Ahmedabad: અમદાવાદનો યુવાન લંડનમાં ગુમ થયો, ચાર દિવસથી ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળ માટે પ્રયાસો
કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર 2022 માં બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. લંડન પહોંચ્યા ના બે સપ્તાહ બાદ કોલેજ દ્વારા તેને જતા રહેવા માટે નોટિસ અપાઈ હોવાની વાત સામે આવી છે. આ મામલે વેમ્બલી પોલીસને જાણ કરાઈ છે અને શોધખોળ શરુ કરાઈ છે.
અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે 10 ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. 10 ઓગસ્ટ પહેલા પરિવારનો 24 કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ કરતા યુવાન કુશની શોધખોળ શરૂ કરાઇ છે.
મળતી માહિતી પ્રમાણે કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર 2022 માં બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. લંડન પહોંચ્યા ના બે સપ્તાહ બાદ કોલેજ દ્વારા તેને જતા રહેવા માટે નોટિસ અપાઈ હોવાની વાત સામે આવી છે. જેમાં કોલેજમાં અટેન્ડન્સ ના અભાવ અને ફીને લઈને નોટિસ અપાયાની ચર્ચા હતી.
લંડનમાં શોધખોળ હાથ ધરાઈ
ફી અંગે બાદમાં પરિવારજનો દ્વારા કોલેજની ફી ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. અને તે બાદ વર્ક પરમિટ માટે પણ પ્રોસેસ કરી હતી. જેના માટે પરિવારે લોન લઈને નાણાં વ્યવસ્થા કરી હતી. જોકે એજન્ટ થ્રુ પ્રોસેસ નહીં થતાં કુશ પટેલને નાણા પરત પણ કરી દેવાયા હતા. તેમજ બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને આ તમામ બાબતે જવાબ શુ આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા છે. જે અંગે લંડન પોલીસે તપાસ શરૂ કરી છે.
કુશ પટેલના ગુમ થયા બાદ તેને શોધવા માટે ચિંતાતૂર પરિવાર આકાશ પાતાળ એક કરવા સમાન પ્રયાસ કરી રહ્યા છે. તેમજ પરિવારે ગુજરાત સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરી છે, જેથી કુશ પટેલ જલ્દી મળી આવે. પરિવારમાં કુશ અને તેના માતા અને પિતા અને દાદી છે, આમ પરિવારમાં એક જ દીકરો છે.
લંડનમાં નોકરી કરી બચતના નાણાં તેના પરિવારને આપતો અને તેમાં પરિવારનું ગુજરાન ચાલતું હતુ. કુશના પિતા વિકાસ પટેલને શારીરિક તકલીફ છે. જેથી તેઓ વધુ કામ કરી નથી શકતા અને માતા હાઉસ વાઈફ છે. અને હાલમાં કુશના દાદીના પેન્શન પર ઘર ચાલી રહ્યું છે. આમ ચિંતાનો વિષય છે. જોકે કુશના પરિવારે નાણાંની ચિંતા નહિ કરીને કુશ ને ઘરે હેમખેમ પરત આવવા અપીલ કરી છે.