Gujarat Video : ઈરાનથી હેમખેમ છૂટેલા દંપતીએ ગેરકાયદે અમેરિકામાં જવાની કરી કબૂલાત, એજન્ટે પરિવારને કર્યો ગુમરાહ, દુષ્કર્મની પણ ધમકી આપ્યાનો દાવો
Ahmedabad: ગેરકાયદે અમેરિકા જવાના મોહમાં અમદાવાદના ગુજરાતી કપલને ઈરાનમાં પાકિસ્તાની એજન્ટોએ બંધક બનાવ્યુ હતુ. ઈરાનથી હેમખેમ છૂટેલા દંપતીએ ગેરકાયદે અમેરિકા જવાની કબૂલાત કરી છે. એજન્ટે પરિવારને ગુમરાહ કર્યો હતો. જેમા બળાત્કારની પણ ધમકી આપ્યાનો દાવો કરાયો છે.
અમેરિકા જવાની લાલચમાં ફસાયેલા અમદાવાદનું યુગલ હેમખેમ પરત ફર્યુ છે. અપહરણકારો પાસેથી છૂટેલા નિશા પટેલે મીડિયા સામે આવી પોતાની આપવિતી વર્ણવી હતી. તેણે આરોપ મુક્યો કે એજન્ટ અભય રાવલે અમારા પરિવારને ગેરમાર્ગે દોર્યો. અમારા પરિવારના મોબાઈલમાં તેણે નેટ બંધ કરાવ્યા. અભય રાવલના કારણે જ અમને આટલી મુશ્કેલી પડી. તેણે જો પૈસા વહેલા આપ્યા હોત તો અમે જલ્દી છૂટી જાત. જોકે એજન્ટ અભય રાવલે ઈરાનમાં 15 લાખ રૂપિયા આપ્યા બાદ જ દંપતીને મુક્ત કર્યા હતા.
નિશા પટેલે ગેરકાયદે અમેરિકા જવાનુ સ્વીકાર્યુ
નિશા પટેલે સ્વીકાર્યુ કે તેઓ ગેરકાયદે અમેરિકા જવાના હતા. મેક્સિકોની બોર્ડરથી અમે અમેરિકાની ધરતી પર પહોંચવાના હતા. ઈરાનથી મેક્સિકો સુધી અમે કાયદેસર જવાના હતા પરતું મેક્સિકોથી અમેરિકા ગેરકાયદે જવાના હોવાનું સ્વીકાર્યું હતું.
અપહરણકારોએ દુષ્કર્મની પણ આપી હતી ધમકી
નિશા પટેલે ઈરાનમાં થયેલી આપવિતી વર્ણવતા કહ્યુ કે તેમને અપહરણકારો દ્વારા અનેક યાતનાઓનો ભોગ બનવુ પડ્યું. અપહરણકારોએ દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી. દરરોજ અલગ અલગ લોકો આવી મારા પતિ સહિત અન્ય લોકોને ઇજા પહોંચાડતા હતા. ક્યારેક બ્લેડથી, ક્યારેક છરીથી, ક્યારેક કાંટા-ચમચીથી ઘા મારતા હતા. શારીરિક ત્રાસની શરૂઆત સિગારેટના ડામ આપવાથી કરી હતી. 8 દિવસ સુધી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા હતા. જો કે પૈસા આપ્યા બાદ અમને ઓનલાઇન ટેક્સી કરી આપી હતી. જે ટેક્સી એરપોર્ટ પહોંચી અને અમે તેરહાન એરપોર્ટથી ગુજરાત પહોંચ્યા હતા.
એજન્ટે પરિવારને ગેરમાર્ગે દોર્યો- નિશા પટેલ
ઈરાનમાં ગુજરાતી દંપતીના અપહરણ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર દંપતી ઈરાન પહોંચતા પાકિસ્તાની એજન્ટે ભારતમાં રહેલા એજન્ટોને ફોન કરીને કહી દીધુ હતું કે- બંનેને પહોંચાડી દીધા છે. જેથી ભારતના એજન્ટોએ લોકેશન શેર કરવાનું કહેતા પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધુ હતું. પાકિસ્તાની એજન્ટે તેમની પાસે રૂપિયાની માગ કરી હતી. પરંતુ પંકજ પટેલે રૂપિયા આપવાની ના પાડતા પાકિસ્તાની એજન્ટે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. એજન્ટોએ પંકજ અને નિશાને તેહરાનની એક હોટલમાં રાખ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચ અને CID ક્રાઈમ પણ જોડાઈ છે. જે ભોગ બનનાર પંકજ પટેલ અને નિશા પટેલની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે ગાંધીનગરના બે એજન્ટ સામે ફરિયાદ નોંધાયેલી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો