Ahmedabad: ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટી અને કમળાના કેસમાં વધારો
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ શેરડીના રસ, સિકંજી અને ઠંડાઈના સેન્ટર પર આગામી દિવસોમાં ચેકિંગ વધારશે. શેરડીના રસ કે સિકંજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો (Heat Wave) પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ (Ahmedabad)માં આકરી ગરમી સાથે જ રોગચાળો (Epidemic) વકર્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અશુદ્ધ પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા છે. અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તો આ સાથે જ હવામાન વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટી અને કમળાના કેસમાં વધારો થયો છે. માત્ર એપ્રિલ મહિનામાં જ ઝાડા-ઉલ્ટીના 205 કેસ સામે આવ્યાં છે. હોસ્પિટલમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો કમળાના 54 અને ટાઇફોઇડના 50 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ સામે આવ્યાં છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો થયો છે. ગત વર્ષની વાત કરીએ તો એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે માત્ર એપ્રિલ મહિનાના 10 દિવસમાં જ 210 કેસ સામે આવ્યાં છે..જેને લઇ તંત્ર દોડતું થયું છે અને 5 દિવસમાં AMC દ્વારા 650 પાણીના નમૂના લેવાયા છે.
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ શેરડીના રસ, સિકંજી અને ઠંડાઈના સેન્ટર પર આગામી દિવસોમાં ચેકિંગ વધારશે. શેરડીના રસ કે સિકંજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા, છાશ, લીંબુ સરબત અને ORS પીવો જોઈએ. તો આકરી ગરમીમાં લોકોએ બહારનો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ.
હાલમાં તો હવામાન વિભાગ દ્વારા 5 દિવસ હીટવેવની આગાહી નહીંવત હોવાનું જણાવ્યુ છે. આગામી બે દિવસ બાદ તપામાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. તો આગામી પાંચ દિવસ રાજ્યમાં સુકુ વાતાવરણ રહેશે. આગામી 48 કલાક સુધી 41 ડિગ્રી તાપમાન યથાવત રહેશે. આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યને હીટવેવથી મુક્તિ મળશે. બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.