CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાઓનું હલ્લાબોલ, વિવિધ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન
અમદાવાદની ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતી મહિલાઓનું હલ્લાબોલ. વિવિધ સમસ્યા અંગે ડેવલપરને રજુઆત કરવા છતાં નિવેડો ન આવતા થાળી વગાડી કર્યો વિરોધ.
ચોમાસુ આવતા શહેરમાં ખરાબ રસ્તા, રસ્તા પર પશુઓનો ત્રાસ જેવી સમસ્યા ઉભી થઇ જતી હોય છે. જે અંગે AMC ને વાત ધ્યાને આવતા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પણ અમદાવાદના ગોતા પાસે આવેલ ગોદરેજ ગાર્ડન સીટીમાં કઈંક અલગ પરિસ્થિતિ છે. કેમ કે ત્યાંના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના ત્યાં ખરાબ રસ્તા, રખડતા ઢોર, ટાઉનશીપમાં સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા નથી. જે અંગે તેઓએ ડેવલપર અને AMC સહિત વિવિધ સ્થળે રજુઆત કરી છે.
અને આ એક બે મહિનાથી નહિ પણ દોઢ વર્ષથી તેઓ રજુઆત કરતા આવ્યાનું જણાવી રહ્યા છે. જોકે તેમ છતાં તેઓની સમસ્યાનો કોઈ નિવેડો નહિ આવતા, આજે ગોદરેજ ગાર્ડન સીટીની મહિલાઓએ થાળી – વાટકા વગાળીને વિરોધ કર્યો. ટાઉનશીપ બનાવનાર બિલ્ડર કંપની વિરુદ્ધ તેની ઓફિસ સુધી તેઓએ રેલી કાઢી રજુઆત કરી હતી. અને ભારે વિરોધ કરીને મહિલાઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો.
જ્યાં મહિલાઓએ ખરાબ રસ્તા, રખડતા ઢોર, બંધ સ્ટ્રીટ લાઇટ, ગંદકી અને સફાઇના અભાવથી રોગચાળો ફેલાવાનો સ્થાનિકોને ભય જેવા મુદ્દા ઉછાળ્યા. જાહેર રસ્તા પર નિયમીત સફાઇ ન થતી હોવા તેમજ મેઇન્ટેનન્સ આપવા છતાં વાયદા અને પ્લાન પ્રમાણે કલબ હાઉસ સહિત સુવિધા નહિ આપતા હોવાના સ્થાનિકોના આક્ષેપ હતા.
ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાઓએ એકઠા થઇ પાયાની સુવિધાઓનો પોકાર કર્યો છે. તો બિલ્ડર હાજર ન હોવાથી મેનેજરે રજુઆત સાંભળી. જ્યાં મેનેજરે સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી છે. જોકે અગાઉ પણ આવી ખાતરી આપવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવતા આજે મહિલાઓએ લેખિતમાં જવાબ માંગ્યો. જોકે તે જવાબ ન આપી શકતા વધુ લોકો એકઠા થયા. અને બિલ્ડર ગ્રુપ દ્વારા પોલીસ બોલાવાઈ હતી.
સ્થાનિકોનો આક્ષેપ હતો કે તેમનો અવાજ દબાવવા પોલીસ બોલવાઈ છે. તો મેનેજર યોગ્ય ઉત્તર નહિ આપતા મામલો વણસ્યો હતો. બાદમાં રજૂઆતના દોર ચાલતા મામલો શાંત પડ્યો. અને હવે રજુઆત બાદ સમસ્યાનો નિવેડો નહિ આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સાથે જ સ્થાનિકોએ એ પણ જણાવ્યું કે પહેલા ડેવલપર અને બાદમાં AMC ની જવાબદારી છે તેમની સમસ્યા દૂર કરવાની. પણ તે ન થતા આજે તેઓએ વિરોધ વ્યક્ત કરવો પડ્યો.
મહ્ત્વનું છે કે ગોદરેજ ગાર્ડન સીટી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે. જ્યાં લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે જોવાનું રહે છે કે આ વિરોધ બાદ તેઓની સમસ્યા દૂર થાય છે? કે પછી સમસ્યા યથાવત રહે છે અને વિરોધ ઉગ્ર બને છે? જોકે હાલના સમયની માંગ છે કે તેઓની સમસ્યા દૂર થવી જોઈએ. કેમ કે કોરોના રોગચાળો છે અને ગોદરેજ ગાર્ડન સિટીમાં 10 કલ્સટરમાં 4500 મકાન છે. જેઓએ શરૂઆતમાં દોઢ લાખ જેટલા નાણાં મેઇન્ટેનન્સ માટે ભર્યા હતા. તો પાંચ વર્ષ બાદ હવે મહિને તેઓ 3500 રૂપિયા જેટલું મેઇન્ટેનન્સ ભરે છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો: કોવિડ મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની માંગ સાથે વિધાનસભામાં સરકારને ઘેરશે કોંગ્રેસ