લઠ્ઠાકાંડની ફરિયાદમાં થશે મોટો ફેરફાર: સમીર પટેલ હવે ‘ફરાર આરોપી’
લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ગણાવનારી પોલીસે હત્યાની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે, જો કે, નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) કોર્ટમાં સમીર પટેલ વિરૂદ્ધ મનુષ્યવધની કલમ હેઠળ આરોપી બનાવવા દાદ માંગી છે. જેથી મુખ્ય ફરિયાદમાં પણ કલમ બદલાવાની શક્યતા છે.

બોટાદનો લઠ્ઠાકાંડ (Hooch Tragedy) કે જેને પોલીસ કેમિકલકાંડ કહી રહી છે, તેમાં છેલ્લા 24 કલાકમાં અનેક નવા વળાંક આવ્યા. અત્યારથી બરોબર 24 કલાક પહેલાં લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી મનાતા જયેશ ઉર્ફ રાજુએ કોર્ટ સમક્ષ ગુનાની કબૂલાત કરી લીધી. તે AMOS કંપનીમાંથી કેમિકલ લઈને આવ્યો હોવાની કબૂલાત CRPC 164 મુજબ કરી ત્યારબાદ આ જ કંપનીના ડિરેક્ટરોને સમન અપાયા. આજે વહેલી સવારે પોલીસે સમીર પટેલ (Samir Patel) અને રજીત ચોક્સીના ઘરે સર્ચ પણ કર્યું અને હવે કેમિકલ કંપનીના કર્તાહર્તા સમીર પટેલને મનુષ્યવધનો આરોપી બનાવવા કોર્ટમાં દાદ પણ માંગવામાં આવી છે. કાયદાના જાણકારો કહે છે કે, કોર્ટ તેને આરોપી બનાવવાની મંજૂરી આપી દેશે, કારણ કે મુખ્ય આરોપીએ કંપનીમાંથી કેમિકલ ચોરીને વેચ્યાની કબૂલાત કોર્ટ સમક્ષ કરી લીધી છે.
ઉપરોક્ત બાબત અંગે જ્યારે એસ.પી નિર્લિપ્ત રાયને (Nirlipt Rai) પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ વિગતોને સમર્થન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે. હાલ સમીર પટેલ ફરાર છે અને તે દેશ છોડીને ફરાર ન થાય તે માટે લૂક આઉટ સર્ક્યુલર એટલે કે, LOC પણ જાહેર કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં સમીર પટેલને બે સમન આપી દેવાયા છે, પરંતુ તે નિવેદન નોંધાવવા આવ્યા નથી. હવે કોર્ટની મંજૂરી મળતા જ તેમની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે નિર્લિપ્ત રાય અગાઉ નોંધાયેલી ફરિયાદમાં પણ મોટા ફેરફાર કરાવવાની વિચારણામાં છે. જે માટે કાયદાના જાણકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ નોંધાયેલી બન્ને ફરિયાદમાં આરોપીઓ વિરૂધ્ધ IPC 302 એટલે કે હત્યાના આરોપસર ગુનો નોંધાયો હતો. જો કે, આ કલમનો ઉમેરો કરવાથી પોલીસને હત્યા કરાઇ હોવાનું સાબીત કરવું પડશે. હત્યા કરવા પાછળ કોઇ ઈરાદો હોય છે. જ્યારે લઠ્ઠાકાંડના કેસમાં ઈરાદો હત્યાનો નહીં પણ દારૂ વેચવાનો હતો. બીજુ કે, દારૂના નામે ઝેરી કેમિકલ વેચનારા આરોપીઓને એ ખબર હતી કે, આ કેમિકલ પીવાથી વ્યક્તિનું મોત થઇ શકે છે. માટે નિર્લિપ્ત રાય હત્યાની કલમ બદલીને મનુષ્યવધની કલમ IPC 304 કરવાના મૂડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
બરવાળાના કેસમાં સરકારે સ્પે.પીપી તરીકે ઉત્પલ દવેની નિમણૂંક કરી
સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર લઠ્ઠાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થઈ શકે તે ઈરાદે હવે સરકારે પહેલા સુપર વિઝન અધિકારી તરીકે એસ.પી નિર્લિપ્ત રાયની નિમણૂંક કરી. ત્યારબાદ કોર્ટ કાર્યવાહીમાં પણ આરોપીઓ કાયદાની છટકબારીનો કોઈ લાભ ન લઈ જાય તે માટે સ્પે. પીપી તરીકે ઉત્પલ દવેની નિમણૂંક કરવામાં આવી છે.