ગુજરાત ATS એ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન

ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તેઓ પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા અને નાણાં તથા ઝેર બનાવવાની સામગ્રીની આપ-લે કરતા હતા. અમદાવાદમાં રેકી પણ કરી હતી.

ગુજરાત ATS એ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન
| Edited By: | Updated on: Nov 10, 2025 | 7:50 PM

ગુજરાત ATS દ્વારા તાજેતરમાં પકડાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય આતંકી બીજી વખત અમદાવાદ આવ્યા હતા અને તેઓ સતત પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા.

યુપીના આતંકી આઝાદ શેખ અને સુહેલ ખાનને પાકિસ્તાની હેન્ડલર સુફિયાન દ્વારા વિવિધ ટાસ્ક આપવામાં આવતા હતા. તપાસમાં ખુલ્યું છે કે આ બન્ને આતંકીઓ અગાઉ રાજસ્થાનના હનુમાનગઢ નજીકથી એક લાખ રૂપિયાની રકમ ભરેલી બેગ મેળવી, તેને કલોલ હાઈવે પાસે મૂકી ગયા હતા.

આ બેગ લેવા હૈદરાબાદના આતંકી અહેમદ સૈયદ આવ્યો હતો, જેને પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજા દ્વારા આ કાર્ય સોંપવામાં આવ્યું હતું. ત્રણેય આતંકીઓ ટેલીગ્રામ એપ મારફતે હેન્ડલરો સાથે સતત સંપર્કમાં હતા.

ISIS અને ISKPના અનેક સ્લીપર સેલ્સ ભારતમાં

તપાસ દરમિયાન ખુલ્યું છે કે ISIS અને ISKPના અનેક સ્લીપર સેલ્સ ભારતમાં સક્રિય છે. હૈદરાબાદનો આતંકી અહેમદ સૈયદ ગુજરાતમાં બે વખત ડિલિવરી લેવા માટે આવ્યો હતો અને અમદાવાદના લાલદરવાજા પાસેની ગ્રાન્ડ એમ્બિયન્સ હોટલમાં રોકાયો હતો. આશ્ચર્યજનક રીતે, તે બે મહિના પહેલા પણ આ જ હોટલમાં રોકાયો હતો.

પૈસા ભરેલ બેગ મૂક્યા બાદ, યુપીના આતંકી આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલએ નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી અને તેનો વિડિયો તૈયાર કર્યો હતો. રેકી બાદ તેઓ હથિયાર મેળવવા ફરી ગુજરાત આવ્યા હતા.

હાલમાં ATS તપાસ કરી રહી છે કે હૈદરાબાદના આતંકી અહેમદ સૈયદને સ્થાનિક સપોર્ટ મળ્યો હતો કે નહીં. તેના સીડીઆર (Call Detail Records) અને અન્ય લોકલ કોન્ટેક્ટ્સની પણ તપાસ ચાલી રહી છે.

FSLની મદદથી તપાસ

ગુજરાત ATSએ ચાર અલગ-અલગ ટીમ બનાવી આતંકીઓના ઘરે અને અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓના મોબાઇલમાં રહેલા રેલીના ફોટા અને વિડિયોઝની તપાસ માટે FSL (Forensic Science Laboratory) ની મદદ લેવામાં આવી રહી છે.

સાથે જ સેન્ટ્રલ એજન્સીઓ, યુપી ATS અને હૈદરાબાદ CI Cell પણ તપાસમાં જોડાઈ છે. સૂત્રો મુજબ, આવતા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પૂછપરછ દરમિયાન આતંકી અહેમદ સૈયદએ સ્વીકાર્યું છે કે બે મહિના પહેલા પાકિસ્તાની હેન્ડલરે તેને મોકલેલા એક લાખ રૂપિયાના બેગમાં તે હૈદરાબાદથી “રાઈઝિન” નામનું ઝેર બનાવવા માટેની સામગ્રી લઈને આવ્યો હતો.

Published On - 7:50 pm, Mon, 10 November 25