અમદાવાદનાં પૂર્વ વિસ્તાર નારોલમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીને ઘરેલુ હિંસા અને પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને મોતને ઘાટ ઉતારી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. જોકે નારોલ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે જે ચારેય હત્યામાં પતિ દ્વારા જ પત્નીની હત્યા કરી હોવાના બનાવો જોવા મળ્યા છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં 2 વર્ષથી નારોલ વિસ્તારમાં આવેલા તીર્થ 2 એપાર્ટમેન્ટમાં રહેતા પતિ પત્ની સ્વાતિ અને નિલેશ શાહ 14 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા થોડા સમયથી પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતાં હતાં. ગઈકાલે 4 ઓકટોબરે પતિ નીલેશે સવારે જ્યારે પત્ની સ્વાતિ ઉંઘી રહી હતી ત્યારે છરીના 15 થી 20 ઘા મારી હત્યા નિપજાવી હતી.
મૃતક સ્વાતિનો પતિ નિલેશ અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કરતો હતો. જે અંગેની જાણ પતિ નિલેશ અવારનવાર તેના સાળા ભુપેન્દ્ર પરાસરને કરતો હતો. જેથી ભુપેન્દ્ર તેની બહેનને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. જોકે સ્વાતિ તેના ભાઈને જણાવતી કે પતિ નિલેશ શાહ અવારનવાર શંકા કરીને ઝઘડા કરે છે.
4 ઓક્ટોબર 2024નાં શુક્રવાર ભુપેન્દ્ર પરાસરને સવારનાં સમયે તેના બનેવી નિલેશ શાહે ફોન કર્યો હતો. ફોન ઉપાડતા જ નિલેશ શાહે જણાવ્યું હતું કે મેને તેરી દીદી કો માર ડાલા હૈ, જોકે ભુપેન્દ્રને બનેવી મજાક કરતા હોય તેમ લાગતા નિલેશ શાહે ખરેખર પત્ની સ્વાતિને મારી નાખી હોય તેવુ કહ્યું હતું. જેથી ભુપેન્દ્રએ બનેવીને બાળકો સાથે વાત કરાવવાનું કહેતા ફોન કટ થઈ ગયો હતો. જે બાદ તેણે બહેન સ્વાતિના નંબર પર ફોન કરતા બનેવી નિલેશ શાહે ફોન ઉપાડ્યો હતો અને ફરીથી એ જ વાત કહેતા ભુપેન્દ્રએ બાળકો સાથે વાત કરાવવાનું કહેતા નિલેશ શાહે 13 વર્ષની દિકરી સાથે વાત કરાવી હતી. જે સમયે સ્વાતિની દિકરીએ તેના મામાને રડતા અવાજે કહ્યું હતું કે પપ્પાને મમ્મી કો ચાકુ સે માર ડાલા હૈ, આપ જલ્દી યહા પે આ જાઓ.
જે બાદ નિલેશ શાહે ફોન કાપીને પોતાના ફોનથી ભુપેન્દ્રને સ્વાતિના પલંગ ઉપર ઈજાગ્રસ્ત હાલમાં પડી હોય તેવા ફોટો મોકલ્યા હતા. સાળો ત્યાં પહોંચે તે પહેલા જ નિલેશ શાહે પોલીસને ફોન કરી પોતે પત્નીની હત્યા કરી નાખી છે તેવી જાણ કરી હતી. જેથી નારોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારા પતિ નીલેશે પત્ની સ્વાતિને 15 થી 20 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખી હતી. આ મામલે તેના ભાઈ ભુપેન્દ્ર પરાસરની ફરિયાદ લઈ આરોપી નીલેશ શાહની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જોકે પતિએ તેના હાથમાં પત્નીના નામનું ટેટુ પણ કરાવ્યું છે, જેનું નામ હાથ પર લખ્યું છે તે જ હાથથી તેની હત્યા કરનારા આરોપીની તપાસ શરૂ કરવામાં આવી છે.
Published On - 10:03 pm, Sat, 5 October 24