લઠ્ઠાકાંડઃ પોલીસની કડકાઈ જવાબદાર કે નફાખોરી? અમદાવાદ અને સુરતના લઠ્ઠાકાંડ વગર કડકાઈએ થયા હતા!
સિનિયર અધિકારીઓ કહી રહ્યા છે કે બ્લડ રિપોર્ટમાં ઈથાઈલ એટલે કે દારૂ આવ્યો જ નથી. માત્ર મિથાઈલ આવ્યું છે એટલે કે પાણીમાં સીધુ કેમિકલ ભેળવી બનાવેલુ પ્રવાહી પીવડાવી દેવાયું છે. લઠ્ઠો દારૂથી થાય આ કેમિકલ છે.

ગુજરાતમાં (Gujarat) અત્યારે ચારેકોર એક જ ચર્ચા છે અને તે છે લઠ્ઠાકાંડની (Hooch Tragedy). લઠ્ઠાકાંડ પોતાની બેદરકારી અને હપ્તાખોરીથી નથી થયો તેવું સાબિત કરવા પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. વાતને ત્રણ દિવસ થયા, પરંતુ મુદ્દો શાંત પડવાનું નામ નથી લેતો અને પોલીસ પણ સમજી ગઈ છે કે “ગામના મોંઢે ગરણું નહીં બંધાય”, વાત તો થવાની. માટે પોલીસે પોતાનો દામન પાક સાફ છે તેવું બતાવવા લઠ્ઠાકાંડને કેમિકલકાંડમાં ખપાવવાનો પુરતો પ્રયાસ કર્યો છે.
સિનિયર અધિકારીઓ કહી રહ્યા છે કે બ્લડ રિપોર્ટમાં ઈથાઈલ એટલે કે દારૂ આવ્યો જ નથી. માત્ર મિથાઈલ આવ્યું છે એટલે કે પાણીમાં સીધુ કેમિકલ ભેળવી બનાવેલુ પ્રવાહી પીવડાવી દેવાયું છે. લઠ્ઠો દારૂથી થાય આ કેમિકલ છે. પોલીસનો આ તર્ક એક જ ઝાટકે એટલા માટે પાંગળો લાગે છે કારણ કે, કેમિકલને દારૂના નામે વેચનારા તો બૂટલેગર જ ને? બૂટલેગરોએ તેમના ગ્રાહકોને કેમિકલ પીવડાવ્યું તો દારૂના નામે જ ને? હતભાગીઓ જે ઝેર પી રહ્યાં હતા તે પણ દારૂ સમજીને જ પી રહ્યાં હતા ને?
લઠ્ઠાકાંડને કેમિકલકાંડમાં ખપાવવા મથતા કેટલાક ચોક્કસ પોલીસ અધિકારીઓ આડકતરી રીતે સરકાર સુધી એવો પણ મેસેજ પહોંચાડી રહ્યાં છે કે દારૂબંધીની અમલવારી માટે વધુ પડતી કડકાઈ રાખવામાં આવી એટલા માટે આ ઘટના સર્જાઈ છે. જો પોલીસની કડકાઈથી જ લઠ્ઠાકાંડ સર્જાયો હોય તો વર્ષ 2009માં અમદાવાદમાં અને 2017માં સુરત ગ્રામ્યમાં થયેલા લઠ્ઠાકાંડ વખતે અત્યારે છે એટલી કડકાઈ તો નહોતી જ. જો એ બે લઠ્ઠાકાંડ પોલીસની કડકાઈ વગર સર્જાયા તો આ વખતે જ પોલીસની કડકાઈ કેમ? જવાબદાર અધિકારીઓ ફરી એકવાર મુદ્દાને અવળે પાટે ચડાવી પોતાના પર થનારી કાર્યવાહીથી બચવાના પેતરા ઘડી રહ્યાં છે.
જે પોલીસ માની રહી છે કે આ કડકાઈ નહીં, પરંતુ નફાખોરીનું પરિણામ છે, તેમનો તર્ક પણ જાણવા જેવો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દેશી દારૂ ગાળવામાં તેમાં આથો લાવવામાં લગભગ ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. આ પ્રોસેસમાં તેમને એક લીટર દેશી દારૂ 200 રૂપિયામાં પડે છે. જ્યારે કેમિકલ નાંખીને બનાવેલો દારૂ માત્ર 50 રૂપિયે લીટર પડ્યો. એટલું જ નહીં દારૂ ત્રણ દિવસે નહીં, માત્ર કેમિકલ નાંખીને ઈન્સ્ન્ટ બની જતો હતો. માટે નફાખોરી, તાત્કાલીક રૂપિયા કમાઈ લેવાની લાલચે આ કાંડ સર્જાયો છે. એટલું જ નહીં, પોલીસે આઈ.પી.સી. 302 હેઠળ ગુનો નોંધ્યો છે તો આને હત્યાકાંડ કહેવામાં પણ અતિરેક નથી.