કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, વડોદરામાં 2 મોત, રાજ્યમાં એક સપ્તાહમાં 1,158 લોકો બેભાન થયાં
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. અમદાવાદમાં આજથી આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે.
રાજ્યમાં ગરમી એ હદે વધી ગઈ છે કે હવે મોત અને બેભાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડોદરામાં ગરમીથી બેભાન થયેલા વૃદ્ધ સહિત બે લોકોનાં મોત થયા છે. બીજીતરફ આખા રાજ્યમાં ગરમીની અસરના કારણે 22થી 28 એપ્રિલ સુધીમાં બેભાન થવાના 1 હજાર 158 કેસ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ 108ને મળ્યા છે. જેમાંથી સૌથી વધુ કેસ 24 એપ્રિલે 190 અને 22 એપ્રિલે 181 મળ્યા હતા. જ્યારે 28 એપ્રિલે 180 કોલ મળ્યા હતા. આ ઉપરાંત ઝાડા-ઊલટીને લગતાં 1 હજાર 27 કોલ, શ્વાસ લેવામાં તકલીફ સહિતના વિવિધ કેસને લગતાં સપ્તાહમાં કુલ 6 હજાર 715 કોલ મળ્યા છે. ગરમીના કારણે અમદાવાદ શહેરમાં મૂર્છિત થવાના, બેભાન થવાના છેલ્લા બે દિવસમાં 40થી વધુ કેસ મળ્યા છે. 27 એપ્રિલે 45, 28 એપ્રિલે 42 કેસ સામે આવ્યા હતા. 22 એપ્રિલે 51, 23 એપ્રિલે 31, 24 એપ્રિલે 43, 25 એપ્રિલે 40 કેસ બેભાન થવાના મળ્યા હતા.
બીજી બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવ અગનજ્વાળાઓ વરસાવી રહ્યા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. અમદાવાદમાં આજથી આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવનો કેર વર્તાશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી છે.
હવામાન વિભાગના પ્રમાણે પવનોની દિશા બદલાતા અને સીધો તાપ પડતો હોવાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહેશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. 1 મે બાદ ગરમીથી રાહતની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 1 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ભેજ વાળા પવન આવતા ગરમીના પારામાં 2 ડિગ્રી સુધી ઘટાડો થશે. જેનાથી ગરમીમાં લોકોને આંશિક રાહત મળી શકશે. જોકે તેમ છતાં 43 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ ગરમી સહન કરવી જ પડશે.