અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી બન્યુ વોટર સિટી, ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોનો તંત્ર સામે ફુ્ટ્યો આક્રોશ- Video
અમદાવાદમાં એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં વરસાદી પાણીનો ભરાવો ન થતો હોય. છતા તંત્ર દ્વારા મસમોટા દાવા કરવામાં આવે છે. જે દર ચોમાસાએ પોકળ સાબિત થાય છે અને શહેરીજનો એ જ હાલાકી વેઠવા મજબુર બને છે. શહેરના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કળ પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો
વરસાદી આફતના કારણે સ્માર્ટસિટી અમદાવાદ વોટરસિટી બન્યું હોય તેવા આ દ્રશ્યો..અમદાવાદનું ગોદરેજ ગાર્ડનસિટી જાણે બેટમાં ફેરવાયું હોય તેમ ઠેર-ઠેર પાણી ભરાયા છે. રસ્તા પર રીતસરનો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. વરસાદી આફતના કારણે વાહનચાલકો અને રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદમાં બાઇક અને સ્કૂટર બંધ પડી જતા વાહનચાલકો રઝળી રહ્યા છે. પાણીના મારના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં ભારે વરસાદમાં કાયમી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
બે દિવસથી ગોદરેજ ગાર્ડન સિટીમાં ભરાયા છે પાણી
છેલ્લા બે દિવસથી આ જ પ્રકારે અહીં પાણી ભરાયેલા છે અને લોકોને આવવા જવામાં પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ માત્ર આ વર્ષની વાત નથી દર વર્ષે આ વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાય છે ત્યારે તંત્ર દ્વારા ડ્રેનેજની કોઈ કામગીરી જ ન થતી હોવાના આક્ષેપ હવે તો સ્થાનિકો પણ કરવા લાગ્યા છે. સમગ્ર ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં ચોતરફ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. બે દિવસથી અહીં રોડ દેખાતો જ બંધ થઈ ગયો છે અને સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
દર ચોમાસાએ પાણી ભરાતા હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ
મનપાની નબળી કામગીરીના પાપે સમગ્ર વિસ્તાર જાણે ટાપુ બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. નોકરી ધંધાએ જતા અનેક લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, લોકોની સમસ્યાનો કોઈ પાર નથી. સ્થાનિકોમાં સિસ્ટમ સામે ભારે આક્રોશની સ્થિતિ છે અને આ વિસ્તારમાં મકાન ખરીદીને જાણે મોટી ભૂલ કરી હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.
અહીં દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાતા હોવાથી વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી, સ્થાનિકોનો આક્ષેપ છે કે હવે તેઓ રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ નઘરોળ બની ગયેલુ મનપાનું તંત્ર કોઈ કામગીરી કરતુ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો