અમદાવાદ: ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનો ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો
અમદાવાદ: વીજ કંપનીઓના હિતમાં લેવાયેલા નિર્ણયો માટે હજારો વીજ કર્મચારીઓ અને આગેવાનોએ એકઠા થઈને ઉર્જામંત્રી અને મુખ્યમંત્રીનો આભાર તથા અભિનંદન સમારોહ યોજાયો હતો. કોઈપણ યુનિયન દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો હોય તે પ્રકારનું આ પ્રથમ આયોજન હતુ.
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો. આ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને વીજકર્મીઓના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, પરંતુ એ રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ”નો મંત્ર આપ્યો છે, જેને અનુસરીને જ ગુજરાતે સૌને સાથે લઈને ચાલવાની આ કાર્યપદ્ધતિ અપનાવી છે.
વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે- મુખ્યમંત્રી
વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વીજકર્મીઓ ટાઢ-તાપ, વરસાદ કે વાવાઝોડા કોઈપણ કપરાં સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તેનું સેવા દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે અને દિવસ રાત ખડે પગે રહે છે. વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા એ ખૂબ જ જરૂરી છે.
વીજકર્મીના કામમાં ભૂલ માટે કોઈ અવકાશ નથી- મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ઘણીવાર કોઈ ફોલ્ટમાં વીજળી જાય ત્યારે આપણે સૌ નાગરિકો તેને પૂર્વવત કરાવવા ઉતાવળા થતા હોય છે. ત્યારે કોઈપણ એમ નથી વિચારતું કે જે વીજકર્મી તેનું કામ કરી રહ્યો છે, તેના જીવ સામે કેટલું જોખમ છે. એટલા માટે જ, જેમ નાગરિકોના ઘરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા મથતા વીજકર્મીના કેન્દ્રસ્થાને સામાન્ય નાગરિક હોય છે, તેવી જ રીતે એક નાગરિકના કેન્દ્ર સ્થાને પણ હંમેશા એક વીજકર્મી અને તેનો પરિવાર જ હોવો જોઇએ. કારણ કે, તેમના કામમાં ભૂલ માટે કોઈ અવકાશ નથી.
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે- મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત અત્યારે રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જાની દિશામાં પણ ગુજરાતે પગ માંડી દીધા છે. ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણની સુરક્ષા માટે કુદરતને નુકશાન પહોંચાડ્યા વિના કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરી શકાય તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.
આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવે છે- મુખ્યમંત્રી
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી લીડરશીપથી ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે અને પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દેશમાં સતત આગળ રહીને અન્ય રાજ્યોને પ્રેરણા આપવાની પરંપરાને ટીમ ગુજરાતે જાળવી રાખી છે. 24 કલાક વીજળી, પાકા રોડ રસ્તા, ઘરે ઘરે પીવા લાયક શુદ્ધ પાણી, સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ગુજરાતમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે.
આ પ્રસંગે સૌનું ઉત્સાહ વર્ધન કરતા ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ઋણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે જી 20 માટે “વન અર્થ, વન ફેમિલી”નો મંત્ર આપ્યો હતો. જેને અનુસરીને જ આજે ઊર્જા વિભાગ ઉત્સાહભેર કાર્ય કરી રહ્યો છે.
વીજકર્મીઓએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલી કામગીરીની ઊર્જામંત્રીએ કરી સરાહના
કનુ દેસાઈએ વીજકર્મીઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, જેમ રાજ્ય સરકાર હરહંમેશ વીજકર્મીઓની પડખે રહે છે તેવી જ રીતે વીજકર્મીઓ પણ દિવસ-રાત સતત નાગરિકોની સેવામાં ખડેપગે રહે છે. તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજકર્મીઓએ કરેલી કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્ય ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકતાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો અને 70 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા, પરંતુ આપણા વીજકર્મીઓએ દિવસ-રાત જોયા વિના માત્ર 72 કલાકના રેકોર્ડબ્રેક સમયમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. જેના માટે દરેક વીજકર્મી અભિનંદનને પાત્ર છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની વીજ કંપનીઓ આજે ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે ઝળહળી રહી છે. ગુજરાતની ડિસ્કોમ કંપનીઓએ આજે પણ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શનની પરંપરા ચાલુ રાખી છે. આજે દેશની ટોપ પાંચ વીજ વિતરણ કંપનીમાં ગુજરાતની ચારેય કંપનીઓનો સમાવેશ થાય છે, જે આપણા સૌના માટે ગર્વની વાત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો