કોવિડ મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની માંગ સાથે વિધાનસભામાં સરકારને ઘેરશે કોંગ્રેસ
અમદાવાદમાં કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી 4 લાખની સહાયની માંગ કરી છે. સાથે જ આવતીકાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સરકારનો વિરોધ કરશે અને સહાયની માંગ કરશે.
આવતીકાલથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોનાથી રાજ્યમાં થયેલા મોતને લઈને કોંગ્રેસ આક્રમક વલણમાં જોવા મળી રહી છે. કોંગ્રેસે કોવિડ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવા સમગ્ર રાજયમાં ન્યાય યાત્રા યોજી મૃતકોના પરિવારની વિગતો એકઠી કરી છે. કોંગ્રેસે 25 હજારથી વધુ મૃતકોના પરિવારના ઘરે જઈને વિગતો એકઠી કરી છે. ત્યારે કોવિડ મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે ન્યાય યાત્રા યોજી હતી. કાલુપુર, દરિયાપુર અને ઘી કાંટા વિસ્તારમાં કોંગ્રેસે આ ન્યાય યાત્રા યોજી હતી. જેમાં ધરાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ આ યાત્રામાં હાજર રહેવાના હતા પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસની માંગ છે કે ડિઝાસ્ટર એક્ટ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કર્યો હતો કે સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છુપાવવા માટે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ અન્ય રોગ દર્શાવ્યું છે. પરંતુ સ્મશાનની પાવતી મુજબ મૃતકની અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની માંગ છે કે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના દર્શાવી મૃતકના પરિવારને 4 લાખની સહાય ચુકવવામાં આવે. આ ઉપરાંત કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી હોય તો મેડિકલ બીલની ચુકવણી કરવામાં આવે.
આ ઉપરાંત કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે. કોરોનામાં સરકારની બેદરકારીની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ કોંગ્રેસે કરી છે. કોરોનામાં કોરોના વોરિયર્સ કે સરકારી કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયું હોય તો તેમના પરિવારજનને સરકારી નોકરી આપવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.
આ બાબતે આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિધાનસભામાં પણ વિરોધ કરશે.. અને વિધાનસભાના સત્રમાં પણ મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની માંગ સાથે કોંગ્રેસ સરકારને ઘેરશે.
આ પણ વાંચો: પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?
આ પણ વાંચો: SSC MTS Admit Card 2021: SSC MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ