Iskcon Bridge Accident: લો બોલો તથ્યએ 31st ડિસેમ્બરે પણ કર્યો હતો અકસ્માત, એક બાદ એક ખુલી રહ્યા છે નબીરાના કારસ્તાન!
Ahmedabad: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લાશો ઢાળી દેનારો નબીરો તથ્ય પટેલની જેમ-જેમ તપાસ ચાલી રહી છે તેમ-તેમ આ બડે બાપની બિગડેલ ઔલાદના અનેક કારનામા સામે આવી રહ્યા છે. તથ્ય પટેલના એકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને આ યાદી હજુ લંબાઈ તો નવાઈ નહીં!
Ahmedabad: આરોપી તથ્ય પટેલને (Tathya Patel) જેલભેગો કર્યો પણ હજી એનાં કારસ્તાન બહાર આવી રહ્યા છે, એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ પ્રસ્થાપિત થાય છે કે જાણે એને અકસ્માત કરવાની ટેવ હોય.
31st ડિસેમ્બરે મધરાત્રે શીલજ પાસે તથ્યએ જેગુઆરથી કર્યો હતો અકસ્માત
31 ડિસેમ્બર 2022 નાં રોજ શીલજ પાસે એસપી રિંગ રોડ પર મોડી રાત્રે થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જેગુઆર કાર હતી. પોલીસ તપાસમાં જેગુઆર કંપનીમાંથી નો ક્લેમ ઇન્સ્યોરન્સની વિગત સામે આવી છે. ત્યારે હવે આ વાત સ્પીડની કરીએ તો અંદાજો લગાવો કે એ સમયે પણ સ્પીડ કેટલી રહી હશે, હેબીચ્યુઅલ ઓફેન્ડર તરીકે તથ્યને જાણે અકસ્માત કરવાની ટેવ હોય.
પોલીસ તપાસમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેગુઆર કંપનીમાં નો-ક્લેમ ઈન્શ્યોરન્સ તપાસમાં આ અકસ્માતની વિગતો સામે આવી છે. ગાડી ઓવરસ્પીડમાં હોવાથી જેગુઆર ગાડીમાં અકસ્માત કર્યો હોવાનો પણ ખૂલાસો થયો છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
142 કિમીની સ્પીડે કાર હંકારીને 9 લોકોનાં ભોગ લેવાયા હોવાની વિગતો ખૂલી
હવે સવાલ એ છે કે 120 ની સ્પીડે કાર ચલાવવાનું એક વિડીયોમાં કબૂલ કરનાર તથ્ય પટેલની કારની સ્પીડ અંગે એફએસએલ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટમાં ખુલાસો એવો છે કે જેનાથી તમે વિચારતા થઇ જશો કે અકસ્માત કેટલો ભયાનક રહ્યો હશે. 141.27 કિમી એટલે કે 142 કિમીની સ્પીડે કાર હંકારીને 9 લોકોનાં ભોગ લેવાયા હતા. એટલુ જ નહીં લાઇટ બંધ હોવાની વાતને લઇને પણ એફએસએલ રિપોર્ટમાં કહેવાયુ છે કે વિઝીબીલીટી રિપોર્ટ અનુસાર 245 મીટર સુધી કાર ચાલક સ્પષ્ટપણે જોઇ શકે એ પ્રકારની લાઇટ હતી. આ તમામ રિ -કન્સ્ટ્રકશન દ્ધારા લેવાયા રિપોર્ટ સામે આવ્યા છે.
RTOએ એક્સિડેન્ટ મામલે રિપોર્ટ તૈયાર કર્યો
આ સિવાય આરટીઓ વિભાગે પણ આ એક્સિડેન્ટ મામલે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં ગાડીમાં કોઇ પણ પ્રકારની ખામી નહોતી અને ગાડીની કંડીશન યોગ્ય હતી. મહત્વનું છે કે આરોપી તથ્યનું ડીએનએ પ્રોફાઇલ રિપોર્ટ પણ કાલ સુધીમાં આવશે. જેથી તેની હાજરી અકસ્માત સમયે કારમાં જ હતી તેની સ્પષ્ટતા થઇ જશે. આ ઉપરાંત કોલ ડિટેલ્સનાં આધારે આરોપીની હાજરીની પણ પુષ્ટિ કરવામાં આવી છે. જેથી કોર્ટમાં આરોપીને કોઇ પણ પ્રકારની છટકબારી ન મળે. બીજી બાજુ જેગુઆર ગાડીની ટેકનીકલ ટીમનો રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થશે.
તથ્ય સામે 2 દિવસમાં ચાર્જશીટ ફાઈલ થાય તેવી શક્યતા
આ પ્રકારનાં કેસોમાં તપાસમાં ખુબ સમય લાગી જતો હોય છે, પરંતુ આ કેસમાં પોલીસ તપાસ માટે એસઆઇટી બનાવીને કરવામાં આવેલી તપાસને કારણે 2 જ દિવસનાં સમયગાળામાં ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવે એવી પુરી શક્યતા છે .આ કેસમાં કુલ 17 સાક્ષીઓ અને 50 જેટલા નિવેદન લીધા છે. તેમજ તેની સાથે કારમાં સવાર સાથીઓ જેમનાં સીઆરપીસી 164 મુજબનાં વિડ્યોગ્રાફી સાથે નિવેદનો તથ્ય પટેલને જેલનાં સળિયા પાછળ મોકલવા માટે સક્ષમ પુરાવા બની રહે એમ છે.
તથ્યના મિત્રો જ બનશે તાજના સાક્ષી
હાલ આ સમગ્ર કેસમાં પોલીસે તેની સાથે કારમાં બેસી મોજમસ્તી કરનારા તેના મિત્રોને જ સાક્ષી બનાવ્યા છે. આ મિત્રો જ હવે તથ્યના તમામ કારસ્તાનનો પિટારો ખોલશે, અકસ્માત સમયે કારમાં સવાર તેના મિત્રો કોર્ટમાં સાક્ષી બનશે. અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ પર બુધવારે થયેલા એ રક્તરંજિત અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના 5 મિત્રો શ્રેયા, ધ્વનિ, માલવિકા, શાન અને આર્યનના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ.પરમાર સમક્ષ CRPC 164 મુજબના નિવેદન લેવાયા હતા. તમામ સાક્ષીઓના વીડિયોગ્રાફી સાથે નિવેદન નોંધાયા છે.
આ પણ વાંચો : Breaking News: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કાંડના આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલાયો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો