Ahmedabad: AMC વિપક્ષના નેતાની મુલાકાત બાદ સ્માર્ટ શાળાની પોલ ખુલી, જાણો આ સ્માર્ટ શાળાની કેવી છે સ્થિતિ
અમદાવાદના (Ahmedabad) રખિયાલની સ્માર્ટ શાળાના (Smart school) વર્ગખંડમાં કેટલાયે કોમ્પ્યુટર વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે બાળકોને આ કોમ્પ્યુટરમાંથી જ્ઞાન તો નથી જ મળતુ, પરંતુ કચરાના આ ઢગલા વચ્ચે જ ભણવા વિદ્યાર્થીઓ મજબૂર છે.
ગુજરાતમાં (Gujarat) સ્માર્ટ શાળાને (Smart school) લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત અને દિલ્લીના શિક્ષણ મોડલનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદની સ્કૂલોમાં પણ દીવા તળે અંધારું જોવા મળ્યું હતું. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અચાનક મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્કૂલોની મુલાકાત લીધી હતી. જેમાં શહેરની સ્માર્ટ સ્કૂલોના શિક્ષની પોલ ખુલી હતી. AMC વિપક્ષ નેતાએ રખિયાલની ગુજરાતી શાળા (Gujarati school) નંબર-1 અને ઉર્દૂ શાળા નંબર-2ની મુલાકાત લીધી અને જ્યાં સામે આવેલા દ્રશ્યોએ સ્માર્ટ સ્કૂલની પોલ ખોલી દીધી.
અમદાવાદના રખિયાલમાં આવેલી સ્માર્ટ સિટીની શાળામાં ગુજરાતી શાળા નંબર-1 અને ઉર્દૂ શાળા નંબર-2માં કચરાનું રાજ છે. મા સરસ્વતીના ધામમાં શાળા સંચાલકોની બેદરકારી જોવા મળી રહી છે. જ્યાં જ્ઞાનના ચોપડા ભણવાના હોય તેવા સ્થળે દિવાલના પોપડા ખરેલા જોવા મળે છે. આવી શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે, તેની કલ્પના થઈ શકે છે. રખિયાલની કોર્પોરેશનની આ શાળા દેશની પ્રથમ એવી શાળા હશે, જ્યાં શૌચાલયમાં RO મશીનનું પ્લાન્ટ લગાવવામાં આવ્યું હોય. જોકે બાળકોના સદનસીબે આ RO મશીનને બેદરકારીનો કાટ લાગી ગયો છે અને તે બંધ હાલતમાં છે.
શાળાના વર્ગખંડમાં કેટલાયે કોમ્પ્યુટર વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે બાળકોને આ કોમ્પ્યુટરમાંથી જ્ઞાન તો નથી જ મળતુ, પરંતુ કચરાના આ ઢગલા વચ્ચે જ ભણવા વિદ્યાર્થીઓ મજબૂર છે. રખિયાલની ઊર્દૂ શાળામાં બાળકોના માથે મોત ડોકીયું કરી રહ્યું હોય તેવા દ્રશ્યો છે. આ શાળાઓની હાલત જર્જરિત છે. છતના પોપડા ખરી પડ્યા છે. શાળાની મુલાકાત લો તો લાગે કે ગમે ત્યારે જમીન સાથે ભળી જવા માટે આ છત આતુર છે.
AMC વિપક્ષની ટીમે આ શાળામાં શૌચાલયની પણ તપાસ કરી. પરંતુ અહીં પણ ગંદકીનું ધામ જોવા મળ્યું. ત્યારે વિપક્ષે આ બેદરકારીની પોલ ખોલી સરકાર પર નિશાન સાધ્યું હતું. બહેરામપુરાના શાળાની સ્થિતિ એવી છે કે ધોરણ-5ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા પણ ન આવડ્યું. જ્યારે આ બધા વિશે સ્કૂલ બોર્ડના ચેરમેનને માહિતગાર કરવામાં પણ આવ્યા હતા.
સ્માર્ટ સિટી અમદાવાદમાં શાળાની આવી હાલત જોવા મળી. ત્યારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પણ શાળાની મુલાકાત લેવાના છે. જો તેઓ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની કોઈ શાળાની મુલાકાત લેશે તો કેવા દ્રશ્યો જોવા મળશે. તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચોઃ Junagadh: ગાઠીલા ઉમાધામનો 14મો પાટોત્સવ, આજે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે
આ પણ વાંચોઃ ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો