Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન, 6 લોકોને મળ્યું નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂ થયાના અઢી વર્ષમાં 200થી વધુ કિડનીનું અને 100થી વધુ લીવરનું દાન મળ્યું છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન થયા છે.
Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન (organ donation) થયા છે. જેના કારણે 6 જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ શરૂ થયાના અઢી વર્ષમાં 200થી વધુ કિડનીનું અને 100થી વધુ લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 116થી વધુ લોકોના અંગદાનથી 350થી વધુ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ પણ વાંચો Ahmedabad: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના યુવાનની દક્ષિણ અમેરિકામાં હત્યા
“દિપક”એ ત્રણ પરિવારનો “દિપક” પ્રકાશિત કર્યો
અમદાવાદના ધોળકામાં રહેતા દિપકભાઈ રાણાને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. દિપકભાઇ રાણાની 24 કલાક સારવાર ચાલ્યા બાદ બ્રેઇનડેડ થતાં તેમના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા દિપકભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી. રીટ્રાઇવલના અંતે દીપકભાઇના શરીરમાંથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. પરિવારે દિપકભાઈના અંગોનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદોને જીવનમાં દીપક પ્રકાશિત કર્યો છે.
ખેડાના રણછોડભાઇ બ્રેઇનડેડ થતા ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન
બીજા અંગદાનની વાત કરીએ તો ખેડાના 52 વર્ષના રણછોડભાઇ સોલંકીને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવારના અંતે ડોક્ટરોએ રણછોડભાઈ સોલંકીને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. રણછોડભાઈ બ્રેઇનડેડ જાહેર થતાં પરિવાર દ્વારા રણછોડભાઇના બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું. રણછોડભાઈના અંગદાનથી ત્રણ વ્યક્તિઓેને નવજીવન મળ્યું છે.
માત્ર અઢી વર્ષમાં અંગદાનથી 350થી વધુ વ્યક્તિઓને નવજીવન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલે શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અઢી વર્ષ પહેલા જ્યારે અંગદાનની શરૂઆત કરાઈ હતી ત્યારે પરિવારજનોનું કાઉન્સેલીંગ કરીને અંગદાન માટેની સમંતિ મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હતા. પરંતુ આજે લોકો સ્વૈચ્છિક અંગદાન કરવા આગળ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફના અથાગ પ્રયત્નો થકી અત્યાર સુધીમાં અંગદાનથી 350થી વધુ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો