લોકસભા પહેલા ગુજરાતમાં જામી પક્ષપલટાની મૌસમ, બજેટ સત્ર સુધીમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયા
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપના આંતરિક સૂત્રો સાથે સંપર્કમાં છે અને ગમે ત્યારે પક્ષની વંડી ઠેકી કમલમ તરફ દૌટ મુકી શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ જો સારી ઓફર મળશે તો કોંગ્રેસના અડધો ડઝન જેટલા એવા ધારાસભ્યો છે જેઓ પક્ષપલટો કરવાની તૈયારીમાં છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ જામી છે અને સત્તાનો સ્વાદ ચાખવા માટે હજુ કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે પક્ષપલટો કરવાની તૈયારીમાં છે. રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમયે જ કોંગ્રેસમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતા. જેમા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર તો ખુલીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ અર્જુન મોઢવાડિયા બજરંગ દળની શોભાયાત્રામાં પણ જોવા મળ્યા હતા અને પોરબંદર ભાજપના નેતા સાથે પણ દેખાયા હતા.
અમરીશ ડેર, મોઢવાડિયા રામમંદિર મુદ્દે પાર્ટી સામે દર્શાવી ચુક્યા છે નારાજગી
આ તરફ અમરીશ ડેરે પણ રામમંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસના શિર્ષ નેતૃત્વના નિર્ણયને પડકાર્યો હતો. રામ મંદિરના આમંત્રણ મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાનના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ત્યારથી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.
આ અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમને ખુલ્લુ આમંત્રણ આપ્યુ હતુ બસમાં તેમના માટે રૂમાલ મુકી રાખ્યો હોવાનો સંકેત પણ આપ્યો હતો. ત્યારબાદ થોડા મહિના પહેલા જ ગીરસોમનાથના એક કાર્યક્રમ દરમિયાન પણ પાટીલે તેમને ફરી ભાજપમાં આવવા માટેનું ઈશારા ઈશારામાં આમંત્રણ આપ્યુ હતુ.
પાટીલ અમરીશ ડેરને આપી ચુક્યા છે ખુલ્લુ આમંત્રણ
જો કે આ તમામ ઘટનાક્રમ બાદ અમરીશ ડેરે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે તેઓ કોંગ્રેસના સમર્પિત કાર્યકર્તા છે અને તેઓ કોંગ્રેસ છોડવાના મતના નથી. જો કે હાલ લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રામ મંદિરને લઈને કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની જે પ્રકારે પ્રતિક્રિયા સામે આવી તેના પરથી આ ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવા સ્પેક્યુલેશન પણ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહ્યા છે.
જો કે આ અંગે અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર તેમની પ્રતિક્રિયા આપી હતી કે તેઓ કોંગ્રેસમાં જ છે જ્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના પણ ભાજપમાં જોડાવાની અટકળો પર ખુદ વસોયા એ જ હાલ ઠંડુ પાણી રેડી દીધુ છે. તેમણે ખુદ જણાવ્યુ કે મીડિયા દ્વારા તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે જેમાં કોઈ તથ્ય નથી અને તેઓ કોંગ્રેસમાં જ સમર્પિત રહેવાના છે.
વિપક્ષમાં રહીને બાંયો ચડાવવા કરતા પક્ષની વંડી ઠેકવા કેટલાક તૈયાર
બીજી તરફ જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, ગીરસોમનાથના વિમલ ચુડાસમા, રાધનપુરના રઘુ દેસાઈ, મહિસાગરના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિતના નામો ચર્ચામાં છે. જો કે જે નામો ચર્ચામાં છે તેમાંથી કેટલા પક્ષને સમર્પિત રહે છે અને કેટલા પક્ષ પલટો કરે છે તે જોવુ રહ્યુ. જેનુ એક કારણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે. કારણ કે 22 જાન્યુઆરી બાદ સમગ્ર દેશમાં એક જ લહેર જોવા મળી રહી છે અને એ લહેર છે ભગવાન રામની લહેર. રાજકીય નિષ્ણાંતોના મતે પણ આ વખતે લોકસભા ચૂંટણીમાં રામમંદિરનો મુદ્દો વિનિંગ ફેક્ટર સાબિત થશે.
આ પણ વાંચો: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અસમમાં FIR નોંધાતા ભડક્યા રાહુલ ગાંધી, હિમંતા બિસ્વાને ગણાવ્યા સૌથી ભ્રષ્ટ CM
બજેટ સત્ર દરમિયાન કરી શકે છે કેસરિયા
ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જેઓ પક્ષપલટો કરવાની તૈયારીમાં છે તેમના માટે પીએમ મોદીની ભાષામાં કહીએ તો યહી સમય હે સહી સમય હૈની જેમ આંતરિક રીતે તો તેઓ ભાજપના સંપર્કમાં છે અને ગમે તે ઘડીએ કેસરિયો ખેસ ધારણ કરી શકે છે . 1 લી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. એ દરમિયાન કોંગ્રેસના અડધો ડઝન જેટલા ધારાસભ્યો જો ભાજપમાં જોડાય જાય તો નવાઈ નહીં.