Ahmedabad : અંગ દઝાડતી ગરમીમાં શેકાઈ રહ્યા છે રાજ્ય સરકારનો પક્ષ મૂકતા વકીલો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવી સ્થિતિ કેમ ?
ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં લાગેલા એસી બે મહિનાથી ખોટકાયા છે.

ગુજરાત રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, લોકો આકરી ગરમીના લીધે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘર કે ઓફિસમાં ACમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરી રહ્યા છે એ સરકારી વકીલો જ ઓફિસમાં AC હોવા છતાં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય અદાલતને ઇન્કમટેક્સ ખાતેની જૂની હાઈકોર્ટ ખાતે લાવવામાં આવી છે અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલો ( પબ્લિક પ્રોસિક્યુટર ) ને ગ્રાઉન્ડ ફ્લોરની બિલ્ડિંગ પર ઓફિસ આપવામાં આવી છે અને એ ઓફિસમાં 2 AC પણ લાગેલા છે તેમ છતાં સરકારી વકીલોને ગરમીમાં પરસેવો પડી રહ્યો છે…
ગ્રામ્ય કોર્ટમાં સરકારી ઓફિસમાં લગાવવામાં આવેલા 2 AC છેલ્લા દોઢથી 2 મહિનાથી બંધ હાલતમાં છે.. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સચિવાલયમાં તમામ બ્લોકની કચેરીઓ 110 કરોડના ખર્ચે એર કન્ડીશનરથી સજ્જ કરાશે
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલોની બેઠક વ્યવસ્થા માટે એક રૂમ ફાળવવામાં આવ્યો છે જેમાં 2 AC લગાવવામાં આવ્યા છે પરંતુ એ AC ઉનાળાની શરૂઆતથી જ બંધ હાલતમાં છે જેના કારણે સરકારી વકીલોને પંખાના સહારે રહેવું પડી રહ્યું છે… AC રિપેર કરવા માટે સરકારી વકીલો દ્વારા 4 વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ સરકારી વકીલોને પણ જવાબદાર અધિકારીઓ દ્વારા સરકારી જવાબો મળી રહ્યા છે કે રિપેર થઈ જશે. ત્યારે હાલ કાળઝાળ ગરમીમાં પતરા વાળા શેડમાં ઓફિસ ફાળવવામાં આવી છે.
“ગ્રામ્ય કોર્ટના વકીલોની બેઠક વ્યવસ્થા માટે કામ ગોકળગતિએ”
અમદાવાદના ઇન્કમ ટેક્સ નજીક શરૂ કરવામાં આવેલ ગ્રામ્ય કોર્ટમાં કેસ અને રોજના અરજદારોની સંખ્યા હજારોમાં છે ત્યારે એ સંખ્યાને જોતા પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળે છે સાથે સાથે નોટરી અને વકીલોને પરિસરમાં બેસવા માટેની વ્યવસ્થા આપવામાં આવી છે ત્યાં હવે જૂના પતરાના શેડ હટાવી નવા શેડ લગાવવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે અંગ દઝાડતી ગરમીમાં વકીલોને પણ પોતાનું રોજિંદુ કામ કરવા માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.