સાબરમતી નદીમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડવા મામલે AMC અધિકારીઓ પર વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપો
બહેરામપુરા અને ગ્યાસપુર વિસ્તારમાં આવેલ ફેક્ટરીયો દ્વારા સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાને લઈને AMCના વિપક્ષી નેતાએ સ્થળ મુલાકાત લઈ AMCના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
Ahmedabad: અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં (Sabarmati river) અગાઉ ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હતું તેના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ પરંતુ સાબરમતી નદી હજુ પણ ગંદા પાણીથી ખદબદે છે. આ બાબતે હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરતાં મ્યુનિ. તંત્ર દ્વારા બહેરામપુરા તથા દાણીલીમડા આવેલી ફેકટરીઓ દ્વારા નદીમાં કેમીકલયુક્ત પાણી છોડવાના મામલે ઠપકો સાંભળવો પડ્યો હતો.
જે બાદ બહેરામપુરા તથા દાણીલીમડામાં આવેલ નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ કરનારી ફેકટરીઓને સીલ કરવામાં આવી હતી. જેના કારણે હજારો લોકો બેરોજગાર થયા હતા. તો બીજી તરફ સાબરમતી નદી સ્વચ્છ કરવા માટે કરેલ ખર્ચ એળે ગયો હતો. હાલ બહેરામપુરા તથા દાણીલીમડા વિસ્તારમાં 750થી પણ વધુ ફેક્ટરીઓ આવેલી છે.
વિપક્ષી નેતાએ AMCના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ
બહેરામપુરા અને ગ્યાસપુર વિસ્તારમાં આવેલ ફેક્ટરીયો દ્વારા સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાને લઈને AMCના વિપક્ષી નેતાએ સ્થળ મુલાકાત લઈ AMCના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
AMCના અધિકારીઓ હાઇકોર્ટની આંખમાં ધૂળ નાખી રહ્યા છે તેમજ AMC દ્વારા સીલ કરાયેલું આઉટલેટ AMCના અધિકારીઓએ જ ખોલી નાખ્યું હોવાના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત શહેઝાદખાન પઠાણે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ગેરકાયદે ફેક્ટરી માલિકો પાસેથી મહિને 1 કરોડનો હપ્તો લેતા હોવાના આરોપ લગાવ્યા હતા.
AMCના વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યા હતા કે એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણના નામે કરોડો રૂપિયાનો વ્યય કરે છે તો બીજી તરફ સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આવી વિસંગતતા કેમ ઉભી થઈ છે. તેમાંથી બોધપાઠ લેવાને બદલે સત્તાધારી પક્ષ પોતાના મળતીયા અધિકારી તથા ફેકટરી માલિકો દ્વારા સ્પષ્ટ ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે જેને કારણે નદી પ્રદુષિત થઈ રહી છે.
જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
નદીના પ્રદૂષણ બાબતે આરોપ લગાવતા વિપક્ષી નેતાએ કહ્યું હતું કે તંત્ર તથા સત્તાધારી પક્ષ આંખ આડા કાન કરીને ભષ્ટ્રાચારને પ્રાધાન્ય આપે છે જેથી પુરવાર થાય છે કે નદી પ્રદુષિત થવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તેમજ તંત્ર જ જવાબદાર છે. સાબરમતી નદી સ્વચ્છ કરવા બાબતે નિષ્ફળ ગયેલ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સીલ મારેલ ફેકટરીઓને સીલ ખોલી આપવા બાબતે જે કોઇપણ જવાબદાર હોય તેમની સામે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો