Ahmedabad : વસ્ત્રાપુર લેકના હાલ બેહાલ, વોક-વેની દુર્દશા અને ઉંદરોના કારણે સહેલાણીઓ પરેશાન
શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા વસ્ત્રાપુરમાં આવેલ તળાવના હાલ બેહાલ થયા છે. વરસાદના કારણે પગથિયામાં પથ્થરો ઉખડી ગયા છે, જમીન બેસી ગઈ છે, તો દીવાલ અને રેલિંગ પણ તૂટી ગઈ છે. આ ઉપરાંત વરસાદ વચ્ચે વોક-વે પણ ધોવાયો છે.

Ahmedabad : અમદાવાદ શહેરમાં એક એવું તળાવ છે જ્યાં વોક વે (Walk way) પર ચાલનારા ઓછા પરંતુ ઉંદરોની સંખ્યા વધારે છે. જે ઉંદરો મોડી સાંજે અને રાત્રે વોક-વે પર અડો જમાવે છે. તો દિવસ દરમિયાન પણ ઉંદરો વોક-વે પર ચાલતા જોવા મળે છે. જેના કારણે લોકો પરેશાન છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોમાં માંગ ઉઠી છે.
વસ્ત્રાપુર લેકના હાલ બેહાલ
શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા વસ્ત્રાપુરમાં આવેલ તળાવના હાલ બેહાલ થયા છે. વરસાદના કારણે પગથિયામાં પથ્થરો ઉખડી ગયા છે, જમીન બેસી ગઈ છે, તો દીવાલ અને રેલિંગ પણ તૂટી ગઈ છે.
આ ઉપરાંત વરસાદ વચ્ચે વોક-વે પણ ધોવાયો છે. તો વસ્ત્રાપુર લેકમાં એક બે નહીં પરંતુ અઢળક ઉંદરોનો ઉપદ્રવ પણ છે. જેના કારણે વસ્ત્રાપુર લેકમાં આવનારા સહેલાણીઓને હાલાકી પડી રહી છે.
ઓગસ્ટ 2005માં વસ્ત્રાપુર તળાવનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું
વસ્ત્રાપુર તળાવ જ્યારે વસ્ત્રાપુર ગ્રામ પંચાયત હતી એટલે કે વસ્ત્રાપુર ગામ હતું ત્યારનું બનેલું છે. જે બાદ તે વિસ્તારનો વિકાસ થતો ગયો અને ઓગસ્ટ 2005માં અમદાવાદ શહેરી વિકાસ મંડળ ઔડા દ્વારા તેનું નવ નિર્માણ કરવામાં આવ્યું અને તે સમયના વિપક્ષના નેતા અને ગાંધીનગરના સંસદ સભ્ય લાલકૃષ્ણ અડવાણીના હસ્તે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જાળવણીના અભાવે વસ્ત્રાપુર તળાવની દુર્દશા
લાખો રૂપિયાનો ખર્ચે તૈયાર થયેલ વસ્ત્રાપુર તળાવની જે તકેદારી રાખવી જોઈએ કે મેન્ટેનન્સ કરવું જોઈએ તેનો ક્યાંક અભાવ જોવા મળ્યો અને તેના જ કારણે હાલ આ વસ્ત્રાપુર તળાવની હાલત બેહાલ બની છે. તેમજ તળાવમાં ઉનાળા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું, પરંતુ તળાવ કોરું કટ રહે છે. જેના કારણે પણ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે.
વરસાદી માહોલ વચ્ચે હવે ઉંદરો અને ઠેકઠેકાણે ખાડા પડવાની સમસ્યા સામે આવી છે. જેનાથી ત્યાં આવનારા સહેલાણીઓ પરેશાન છે. તેમજ અન્ય શહેર કે રાજ્ય કે દેશમાંથી આવનારા લોકો પણ ત્યાંની અલગ છાપ લઈને જાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે વસ્ત્રાપુર તળાવ લેકની આ સમસ્યા ક્યારે દૂર થાય છે કે પછી વસ્ત્રાપુર તળાવ લેકની હાલત વધુ બેહાલ બને છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો