Uttarayan 2023: ઉતરાયણમાં કયાં પતંગની છે બોલબાલા? લચ્છા, ગુંદરપટ્ટી, પિલ્લું વાળવું આ શબ્દો વિના અધૂરી છે ઉતરાયણ
આંખેદાર પતંગ, ઢાલ સહિતના પતંગો સાથે પિલ્લું, ઢાલ, ગુંદરપટ્ટી આ શબ્દો સાંભળ્યા વિના ઉતરાયણ અધૂરી લાગે છે. બજારમાં મોટા ઠાલ પતંગથી માંડીને ફુદ્દી અને પતંગિયા ટાઇપના વિવિધ પતંગ મળી રહ્યા છે.
ઉતરાયણની મજા લેવા માટે પંતગરસિકો આતુર થઈ ગયા છે ત્યારે હાલમાં માર્કેટમાં વિવિધ જાતના પતંગોની બોલબાલા છે અને જે લોકો વર્ષોથી પતંગ ચગાવે છે તે લોકો વિવિધ પ્રકારના પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે. હાલમાં માર્કેટમાં ખંભાતના બનાવેલા પતંગથી માંડીને વિવિધ પ્રકારના પંતગો બજારમાં જોવા મળી રહ્યા છે જે ખરીદવા છેલ્લા દિવસે લોકો ઉમટી પડ્યા છે. પતંગની સાથે સાથે ઉતરાયણના તહેવારમાં ખાવા મળતી વિવિધ ખાદ્ય સામગ્રીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે
ઉતરાયણ માટેની એક્સેસરીઝની ધૂમ ખરીદી
બજારમાં હાલમાં ઉતરાયણ માટેની વિવિધ એક્સેસરીઝ મળી રહી છે અને ખાસ કરીને બાળકો માટે પીપૂડા, વિવિધ પ્રકારના કાર્ટુન કેરેક્ટરના માસ્ક, પતંગ ટાઇપના ફુગ્ગા જે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે તેનું પણ વેચાણ થઈ રહ્યું છે અને સનગ્લાસ, હેટ , કેપ સહિતની એકસેસરીઝ પણ વેચાઈ રહી છે.
બજારમાં મળી રહ્યા છે વિવિધ પ્રકારના પતંગ
આંખેદાર પતંગ, ઢાલ સહિતના પતંગો સાથે પિલ્લું, ઢાલ, ગુંદરપટ્ટી, પૂછડિયો આ શબ્દો સાંભળ્યા વિના ઉતરાયણ અધૂરી લાગે છે. બજારમાં મોટા ઢાલ પતંગથી માંડીને ફુદ્દી અને પતંગિયા ટાઇપના વિવિધ પતંગ મળી રહ્યા છે. આ ઉપરાંત પણ ઉતરાયણમાં ચગાવવામાં આવતા વિવિધ પતંગો પણ પતંગરસિકોમાં જાણીતા છે અને તેને ચગાવાવની પણ અનોખી મજા છે.
ઉત્તરાયણમાં મળે છે આવા વિવિધ પ્રકારના પતંગ
- આંખેદાર- આ પતંગમાં ઢઢાની બંને બાજુ ગોળ ચકરડાં હોય છે અને કેટલાકમાં આંખો જેવો આકાર હોવાથી તે આંખેદાર કહેવાય છે
- ઢાલ પતંગ- ઢાલ પતંગ સામન્ય પતંગ કરતા ખૂબ જ મોટો હોય છે પહેલાના સમયમાં લોકો આવા પતંગ ઉપર તુક્કલ ચગાવાત હતા.
- ચીલ- આ પતંગ ઉપરથી મોટો અને નીચેથી થોડો સાંકડો હોય છે જે આકાશમાં ચગે ત્યારે દૂરથી સમડી ઉડતી હોય તેવું લાગે છે તેથી તેને ચીલ કહેવાય છે
- ફુદ્દી- ફુદ્દી પતંગ ખાસ તો નાના બાળકો માટે વપરાય છે આ નાના પતંગ બાળકો માટે હવે કાર્ટૂન કેરેક્ટરની ડિઝાઇનમાં પણ મળે છે.
- આ ઉપરાંત ઉતરાયણમાં ઘેંસિયો, લબૂકિયો ટાઇપના પતંગના પ્રકાર પણ ઘણા જાણીતા છે.
- ચાંદેદાર પતંગ- ચાંદેદાર પતંગમાં વચ્ચોવચ અર્ધચંદ્રાકાર દોરેલા હોય છે અને ખાસ કરીને તે બ્લેક રંગથી દોરવામાં આવે છે.
- ચંદરવો- આ ટાઇપના પંતગમાં બે રંગના આડા પટ્ટાની ડિઝાઇન બનાવાવમાં આવી હોય છે.
- ઉતરાયણ હોય ત્યારે ચોક્કસપણે કેટલાક શબ્દો અચૂક સાંભળવા મળતા હોય છે ખાસ કરીને પિલ્લુ, લચ્છા, ફીરકી, લપેટ, કાપ્યો છે, જેવા શબ્દો બે દવિસ દરમિયાન ખૂબ સાંભળવા મળે છે.