PSM100: આદિવાસીઓ સાથે કેવું વર્તન કરવું તેનો દાખલો સમાજને પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો: નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબ્સના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવી હકીકત
બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે આદિવાસીની વિશેષ ઓળખ આપી છે અને તે હંમેશા કહેતા કે, "સૌથી આદિ ભગવાન છે અને તેમનો જેમનામાં વાસ છે તે આદિવાસી છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ગુરૂવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે
આદિવાસી ગૌરવ દિનનું આયોજન અમારા માટે ગૌરવની વાત: હર્ષ ચૌહાણ
આદિવાસી ગૌરવ દિનની ઉજવણીમાં પધારેલા નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, કારણકે બ્રિટિશ શાસનના સમય થી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે .ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું અને જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે કારણકે 12 કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે અને તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.
સેલવાસ અને ડાંગમાં બીએપીએસનું અદ્ભૂત કામ, તરુણ વિજય,રાજ્ય સભાના પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ,
“સેલવાસ , ધરમપુર અને ડાંગ વિસ્તાર માં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે અથાગ પરિશ્રમ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થના કારણે ભારતીય સંસ્કૃતિની રક્ષા થઈ છે.ભારતની તમામ સરહદના પહેલા રક્ષકો વનવાસી સમાજ છે અને તેઓ ભારતનો શક્તિપ્રાણ છે.બી.એ.પી.એસ ના સાધુઓ માત્ર સાધુ નથી પરંતુ એક એક સાધુ સ્વામી વિવેકાનંદ છે અને તેમના જેટલી અપાર શક્તિ ધરાવે છે અને પ્રમુખસ્વામીની શક્તિ એ ભારત વર્ષ નું રક્ષાકવચ છે.”
સૌથી આદિ ભગવાન છે અને તેમનો જેમનામાં વાસ છે તે આદિવાસી” : પૂજ્ય મહંતસ્વામી મહારાજ
આદિવાસી ગૌરવ દિન નિમિતે આશીર્વાદ આપતા બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે આદિવાસી ગૌરવ દિન નિમિત્તે ખૂબ જ સુંદર વાતો થઈ અને પ્રમુખસ્વામી મહારાજે આદિવાસીની વિશેષ ઓળખ આપી છે અને તે હંમેશા કહેતા કે, “સૌથી આદિ ભગવાન છે અને તેમનો જેમનામાં વાસ છે તે આદિવાસી” . ભલે બીજા વનવાસીઓ ને પછાત કહેતા હોય, પરંતુ આપનામાં મને સાક્ષાત ભગવાનનાં દર્શન થાય છે” આમ કહીને તેઓ આદિવાસીઓમાં ભગવાન ને જોતા હતા અને તે ભાવના સાથે તેઓ આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે ગયા છે અને તેઓના ઘરે રોકાયા છે પ્રમુખસ્વામી મહારાજના આવા હેત અને પ્રેમથી અનેક વનવાસી બંધુઓના જીવન પરિવર્તન થયા છે અને ઘણાય આદિવાસી ગામોમાં સ્વામિનારાયણના મંદિરનું નિર્માણ થયું છે અને સત્સંગી સમાજ તૈયાર કર્યો છે તેમાંના ઘણાય સેવકો આજે અહી નગરમાં સેવામાં પણ આવ્યા છે.”