રાજ્યની સરકારી યુનિવર્સિટી માટે કોમન યુનિવર્સિટી એક્ટ ગત ઓક્ટોબરમાં લાગુ થયા બાદ સેનેટ અને સિન્ડેકેટ પ્રથાને બંધ કરવામાં આવી છે. ત્યારબાદ હવે તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓને મોડલ સ્ટેચ્યુટ મોકલવામાં આવ્યા છે. જેની જોગવાઈને લઈને ભારે વિવાદ સર્જાયો છે અને અધ્યાપકો તેમજ કર્મચારીઓમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. આ મોડલ સ્ટેચ્યૂટ મારફતે કર્મચારીઓના સંગઠન કે યુનિયન બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
સરકારે જાહેર કરેલા મોડેલ સ્ટચ્યૂટ્સમાં એવી જોગવાઈ દાખલ કરી છે કે યુનિવર્સિટીઝ કે કોલેજના અધ્યાપકો અને કર્મચારીઓ સંગઠન બનાવી ન શકે કે તેમાં જોડાઈ શકશે નહીં. આ સિવાય કોઈપણ પ્રકારનું ફંડ પણ કોઈ સંગઠન ઉઘરાવી શકશે નહીં. તદ્દઉપરાંત કોઈપણ પ્રોફેસર પ્રાઈવેટ ટ્યુશન કે કોચિંગ ક્લાસ પણ ચલાવી શકશે નહીં.
ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગના યુનિફોર્મના મોડલ સ્ટેચ્યૂટમાં પેજ નંબર 131માં 85 નંબરની જોગવાઈમાં સેક્શન (ઈ) અને (જી) માં કહેવાયુ છે કે કોલેજ અને યુનિવર્સિટીનો કર્મચારી કોઈ મંડળની રચના ન કરી શકે અને મંડળમાં જોડાઈ પણ ન શકે. આ પ્રકારની જોગવાઈ બંધારણની કલમ 19 (સી)નો ભંગ છે. કારણ કે બંધારણની કલમ 9 સી મુજબ દેશનો દરેક નાગરિક મંડળની રચના કરી શકે છે અને તેમા જોડાઈ શકે છે.
રાજેન્દ્ર જાદવે વધુમાં જણાવ્યુ કે પબ્લિક યુનિવર્સિટી એક્ટના મોડલ સ્ટેચ્યૂટની જોગવાઈ અને દેશના બંધારણની કલમ બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના કોઈપણ સરકારી વિભાગની અંદર ક્યાંય પણ કર્મચારીને જોડાવા માટે પ્રતિબંધિત કરવાનો કોઈ નિયમ નથી અને કોઈ વિભાગ દ્વારા તેને મંડળ રચવા પર પ્રતિબંધ મુકી શકાતો નથી.
આ નવી જોગવાઈ દાખલ કરાતા યુનિવર્સિટી કોલેજના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓમાં ભારે આક્રોષ ફેલાયો છે અને અધ્યાપકો જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. પ્રોફેસરોએ નવી જોગવાઈ બંધારણની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કર્યો છે. અધ્યાપકોનુ કહેવુ છે કે રાજ્યમાં એકપણ એવો સરકારી વિભાગ નથી કે જેમા મંડળ રચવાની પરમિશન ન હોય તો પછી અધ્યાપકો માટે કેમ આવી જોગવાઈ છે. અધ્યાપકો આ અંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
Published On - 7:28 pm, Sun, 4 February 24