PM modi Visit Gujarat Ahmedabad: ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યુ ઉદ્દઘાટન, PMએ કહ્યુ પ્રમુખ સ્વામી એટલે જ્ઞાનનો ભંડાર, તેમની નિકટ બેસવુ એટલે એક વટવૃક્ષની છાયામાં બેસવુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 9:27 PM

PM modi Visit Gujarat Ahmedabad Live Updates : દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવનું ઉદ્ધાટન કરશે.

PM modi Visit Gujarat Ahmedabad: ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યુ ઉદ્દઘાટન, PMએ કહ્યુ પ્રમુખ સ્વામી એટલે જ્ઞાનનો ભંડાર, તેમની નિકટ બેસવુ એટલે એક વટવૃક્ષની છાયામાં બેસવુ

PSM100 : અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થશે. સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવનું ઉદ્ધાટન કરશે. તેઓ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ઓગણજ પહોંચ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Dec 2022 09:12 PM (IST)

    કચ્છના ભૂકંપ સમયે મારા જમવાની વ્યવસ્થા પ્રમુુખ સ્વામીએ સંતોને કહીને કરાવી હતી- પીએમ મોદી

    વડાપ્રધાને વધુ એક પ્રસંગને ટાંકતા કહ્યુ કે કચ્છના ભૂકંપ સમયે જ્યારે હું ત્યાં વોલિન્ટીયર તરીકે કામ કરતો હતો. ત્યારે તો મારા મુખ્યમંત્રી તરીકેનો કોઈ સવાલ પણ ન હતો. એ સમયે આ સંતો મને મળ્યા અને પૂછ્યુ કે તમારા જમવાની શું વ્યવસ્થા છે? મે કહ્યુ હું તો કાર્યકર્તાઓ સાથે કરી લઈશ કંઈક વ્યવસ્થા, પરંતુ તેમણે કહ્યુ તમે જ્યાં પણ જાઓ તમારા માટે ભોજનની અહીં વ્યવસ્થા રહેશે. રાત્રે મોડા આવો તો પણ અહીં જ જમવાનુ છે. મે જ્યા સુધી ભુજમાં કામ કર્યુ મારા જમવાની વ્યવસ્થા પ્રમુખ સ્વામીએ સંતોને કહીને કરાવી હતી. આટલો સ્નેહ પ્રમુખ સ્વામીનો હતો.

  • 14 Dec 2022 09:06 PM (IST)

    40 વર્ષમાં એકપણ વર્ષ એવુ નથી ગયુ કે પ્રમુખ સ્વામીએ મારા માટે કુર્તા પાયજામાનું કાપડ ન મોકલ્યુ હોય-પીએમ મોદી

    વડાપ્રધાને પ્રમુખ સ્વામી સાથેના તેમના સંબંધોની નિકટતા અંગેના પ્રસંગોને યાદ કરતા કહ્યુ કે 40 વર્ષમાં એક પણ વર્ષ એવુ નથી ગયુકે દર વર્ષે પ્રમુખ સ્વામી મહારાજે મારા માટે કુર્તા પાયજામાનું કાપડ ન મોકલ્યુ હોય. બાળકો ગમે એટલા મોટા થાય માતાપિતા માટે એ બાળકો જ રહે છે. દેશએ તો મને પ્રધાનમંત્રી બનાવી દીધો પરંતુ જે પરંપરા પ્રમુખ સ્વામી ચલાવતા હતા તે પરંપરા પૂજ્ય મહંત સ્વામીએ પણ યથાવત રાખી છે અને હજુ સુધી મને દર વર્ષે એ કાપડ મળે છે. આ પોતાનાપણુ એ કોઈ સંસ્થાગત પીઆર શીપનું કામ નથી. એક આદ્યાત્મિક સંબંધ છે. એક પિતાપુત્રનો સ્નેહ છે. જે અતૂટ બંધન છે અને આજે પણ તે જ્યાં હશે મારા દરેક પળને તેઓ જોતા હશે. બારીકાઈથી મારા કામને તપાસતા હશે. તેમણે મને શીખવ્યુ, સમજાવ્યુ અને હું એ રાહે ચાલુ છુ કે નથી ચાલતો તે જરૂર જોતા હશે.

  • 14 Dec 2022 09:00 PM (IST)

    દરેક ચૂંટણીમાં નામાંકન ભરતી વખતે પ્રમુખ સ્વામી મારા માટે પેન મોકલતા -પીએમ મોદી

    મને યાદ છે 2012માં મુખ્યમંત્રીપદના શપથ લીધા બાદ હું તેમની પાસે ગયો હતો. સામાન્ય રીતે મારા જીવનના દરેક મહત્વપૂર્ણ પડાવ સમયે હું પ્રમુખ સ્વામી પાસે અચૂક ગયો છુ. બહુ ઓછા લોકોને જાણ હશે હું 2002ની ચૂંટણી લડી રહ્યો હતો. ત્યારે પ્રથમવાર હું ચૂંટણી લડી રહ્યો હતો. નામાંકન ભરવાનો હતો. રાજકોટથી હું ઉમેદવાર હતો. હું ત્યાં ગયો ત્યારે ત્યાં બે સંત ત્યાં હતા, તેમણે મને ડબ્બો આપ્યો, મે ડબ્બો ખોલ્યો તો તેમા એક પેન હતી. તેમણે કહ્યુ પ્રમુખ સ્વામીએ મોકલ્યુ છે.તમે જ્યારે નામાંકન ભરો ત્યારે હસ્તાક્ષર આ પેનથી કરજો. ત્યારબાદ હું કાશી ચૂંટણી માટે ગયો ત્યાં સુધી એકપણ મારી ચૂંટણી એવી નથી ગઈ કે મારે નામાંકન ભરવાનુ હોય અને હસ્તાક્ષર માટે પેન પ્રમુખ સ્વામીના સંત લઈને ન આવ્યા હોય. કાશીમાં તો મારા માટે આશ્ચર્ય હતુ, કારણ કે એ પેનનો કલર ભાજપના ઝંડાના કલરનો હતો. પેનનું ઢાંકણ ગ્રીન અને પેન ઓરેન્જ કલરની હતી.

  • 14 Dec 2022 08:52 PM (IST)

    મચ્છુ ડેમ ત્રાસદી સમયે પ્રમુખ સ્વામીએ મદદ માટે સંતોને મોકલ્યા હતા- પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યુ દરેકની મદદ કરવી, દરેકની ચિંતા કરવી, સમય સામાન્ય હોય કે પડકારજનક હોય, પૂજ્ય પ્રમુખ સ્વામીએ સમાજ હિત માટે હંમેશા દરેકને પ્રેરિત કર્યા. આગળ રહીને હંમેશા યોગદાન આપ્યુ. જ્યારે મોરબીમાં પ્રથમવાર મચ્છુ ડેમ તૂટ્યો હતો. ત્યારે હું ત્યાં સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. એ સમયે આપણા પ્રમુખ સ્વામી, કેટલાક સંતો તેમની સાથે સત્સંગી બધાને તેમણે મોકલી દીધા હતા અને એ બધા પણ ત્યાં માટી ઉપાડવાના કામમાં અને ડેડબોડીના અગ્નિસંસ્કારના કામમાં લાગી ગયા હતા.

  • 14 Dec 2022 08:48 PM (IST)

    પ્રમુખ સ્વામી વ્યક્તિની અંદર પડેલી સારાઈને જોઈ શક્તા હતા- પીએમ મોદી

    વડાપ્રધાને પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વ વિશે જણાવ્યુ કે પ્રમુખ સ્વામીએ હંમેશા લોકોની અંદરની સારાઈને પ્રભાવિત કરી. ક્યારેય એવુ નથી કહ્યુ કે ઈશ્વરનું નામ લો સારુ થઈ જશે. તેઓ પ્રેરિત કરતા રહેતા કે હશે કમીઓ હશે, ખામીઓ હશે પરંતુ તારામાં આ સારાઈ છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર. એજ શક્તિને તે સમર્થન આપતા હતા. ખાતર પાણી આપતા હતા. તમારી અંદરની સારાઈ જ તમારી અંદર પડેલી બુરાઈઓનો ત્યાં જ નાશ કરી દેશે. એવો એક ઉચ્ચ વિચાર સહજ શબ્દોમાં કહેતા હતા. સદીઓ જૂની બદીઓ જે આપણા સમાજ જીવનમાં ઉંચ-નીચ, ભેદભાવ, તે દરેકને તેમણે સમાપ્ત કરી દીધી હતી.

  • 14 Dec 2022 08:43 PM (IST)

    પ્રમુખ સ્વામી સાચા અર્થમાં એક સમાજ સુધારક હતા- પીએમ મોદી

    મારા મનમાં હંમેશા રહ્યુ છે કે તેઓ એક સાચા અર્થમાં સમાજ સુધારક હતા. પણ એક તાર જે મને હંમેશા દેખાયો છે તે એક પ્રકારે મનુષ્ય કેવો હોય, ભવિષ્ય કેવુ હોય, વ્યવસ્થાઓમાં પરિવર્તનશીલતા કેમ હોય. અધિષ્ઠાન આદર્શોથી જોડાયેલુ હોય, પરંતુ આધુનિક્તાના સપના આધુનિક્તાની દરેક વસ્તુનો સ્વીકાર કરનારા હોય એ પ્રકારનો અદ્દભૂત સંયોગ અને સંગમ દેખાયો છે.

  • 14 Dec 2022 08:12 PM (IST)

    પ્રમુુખ સ્વામી નગરમાં આપણી મહાન, સમૃદ્ધ સંત પરંપરાના દર્શન એકસાથે થઈ રહ્યા છે-પીએમ મોદી

    વડાપ્રધાને જણાવ્યુ  આ જે પ્રમુખ સ્વામી નગર બનાવવામાં આવ્યુ છે, અહીં આપણી હજારો વર્ષોની આપણી મહાન સંત પરંપરા, સમૃદ્ધ સંત પરંપરા, તેના દર્શન એકસાથે થઈ રહ્યા છે. આપણી સંત પરંપરા કોઈ મત, આચાર વિચારને ફેલાવવા પુરતી સિમીત નથી રહી. આપણા સંતોએ સમગ્ર વિશ્વને જોડવા, વસુધૈવ કુટુમ્બકમના શાસ્વતભાવને સશક્ત કર્યો છે. પીએમએ કહ્યુ કે મારુ સૌભાગ્ય છે કે બાળપણથી મારુ કંઈક આવા જ ક્ષેત્રોમાં આકર્ષણ રહ્યુ છે. તો પ્રમુખ સ્વામીના પણ દૂરથી દર્શન કરતા રહેતા હતા. ક્યારેય કલ્પના ન હતી કે તેમની નિકટ જઈ શકીશ. પરંતુ દૂરથી પણ દર્શન કરવાનો અવસર મળતા હતા તો પણ સારુ લાગતુ હતુ. ઉમર પણ ઘણી નાની હતી. પરંતુ જિજ્ઞાસા પણ વધતી જતી હતી. અનેક વર્ષો બાદ વર્ષ 1991માં મને પ્રથમવાર મને એકાંતમાં તેમની સાથે સત્સંગ કરવાનું નસીબ સાંપડ્યુ. મારા માટે આશ્ચર્ય હતુ કે મારા માટે થોડી જાણકારી તેમણે મેળવેલી હતી. એ દરમિયાન સમગ્ર સમય ન ધર્મની ચર્ચા, ન અધ્યાત્મની ચર્ચા, પરંતુ માત્ર સેવા અને માનવ સેવા વિશે વાતો કરતા રહ્યા. આ મારી પ્રથમ મુલાકાત હતી અને તેમનો એક એક શબ્દ મારા હ્રદય પટલ પર અંકિત થતો હતો. તેમનો એક જ સંદેશ હતો કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવુ જોઈએ. અંતિમ શ્વાસ સુધી સેવારત રહેવુ જોઈએ.

  • 14 Dec 2022 08:04 PM (IST)

    યુએનમાં પણ પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો- પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે  આ અવસરે હું તમામ પૂજ્ય સંતગણોનો આ આયોજન માટે કલ્પના સામર્થ્ય માટે અને એ કલ્પનાને ચરિતાર્થ કરવા બદલ જે મહેનત કરવામાં આવી છે. એ દરેકની હું ચરણવંદના કરુ છુ. હ્રદયથી શુભેચ્છા પાઠવુ છુ અને પૂજ્ય મહંત સ્વામીના આશિર્વાદથી આટલુ મોટુ ભવ્ય આયોજન, એ દેશ અને દુનિયાને આકર્ષિત કરશે. એટલુ જ નહીં તે પ્રભાવિત કરશે અને આવનારી પેઢીઓને પ્રેરિત પણ કરશે. 15 જાન્યુઆરી સુધી સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો મારા પિતાતુલ્ય પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અહીં આવવાના છે. તમારામાંથી કદાચ અનેક લોકોને ખબર હશે કે યુ.એન.માં પણ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો છે. આ પુરાવો છે એ વાતનો કે તેમના વિચારો કેટલા શાસ્વત છે, કેટલા સાર્વભૌમી છે. આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત વેદથી વિવેકાનંદ સુધી જે ધારાને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી સમારોહમાં દર્શન થઈ રહ્યા છે.

  • 14 Dec 2022 07:57 PM (IST)

    પીએમ મોદીએ કહ્યુ પ્રમુખ સ્વામી નગરમાં ભારતના તમામ રંગ જોવા મળે છે.

    બ્રહ્મસ્વરૂપ  પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી  નિમીત્પીતે એમ મોદી તેમની વ્યસ્તતા વચ્ચે ત્રણ કલાકનો સમય કાઢી આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાક્ષી બનવાનો, સાથી બનવાનો અને  સત્સંગી બનવાનું સૌભાાગ્ય પ્રાપ્ત થયુ છે. અહીં જેટલો સમય મે વિતાવ્યો મને લાગે છે અહીં દિવ્યતાની અનુભૂતિ છે. અને સંકલ્પોની ભવ્યતા છે અહીં આબાલ વૃદ્ધ દરેક માટે આપણી વિરાસત શું છે, આપણી ધરોહર, આપણી આસ્થા, આપણુ અધ્યાત્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ શું છે આપણી પ્રકૃતિ શું છે આ તમામનો આ પરિસરમાં સમન્યવ છે. અહીં ભારતના તમામ રંગ જોવા મળે છે.

  • 14 Dec 2022 07:04 PM (IST)

    15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

    એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. જેમા લાખોની સંખ્યામાં પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો અને BAPSના સ્વયંસેવકો અહીં પહોંચવાના છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે. દેશવિદેશના પ્રોફેશનલ્સ તેમા સામેલ થયા છે. જેને જીરો કોસ્ટ સાથે તેનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. એક મહિના બાદ આ નગર અહીંથી ફરી ઉઠાવી લેવામાં આવશે કોઈપણ નુકસાન વિના જમીન પરત કરવામાં આવશે. આ સમગ્ર આયોજનને લઈને અને નગરના નિર્માણને લઈને પણ એક રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જે આવનારા દિવસોમાં ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવવામાં આવશે. એક મહિના સુધી ચાલનારો આ મહોત્સવનુ જ્યારે સમાપન થશે ત્યારે તેમા વપરાયેલ તમામ વસ્તુઓ દાન કરવામાં આવશે

  • 14 Dec 2022 06:44 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીતારામ અને હનુમાનજીની પ્રતિકૃતિની કરી પ્રદક્ષિણા

    વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમજ BAPSના  સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ગણો સાથે અક્ષરધામની પ્રતિકૃતિ પ્રાંગણમાં અક્ષરધામની પ્રતિકૃતિ પરિક્રમા કરતા પીએમ મોદી. અહીં આ પ્રતિકૃતિમાં સંતોની મૂર્તિમે પીએમ મોદીએ હ્રદયના ઉંડા ભાવ સાથે પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રતિકૃતિમાં 48 એવી મૂર્તિઓ છે જે ગણેશજીની છે. પીએમ મોદીએ સીતારામ અને હનુમાનજીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. શ્રી રામના દર્શન બાદ પીએમ મોદી આગળ વધ્યા હતા અને મહોત્સવમાં પધારેલા લોકોનું અભિવાદન જીલ્યુ હતુ.

  • 14 Dec 2022 06:33 PM (IST)

    જ્યોતિ ઉદ્યાનમાં આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ અને ન્યુટનના ક્વોન્ટમ મિકેનિક્સનો પણ સમન્વય

    જ્યોતિ ઉદ્યાનમાં અનેક નજરાણા સંદેશ સાથે નિદર્શિત કરવામાં આવ્યા છે. બિંબ-પ્રતિબિંબની આ પ્રસ્તુતી આશ્ચર્ય અને અહોભાવમાં ગરકાવ કરી દે તેવી છે. અક્ષરધામની બંને બાજુ જગમગતુ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એકસમાન છે. બે જ્યોતિ ઉદ્યાન અહીં બનાવવામાં આવ્યા છે. હજારો સ્વંય સેવકોએ તેમા યોગદાન આપ્યુ છે. જેમા E=MC2 આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપહાર પણ જોવા મળે છે. જેમા શ્રદ્ધાનો સંદેશ આપવામાં આવ્યો છે. ચાહે તે આઈન્સ્ટાઈન હોય કે ન્યૂટન હોય, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે.

  • 14 Dec 2022 06:32 PM (IST)

    પ્રમુખ સ્વામી નગર નિર્માણ પાછળ 80 હજારથી વધુ સ્વયંસેવકોની નિ:સ્વાર્થ સેવાનુ યોગદાન

    જ્યોતિ ઉદ્યાન અને તેજોમય તળાવ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થયા. 80 હજારથી વધુ સ્વયંસેવકોએ આ પ્રમુખ સ્વામી નગરનું નિર્માણ કર્યુ છે. જેમા મોટા મોટા અધિકારીઓથી લઈને નાનામાં નાના લોકોએ સેવામાં યોગદાન આપ્યુ છે. લોકોએ આ નગર ઉભુ કરવામાં નિ:સ્વાર્થભાવે સેવાનું યોગદાન આપ્યુ છે. મહંત સ્વામીના એક આહવાનને હજારો સ્વયંસેવકોએ તેમના હ્રદય પર લઈ સાચા ભાવ સાથે તેમનાથી બનતુ યોગદાન આપ્યુ છે.

  • 14 Dec 2022 06:22 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લો ગાર્ડનનું કર્યુ પરિભ્રમણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લો ગાર્ડનનું પરિભ્રમણ કર્યુ. આ ગ્લો ગાર્ડનમાં જ્યોતિ ઉદ્યાન બનાવવામાં આવ્યુ છે. અહીં વિવિધ કલાકૃતિ રાખવામાં આવી છે, જેમા શ્વાનની વફાદારીનુ મૂલ્ય પણ પ્રતિકૃતિના માધ્યમથી સમજાવાયુ છે.  અહીં જે કંઈપણ કૃતિ બનાવવામાં આવી છે તે સ્વયંસેવકોએ બનાવેલી છે.

  • 14 Dec 2022 06:12 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી નગરનું કર્યુ નિરીક્ષણ, વિવિધ પ્રસંગોની પ્રદર્શની નિહાળી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ફુટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખ સ્વામીની સૂવર્ણ પ્રતિમા અહીં દર્શનાર્થે મુકવામાં આવી છે. દિલ્હી અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી છે.

  • 14 Dec 2022 06:07 PM (IST)

    પીએમ મોદી અને મહંત સ્વામી જે મંચ પર બિરાજમાન થયા છે તે હાઈટેક મંચની છે અનેક વિશેષતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ જે મંચ પર બિરાજમાન છે તે હાઈટેક મંચ છે.  દેખાવમાં સામાન્ય દેખાતો આ મંચ  મુવિંગ મંચ છે. જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આ હાઈટેક મંચ પ્રમુખ સ્વામી મહારાજની જે 30 ફુટ ઉંચી પ્રતિમા છે તે તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.

  • 14 Dec 2022 06:02 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહોત્સવનુ કર્યુ ઉદ્દઘાટન, મહોત્સવનો વિધિવત પ્રારંભ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામીને અંજલિ આપી છે. વડાપ્રધાન મોદી અને મહંત સ્વામીના હસ્તે સમગ્ર મહોત્સવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

  • 14 Dec 2022 05:45 PM (IST)

    પીએમ મોદી ઓગણજ પહોંચ્યા, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો કરાવશે પ્રારંભ

    વ઼ડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણજ પહોંચ્યા છે અહીં સ્વામીનારાયણના સંતો દ્વારા પીએમ મોદીનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનુ ઉદ્દઘાટન કરવામાં આવશે.

  • 14 Dec 2022 05:16 PM (IST)

    પ્રમુખ સ્વામી મહારાજની ખાસ વાતો

    • પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન ઘણી વિદેશ યાત્રાઓ કરી છે. પ્રમુખ સ્વામીએ સૌપ્રથમ વખત અમેરિકી મહાદ્વીપની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેમને ઘણી જગ્યાઓ પર 'કી ટુ ધ સિટી'થી નવાજવામાં આવ્યા હતા. અમેરિકાના ન્યૂયોર્કમાં BAPSનું પ્રથમ મંદિર બન્યું હતું. ત્યારબાદ આગામી 4 દાયકામાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં 70થી વધારે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું.
    • પ્રમુખ સ્વામી મહારાજે વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના પ્રમુખ પોપ જોન પોલ દ્વિતિય સાથે મુલાકાત કરી હતી. તેમને સમાજને નશામુક્તિ માટે અભિયાન ચલાવ્યું અને 6 લાખ 30 હજારથી વધારે લોકોને નશામુક્ત કર્યા.
    • પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગર અને દિલ્હીમાં પણ અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સાથે જ લંડનમાં પણ BAPSનું એક ભવ્ય મંદિર બનાવ્યું, જેને દુનિયાની આઠમી અજાયબી કહેવામાં આવે છે. આ મંદિર વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા જણાવે છે.
  • 14 Dec 2022 04:45 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર PMનું કરાયુ ભવ્ય સ્વાગત

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતા જ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનને આવકાર્યા હતા.

  • 14 Dec 2022 04:37 PM (IST)

    થોડી વારમાં PM મોદી પહોંચશે ઓગણજ, શતાબ્દી મહોત્સવનો કરાવશે પ્રારંભ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઇ ગયુ છે. અમદાવાદ એરપોર્ટ પર જ PM મોદીની ઉપસ્થિતિમાં સીએમ અને પ્રધાનો સાથે બેઠક ચાલી રહી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ PM મોદી ઓગણજ પહોંચશે અને પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે.

  • 14 Dec 2022 04:28 PM (IST)

    દર્શનાર્થીઓ માટે ઉતારાથી માંડીને પાણી,ભોજન સહિતની વ્યવસ્થા

    સંસ્થા દ્વારા  દરેક જિલ્લા તેમજ જિલ્લાના વિવિધ મંડળો માટે દર્શન કરવાનું સૂચારું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ દેશ વિદેશના હરિભક્તો તેમજ અન્ય ભાવિકોને પણ  નગર દર્શન દરમિયાન સહેજ પણ અગવડ ન પડે તે અંગેનું તમામ ધ્યાન રાખવામાં આવ્યું છે.  અમદાવાદની આસપાસ મહોત્સવ સ્થળથી  5થી 25 કિલોમીટર સુધી  જુદા જુદા સ્થળે  5000 જેટલા ઉતારા નક્કી કરવામાં આવ્યા છે અને  આ ઉતારા માટે બિલ્ડરોએ પોતાની નવી નવી રહેણાંક સ્કીમ સેવામાં સમર્પિત કરી દીધી છે. ખાલી ખમ ફલેટમાં ઉતારા માટે બીએપીસ સંસ્થા દ્વારા સ્વયંસેવકો અને સ્વયં સેવિકાની  મદદ દ્વારા ઉતારા નિવાસમાં  ન્હાવા માટે ડોલ,ટબ, ઓશિકા ગાદલા, પાણીના જગ,  ચાદરો સહિતની  વસ્તુઓ પણ ગોઠવી દેવામાં આવી છે. તો  સંસ્થાના અનુયાયીઓ માટે એક 16 પાનાની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં  ગિઝરનો ઉપયોગ કેમ કરવો તેનાથી માંડીને મહોત્સવ સ્થળે કેવી રીતે પહોંચવું તેમજ ભોજન અને  નગરમાં શૌચાલયની  સુવિધાથી માંડીને  તમામ બાબતોનો આમાં  ઉલ્લેખ  કરવામાં આવ્યો છે.   આ માર્ગદર્શિકામાં નગરમાં  કયાં પ્રદર્શન ક્યારે જોવા, ઉતારાથી નગરમાં  કેવી રીતે જવું તેવી તમામ બાબતની જાણકારી છે. સાથે જ  કોણે કયા ગેટથી પ્રવેશ કરવો તે અંગે પણ માહિતી આપવામાં આવી  છે.

  • 14 Dec 2022 04:00 PM (IST)

    બાળ નગરીમાં અનેકવિધ ડોમ તૈયાર કરવામાં આવ્યા

    પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે અહીં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પણ, આ પ્રેરણાત્મક નગરનું મુખ્ય આકર્ષણ તો છે બાળ નગરી ! બાળ નગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અને બાળકો દ્વારા જ સંચાલિત નગરી ! આ બાળ નગરીમાં અનેકવિધ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જંગલ ઑફ શેરુ, સી ઑફ સુવર્ણા, બાળસ્નેહી ઉદ્યાન, બુઝો ગામ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ડોમમાં બાળકોને પ્રેરણાત્મક સંદેશાઓ આપવામાં આવશે.

  • 14 Dec 2022 03:58 PM (IST)

    ગ્લો ગાર્ડન સૌ કોઇનું ધ્યાન ખેંચશે

    ઉત્સવમાં એવાં અનેક મોન્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, કે જેના પરથી નજરો હટવાનું નામ જ ન લે. આ નગરના દરેક સર્જન સાથે કોઈને કોઈ સંદેશો જોડાયેલો છે. જે તેના સાનિધ્યે આવનારને એક નવી જ દિશા આપશે. જેમાં ખાસ ઉલ્લેખ કરવો પડે ગ્લો ગાર્ડનનો. ગ્લો ગાર્ડન અર્થાત્ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન. પ્રકાશથી ઝગમગતા આ ઉદ્યાનની શોભા એટલી અદ્વિતીય ભાસે છે કે અબાલ વૃદ્ધ સૌ કોઈ તેના પ્રત્યે આકર્ષાયા વિના રહી જ નહીં શકે ! ગ્લો ગાર્ડન લગભગ 10 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. BAPSના સંતોના માર્ગદર્શન હેઠળ 2100 જેટલાં સ્વયંસેવકોએ આ ગ્લો ગાર્ડન તૈયાર કર્યો છે ! આ ગ્લો ગાર્ડનમાં 8,000 થી વધુ પુષ્પ ઝગમગી રહ્યા છે. તો 150 સંદેશાઓ સાથેની પશુ-પક્ષીઓની પ્રકાશિત પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે ! વાસ્તવમાં ઉદ્યાનની આ જ્યોતિ તેના સંદેશા દ્વારા લોકોની આંતરિક ચેતનાને ઉજાગર કરવાનું કાર્ય કરશે.

  • 14 Dec 2022 03:57 PM (IST)

    પ્રમુખસ્વામી નગરના મુખ્ય આકર્ષણ

    મુખ્યદ્વાર સંતદ્વાર

    આ મહા મહોત્સવ સ્થળમાં પ્રવેશ માટે સાત દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે ! મહોત્સવના મુખ્ય દ્વારને સંતદ્વાર એવું નામ અપાયું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટેનો સંતદ્વાર અત્યંત કલાત્મક છે. આ સંતદ્વારની પહોળાઈ 380 ફૂટ છે. પ્રવેશદ્વારના ગવાક્ષોમાં 28 જેટલાં સંતોની પ્રતિકૃતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેમાં આદિગુરુ શંકરાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ વગેરેનો સમાવેશ થાય છે. તો, આ નગરમાં પ્રવેશ માટેના અન્ય 6 દ્વાર પણ એટલાં જ ભવ્ય ભાસે છે.

    પ્રમુખસ્વામી પ્રતિમા

    પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામીની લગભગ સો જેટલી પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે ! અલગ-અલગ સ્થાન પર મૂકાયેલી આ પ્રતિમાઓ મહોત્સવમાં આવનારાઓને પ્રેરણા પ્રદાન કરશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા તૈયાર કરવામાં આવી છે. અને તે પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.

  • 14 Dec 2022 03:48 PM (IST)

    પ્રમુખ સ્વામીને બાળપણથી હતો આધ્યાત્મમાં રસ

    શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામીને બાળપણથી જ ધર્મમાં ઉંડો રસ હતો. તેમને હંમેશા એવું જ થતું કે, “મારે મોટા થઈને હિમાલયમાં જવું છે, મારે તપસ્વી બનવું છે !” પણ, તે સમયે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેમની નિયતી તો તેમની પાસે એ કાર્ય કરાવવાની હતી કે જે મોટા મોટા તપસ્વીઓને પણ દુર્લભ હોય. સતત સાધુત્વ સ્વીકારવાના વિચાર કરતા શાંતિલાલજીને એક દિવસ અચાનક જ શાસ્ત્રીજી મહારાજનો પત્ર મળ્યો કે, “સાધુ થવા આવી જાવ !” અને પછી માત્ર 18 વર્ષની ઉંમરે માતા-પિતાના આશીર્વાદ લઈ, બધું જ છોડીને શાંતિલાલ નીકળી પડ્યા લોકકલ્યાણના માર્ગે. તા- 22/11/1939ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને અમદાવાદમાં પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. અને તેમનું નામ રાખ્યું ‘શાંતિ ભગત’. તા-10/01/1940ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ અક્ષરદેરીમાં શાંતિ ભગતને ‘ભાગવતી’ દીક્ષા આપી. ભાગવતી દીક્ષા બાદ શાંતિ ભગતને નવું નામ અપાયું ‘નારાયણસ્વરૂપદાસ’ !

  • 14 Dec 2022 03:36 PM (IST)

    પ્રમુખસ્વામી મહારાજનું હતુ વિરાટ વ્યક્તિત્વ

    પ્રમુખસ્વામી મહારાજનો જન્મ સંવત 1978ની માગશર સુદ આઠમ એટલે કે વર્ષ 1921ની 7 ડિસેમ્બર, બુધવારના રોજ થયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે જે ઘરમાં પ્રમુખસ્વામીજીનો જન્મ થયો હતો, તે ઘર આજે પણ હયાત છે. ચાણસદમાં જ સ્વામીશ્રીનું બાળપણ વિત્યું હતું. અને તેમના જન્મ સમયનું નામ રખાયું હતું શાંતિલાલ. એક બાળક તરીકે શાંતિલાલ ખૂબ જ શાંત સ્વભાવના અને મિતભાષી હતા. શાંતિલાલના પિતા મોતીલાલભાઈ અને માતા દિવાળીબેન પહેલેથી જ ભક્તિ માર્ગે વળેલા. તેઓ પ્રભુ સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત હતા અને સત્સંગમાં ભાગ લેતા. સત્સંગના આ જ સંસ્કાર બાળ શાંતિલાલમાં પણ સિંચાયા.

  • 14 Dec 2022 03:33 PM (IST)

    સીએમ સાથે મંત્રીમંડળના સભ્યો પણ એરપોર્ટ પર પહોચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવાના છે. જે માટે તેઓ અમદાવાદ પહોંચવાના છે. તેમના સ્વાગત માટે સભ્યો એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટ પર પીએમ સાથે સીએમ અને મંત્રીમંડળ શુભેચ્છા મુલાકાત અને બેઠક કરશે.

  • 14 Dec 2022 03:16 PM (IST)

    સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં માને છે: પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

    અહીં બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામીનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે.

  • 14 Dec 2022 03:06 PM (IST)

    1700 સ્વયંસેવક આપી રહ્યા છે સ્વચ્છતાની સેવા

    મોટી સંખ્યામાં જ્યારે મુલાકાતીઓ આવતા હોય તો તેમના માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરવી પડે. શૌચાલયની સાફ સફાઈમાં પણ ક્યાંક ચૂક ન થાય તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પુરુષો માટે બ્લ્યુ રંગના જ્યારે મહિલાઓ માટે પિંક કલરના શૌચાલય ઉભા કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે ઉભા કરવામાં આવેલા શૌચાલયમાં જે સ્વંયસેવક યુવતીઓ અને મહિલાઓ છે, તે છેલ્લા ઘણા દિવસથી અહીં સેવા આપી રહી છે અને જ્યાં સુધી શતાબ્દી મહોત્સવ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અહીં જ સેવા આપશે. આટલું જ નહીં આ સ્વયંસેવક મહિલાઓમાં કોઈ તબીબ છે, તો કોઈ ફિઝોયોથેરપિસ્ટ. તો અમુક સ્વયંસેવક યુવતીઓ અને મહિલાઓ પોતાની નોકરી છોડીને પ્રભુના કાર્યમાં સેવા આપવા આવ્યા છે.

  • 14 Dec 2022 02:49 PM (IST)

    શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ

    ઓગણજમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામીનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે.

  • 14 Dec 2022 02:36 PM (IST)

    આવતીકાલથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાશે શતાબ્દી મહોત્સવ

    અમદાવાદમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ આવતીકાલથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાશે ત્યારે અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.

Published On - Dec 14,2022 2:33 PM

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">