Gandhinagar: ગાંધીનગર જિલ્લા અદાલતનું ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ અને ગુજરાતના કાર્યકારી ન્યાયધિશે કર્યું ભૂમિપૂજન, બે વર્ષમાં તૈયાર થશે કોર્ટ
Gandhinagar: રાજ્યમાં સતત વધી રહેલા કેસના ભારણ અને ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી નવા કોર્ટ પરિસર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ એમ.આર. શાહ તથા જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને ગુજરાતના કાર્યકારી મુખ્ય ન્યાયધિશ એ.જે. દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ.
ગાંધીનગર જિલ્લા અદાલત માટે ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા રામકથા મેદાનમાં જમીન ફાળવણી કરવામાં આવી. જેથી આસપાસમાં પરિવહનની સુવિધાથી લઈને તમામ સુવિધાઓ મળી રહે અને ભવિષ્યમાં વકીલો તથા પક્ષકારોને અદાલત પહોંચવામાં સરળતા રહે. આ પરિસર માટે 136 કરોડના ખર્ચે 7138 ચોરસ મીટર વિસ્તારમાં નવી અત્યાધુનિક અદાલત નિર્માણ પામશે. નવી અદાલત પરિસરમાં કુલ 28 કોર્ટ રૂમની સુવિધા ઉભી કરાશે.
આ ઉપરાંત આધુનિક બાર રૂમ અને મહિલા વકીલો માટે વિશેષ બાર રૂમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જુની કોર્ટ સંકુલ એટલે કે હાલમાં જે કોર્ટ કાર્યરત છે તેના કરતાં 600% વધુ બાંધકામ વાળી અધ્યતન કોર્ટ ગાંધીનગરને મળશે.
ન્યાયમાં વિલંબ એ ઘણી ગંભીર બાબત- બેલાબેન ત્રિવેદી
ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદીએ અદાલતોના વિસ્તૃતિકરણ માટે રાજ્ય સરકારનો આભાર માન્યો. આ સાથે સાથે જ તેમણે ન્યાય પ્રક્રિયામાં ઝડપ લાવવા માટેના સરકારના પ્રયાસોની પ્રશંસા પણ કરી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સરકારનું કામ એ અદાલતોની ભવ્યતા લાવવાનું છે. જ્યારે ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોનું કામ એ ભવ્ય કોર્ટમાં દિવ્યતા લાવવાનું છે. આ ઉપરાંત ટકોર કરતાં તેમણે જણાવ્યું કે ન્યાય લેવા આવેલા લોકો સાથે વિલંબ એ ખૂબ જ ગંભીર બાબત છે. જે બાબતે તમામ લોકોએ ખૂબ જ આત્મચિંતન કરવાની જરૂર છે. સમયસર ન્યાય એ સૌનો અધિકાર છે અને તેની સૌએ તકેદારી પણ રાખવી જોઈએ.
સતત કેસના ભારણને કારણે લોકોને તકલીફ પડે છે- જસ્ટિસ શાહ
વધુમાં તેમણે ઉમેર્યુ કે કોઈપણ કેસના ચુકાદાઓમાં 30 થી 40 વર્ષ નીકળી જાય છે તે યોગ્ય નથી. ઝડપી નિર્ણય માટે કામગીરી કરાઈ રહી છે પરંતુ તે પૂરતી નથી માટે હજુ પણ તેમાં સુધારો લાવવાની જરૂર છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર સાહેબ પણ બેલાબેનની વાતને સમર્થન આપ્યું અને કહ્યું કે ઝડપી ન્યાય એ સૌનો અધિકાર છે અને મળવું પણ જોઈએ. જસ્ટિસ શાહે કીધું કે સતત વધતા કેસના ભારોને કારણે લોકોને ખૂબ તકલીફ પડે છે અને તેમાં પણ જ્યારે લોકો કોર્ટને ન્યાય મંદિર માનતા હોય ત્યારે આપણી જવાબદારી છે કે તેમનો આપણા પ્રત્યેનો વિશ્વાસ ડગે નહીં.
કેસમાં ખોટી તારીખો આપવાનું ટાળવુ જોઈએ- જસ્ટિસ આર.એમ. શાહ
તેમણે ઉમેર્યું કે તમામ લોકોએ જમીન સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે કોર્ટમાં ન્યાય લેવા આવતા લોકોનું દુઃખ એક સંવેદનશીલતા સાથે સાંભળવું જોઈએ. સરકાર જ્યારે આટલી સુવિધા આપતી હોય ત્યારે આપણી પણ ફરક છે કે આપણે પણ યોગ્ય અને સારું કામ કરીએ. વકીલોને ટકોર કરતા જસ્ટિસ એમ આર શાહે કહ્યુ કે ખોટી તારીખો કોર્ટમાં માંગવાનું ટાળવું જોઈએ કોઈપણ કેસમાં લોકોને જલ્દી નહીં મળે તો લોકોનું ધ્યાન ખોટા રસ્તે જશે અને રૂલ ઓફ લો નહીં જળવાય.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ટકોર કરતા કહ્યું કે જ્યારે પણ કોઈ ન્યાયાધીશ કોર્ટમાં જાય ત્યારે તેમણે પૂર્ણ તૈયારી સાથે જવું જોઈએ જેથી કરીને પક્ષકારો અને વકીલોનો સમય ન બગડે. આ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જે પણ સરકારી સહાયની જરૂર હોય તે સમયસર આપવા માટે ખાતરી આપી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…