Rajkot -અમદાવાદ સિક્સલેનના કામથી પરેશાન લેખક જય વસાવડાએ તંત્રને આડે હાથ લીધું ,કહ્યું મોટા નેતાઓને આ પરેશાની દેખાતી નથી
આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી
Rajkot : રાજકોટ – અમદાવાદ સિક્સ લેન હાઇવેનું(Six Line Highway)કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.3400 કરોડથી વધુની કિંમતના આ પ્રોજેકટનું કામ વર્ષ 2020માં પૂર્ણ કરવાનું હોવાનો આરટીઆઇમાં ખુલાસો થયો છે એટલું નહિ કોન્ટ્રોક્ટર કંપનીને જે પ્રોજેક્ટના રૂપિયા અપાયા હતા તે પણ અન્ય પ્રોજેકટમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.ધીમી ગતિએ ચાલી રહેલા કામને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
ત્યારે જાણીતા લેખક જય વસાવડાએ(Jay Vasavada) પણ રાજકોટ અમદાવાદ હાઈવેના ગોકળ ગતિએ ચાલી રહેલા કામ કર તંત્રને આડે હાથ લીધું છે અને સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરી ધીમા કામને લઈને વાહનચાલકોને થતી પરેશાની પર લાંબી પોસ્ટ શેર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
“ટોલ ઉઘરાવવા નવું ટોલનાકું બની ગયું પણ રોડ હજુ બનતો નથી”: જય વસાવડા
જય વસાવડાએ શેર કરેલી પોસ્ટ નીચે મુજબ છે:
રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસમોટા ગાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે.
કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી !
“મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે એટલે એમને આ પરેશાની નહિ અનુભવી હોય”: જય વસાવડા
આ ઉપરાંત પોતાની પોસ્ટમાં જય વસાવડાએ લખ્યું કે આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે.
આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે કદાચ મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો