અમદાવાદમાં બનાવટી કંપની ઉભી કરી ક્રેડિટ કાર્ડથી બેંક સાથે કરોડોની છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, 7 લોકોની ધરપકડ
Ahmedabad: બનાવટી કંપની ઉભી કરી સરકારી યોજનાના 3 હજાર આપવાના નામે બેંકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ બનાવટી કર્મચારી ઉભા કરી બેંક એકાઉન્ટ ખોલાવી ક્રેડિટ કાર્ડ મેળવી 1 કરોડ 13 લાખની છેતરપિંડી આચરી છે.
અમદાવાદ (Ahmedabad)માં બનાવટી કંપની ઉભી કરી, ક્રેડિટ કાર્ડથી બેંકો સાથે કરોડોની ઠગાઈ(Cheating) કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ સરકારી યોજનાના ત્રણ હજાર રૂપિયા અપાવવાના બહાને બેંક એકાઉન્ટ ખોલાવી બેંકો સાથે કરોડોની ઠગાઈ આચરી હોવાનુ સામે આવ્યુ છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડૉક્ટર સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમા ત્રણ ડૉક્ટર્સ અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરી ચુકેલા 4 લોકો સામેલ છે. જેમા નિખીલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતિક પરમાર, જીગર પંચાલ, ચીમન ડાભી અને પાર્થ પટેલની કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે સંખ્યાબંધ ક્રેડિટ કાર્ડ (Credit Card), પીઓએસ મશીન, લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુલ મળીને આરોપીઓએ 1 કરોડ, 13 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
બનાવટી કંપની ઉભી કરી બેંકો સાથે 1 કરોડ 13 લાખની છેતરપિંડી
ઝડપાયેલા સાત આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબુલ્યુ કે તેમણે બેંક સાથે ઠગાઈ કરવા બનાવટી કંપની ઉભી કરી હતી. જેમા બનાવટી કર્મચારી ઉભા કરી તેમના બેંક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવી તે બેંક એકાઉન્ટ પરથી ક્રેડિટ કાર્ડ મેળવી લઈ અન્ય ત્રણ બનાવટી કંપની કાગળ ઉપર શરૂ કરી હતી. પી.ઓ.એસ. મશીન મેળવ્યા હતા અને આ ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગ મશીનના માધ્યમથી રૂપિયા ટ્રાન્જેક્શન કરી બેંક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી.
આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બેંક સાથે થયેલી ચિટિંગ કેસમાં કરોડો રૂપિયાનો આંકડો વધે તેવી શક્યતા છે. આરોપીઓ સેલરી એકાઉન્ટના આધારે મેળવેલા ક્રેડિટ કાર્ડને 3 વર્ષથી મેઈન્ટેન કરી POS મશીન સ્વાઈપ કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આરોપી પાસેથી 57 ક્રેડિટ કાર્ડ, 37 ડેબિટ કાર્ડ, અને 16 જેટલા POS સ્વાઈપ મશીન જપ્ત કર્યા છે. આરોપીઓ પાસેથી 20 મોબાઈલ અને લેપટોપ પણ કબ્જે કરવામા આવ્યા છે.
પોલીસ પૂછપરછમાં બેંક સાથે ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી નિખીલ પટેલ છે જે અગાઉ બેંકનો કર્મચારી રહી ચુક્યો છે. જેથી બેંક સાથે ચિંટિંગ કરવા ટોળકી ઉભી કરી હોવાનુ સામે આવ્યુ છે. જો કે બેંકોના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે અને તે દિશામાં પણ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ તેજ કરી છે.