લેડી સિંઘમ: પ્રથમવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં મહિલા પોલીસ ઇન્સ્પેકટરની નિમણૂક
ગુજરાતમાં(Gujarat) SOG માં મહિલા પી.આઈની નિમણૂંક એ અસાધારણ બાબત માનવામાં આવે છે. જો કે, પી.એમ ગામીતનું કહેવું છે કે, તેમને દરેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરતા અને સહજ રહેતા આવડે છે.
ગુજરાતમાં (Gujarat) પોલીસ વિભાગમાં મહિલા અધિકારીઓનો દબદબો પણ ઓછો નથી. ગુજરાત પોલીસમાં(Police)ફરજ બજાવતા મહિલા આઈ.પી.એસથી માંડીને એક કોન્સ્ટેબલ સુધીની મહિલા પોલીસકર્મીએ ગુજરાત પોલીસના દબદબાને જાળવી રાખ્યો છે. મહિલા પોલીસ ઓફિસર (Woman Police Officer) તરીકે તેમને જે પણ પોસ્ટીંગ અપાયુ ત્યાં તે ખરી ઉતરી છે. મહિલાઓના દબદબાની આવી જ એક વાત અહી ઉપસ્થિત છે. જેમણે જન્મના પખવાડિયામાં જ પિતાની છત્રછાયા ગુમાવી, સગીરવયની ઉંમરે માતાનો પાલવ ગુમાવ્યો છતા અનેક મુશ્કેલ સમય સામે લડીને આજે ફરી એકવાર પોલીસખાતામાં અનોખો રેકોર્ડ કર્યો છે.
પોલીસ ઈન્સ્પેક્ટર પુષ્પા ગામીતને તેમણે કરેલી કામગીરીને લઇને લેડી સિંઘમની ઉપમાં આપી
પોલીસ ઈન્સ્પેક્ટર પુષ્પા ગામીત. પોલીસ વિભાગમાં તેમને પી.એમ ગામીતના નામથી ઓળખે છે અને તેમના નજીકના પોલીસકર્મીઓ તેમને સિંઘમથી જ સંબોધે છે. તાબાના પોલીસકર્મીઓ માત્ર સાહેબની વાહવાહી માટે નહીં પણ તેમણે કરેલી કામગીરીને લઇને લેડી સિંઘમની ઉપમાં આપી છે. મૂળ ભરૂચ જિલ્લાના રાજવાડી નામના માત્ર 3500 લોકોની વસ્તી ધરાવતા અતિ પછાત ગામના વતની છે પી.આઈ ગામીત. તેમની જોડે જ્યારે પરિવાર અંગે વાત કરવામાં આવી ત્યારે તેમની આંખમાં પાણી આવી ગયા અને અવાજ પણ રડમસ થઇ ગયો. ગામીત બોલ્યા હું 15 દિવસની હતી અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. નાના અને પછાત ગામમાં અભણ માતાએ અમને ભણાવવા પુષ્કળ મજૂરી કરી. માતાની મજૂરી અમે તમામ ભાઈ બહેનોએ જોઇ હતી જેથી ગરીબી દુર કરવા ભણતરને જ સહારો માન્યો હતો. અભણ માતાએ પેટેપાટા બાંધીને ભણાવ્યાં પરંતુ કુદરત અમારા ભાઈ બહેનોની પરીક્ષા કરતી હતી કે અમને દૂનિયાના પાઠ ભણાવતી હતી એ ક્યારેય ના સમજાયું. હું 14 વર્ષની હતી ત્યારે માતાની છત્રછાયા પણ ગુમાવી હતી. માતાના સંસ્કાર મળ્યા અને ભણીને સૌથી પહેલા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી લીધી.
ગુજરાતમાં સ્વતંત્ર પોલીસ સ્ટેશન ચલાવનારા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર હતા
પી.આઈ પુષ્પા ગામીત કહે છે કે, હું કોન્સ્ટેબલ હતી ત્યારે ભાઈના દીકરાને ભણાવીને અને જરૂર પડે ત્યાં મદદ કરીને પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનાવી દીધો. એ પણ આજે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેક્ટર બની ગયો છે. પુષ્પા ગામીતે આગણ વાત કરતા કહ્યું કે, હંમેશા આગળ વધતા રહેવાનો પાઠ મારી અભણ માતાએ ભણાવ્યો હતો. માટે કોન્સ્ટેબલ હતી ત્યારે ફરી પરીક્ષા આપી અને 2009 બેચની પી.એસ.આઈ બની. ત્યાર બાદ પ્રમોશન આવ્યું અને અમદાવાદ જેવા શહેરમાં ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂંક થઇ. અહિં મહિલા પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નિમણૂંક થઇ. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો મહિલા અધિકારી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળનારા પી.આઈ ગામીત રાજ્યના પહેલા મહિલા પી.આઈ બન્યા હતા. સાડા ત્રણ વર્ષ સુધી વિવાદોથી દૂર રહીને પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો અને ત્યાર બાદ તેમની જિલ્લા બહાર બદલી થઇ હતી. ફરી એકવાર તેમની અમદાવાદમાં ટ્રાન્સફર થતા હવે તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં નિમણૂંક અપાઇ છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી શું હોય છે
એસ.ઓ.જી એટલે કે, સ્પેશિયલ ઓપરેસન ગ્રુપ તેના નામથી જ ખબર પડી જાય છે કે તે વિશેષ પ્રકારના ગુનાઓ માટે કાર્ય કરતી પોલીસ એજન્સી છે આ એજન્સી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ સાથે રહીને પણ કામ કરતી હોય છે. સામાન્ય રીતે અમદાવાદમાં એસ.ઓ.જી નાર્કોટીક્સ, ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ વિરૂધ્ધની કાર્યવાહી, વોન્ટેડ મોટા આરોપીઓને પકડવાની કામગીરી કરતી હોય છે. ટૂંકમાં સ્થાનિક પોલીસથી ઉપર ઉઠીને વિશેષ પ્રકારના ગુનાઓને ડામવા માટે કરતી આ એજન્સીમાં મહિલા પી.આઈની નિમણૂંક એ અસાધારણ બાબત માનવામાં આવે છે. જો કે, પી.એમ ગામીતનું કહેવું છે કે, તેમને દરેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરતા અને સહજ રહેતા આવડે છે.