ્છા પૂર્ણ

4 ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની ઈચ્છાપૂર્તિ કરી હતી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીશ્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું. વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો- કરોડો કૅન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યમંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પહોંચ્યા હતા.

કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યમંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની “ભૂમિકા” ભજવી. કલ્પે ડૉક્ટર બનીને આરોગ્યમંત્રીને તપાસ્યા હતા તેમજ તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં કલ્પ અને ઋષિકેશ પટેલે  બાળકોના કેન્સર વોર્ડની મુલાકાત લીધી હતી અને બાળકોની સાથે વાતચીત કરી હતી.

જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઇને દર્દીઓને તપાસતા હોય છે તેમની આરોગ્યપૃચ્છા કરીને સ્વાસ્થય તપાસ કરતા હોય છે તેમનો જુસ્સો વધારતા હોય છે તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ કૅન્સરના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી.

કેન્સરગ્રસ્ત બાળકોને મળે  છે નવીન ઉર્જા

કલ્પની સાથે વોર્ડમાં જઇને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઇચ્છાપૂર્તિ થતી જોઇને કૅન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કૅન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આરોગ્યમંત્રીએ વોર્ડમાં સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો તેમને હૈયાધારણા આપી.

કલ્પની ડૉક્ટર બનવાની અદમ્ય ઇચ્છાપૂર્તિ કર્યા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને જી.સી.આર.આઇના તમામ તબીબોના માધ્યમથી કૅન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે.આ પ્રકારની ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે.

કૅન્સર એટલે કેન્સલ એ માન્યતાઓ હવે જૂની થઇ છે. દિન-પ્રતિદિન વિકસી રહેલા મેડિકલ સાયન્સ અને તકનીકી સારવાર પધ્ધતિના અપગ્રેડેશનના પરિણામે કેન્સર જેવા ધાતક રોગની સારવાર શક્ય બની છે. ઝડપી નિદાન જ કૅન્સરને મ્હાત આપવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

g clip-path="url(#clip0_868_265)">