Gandhinagar: ટ્રેક ટેસ્ટ આપ્યા વગર RTO અધિકારીઓની મિલીભગતથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઈમના દરોડામાં ખુલાસો
ટ્રેક ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કરાવી આપવાના કૌભાંડમાં ચોકાવનારી હકીકતો સામે આવી. ગાંધીનગર RTO કચેરી ખાતેથી એક બે નહીં પરંતુ અનેક લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ કરાવી આપ્યા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું.
ગેરકાયદેસર રીતે લાયસન્સ (Driving license) કાઢી આપવાનું કૌભાંડ સામે આવતા આ અંગે તપાસ શરૂ કરાઇ હતી. આ તાપસ દરમ્યાન મોટા ખુલાસા થયા છે. જેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા RTO અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહીં છે. ત્યારે તપાસમાં ગાંધીનગર RTO અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાનું સામે જાણવા મળ્યું છે.
ગાંધીનગર RTO કચેરી ખાતેથી ટ્રેક ટેસ્ટ આપ્યા વગર જ બારોબાર લાયસન્સ નીકળી ગયા હોવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ દ્વારા બે એજન્ટ અને બે ARTO અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવતા જ સાયબર ક્રાઇમ દ્વારા બુધવારે ગાંધીનગર RTO કચેરી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમ દ્વારા આરટીઓ અધિકારી અને એજન્ટ સહિત 20 લોકોને ડિટેઇન કરી પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને શંકા છે કે ચાલુ વર્ષમાં જ આ રીતે લગભગ 484 થી વધારે લાયસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પોલીસ એ તમામ વિગત મેળવી ટેકનિકલી રીતે વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ બ્રાંચે અગાઉ પકડાયેલ આરોપી ઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે RTO અધિકારીની મિલી ભગત થી જ આ કૌભાંડ ચાલતું હતું. અગાઉ પણ પોલીસ એ ગાંધીનગર આર ટી ઓ માં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા,બે એજન્ટ સહિત ચાર ની ધરપકડ કરી હતી.
કારણ કે પોલીસ ને મળેલા નવ લાયસન્સ માટેની અરજી માં મોટા ભાગના લાયસન્સ માં આઇ પી એડ્રેસ આર ટી ઓની બહારના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજી ને મંજુર કરવા માટે નો પાસવર્ડ માત્ર આર ટી ઓ ના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં પણ પકડાયેલ બન્ને ARTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો કઈ રીતે કૌભાંડને આપ્યો અંજામ
સાયબર ક્રાઇમ ની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગાંધીનગર આર ટી ઓ માંથી વર્ષ 2022 માં 14 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધી માં માત્ર 4 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે પોલીસને એ પણ આશંકા છે કે વર્ષ 2022 માં આ રીતે ટેસ્ટ આપ્યા વગર જ અનેક લાયસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પણ પોલીસ એ ટેકનિકલ મદદ લઈ ને તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન મસ મોટું કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.