અમદાવાદ જીલ્લામાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અંગે ખેડુતો 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
આ પેકેજનો લાભ મેળવવા માટે, અસરગ્રસ્ત ખેડુતોએ જે તે ગામના ગ્રામપંચાયત ખાતેના વી.સી.ઇ / કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી, તેમના મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ હેઠળ ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.
અમદાવાદ(Ahmedabad) જીલ્લાના ધંધુકા, ધોળકા, ધોલેરા અને માંડલ તાલુકાઓમાં, કુલ- ૧૩૫ નુકશાનગ્રસ્ત ગામોમાં એસ.ડી.આર.એફ(SDRF) હેઠળ સહાય આપવા અર્થે રાજયના કૃષિ વિભાગ દ્વારા કૃષિ સહાય પેકેજ (Agricultural Assistance Package) જાહેર કરવામાં આવેલ છે.
તેમજ ચાલુ વર્ષ ખરીફ ઋતુ ૨૦૨૧માં સપ્ટેમ્બર માસના છેલ્લા પખવાડીયા દરમ્યાન થયેલ ભારે વરસાદના (Heavy Rain) કારણે થયેલ પાક નુકશાન સંદર્ભે ખાતેદાર ખેડુત પૈકી ૩૩ ટકા કે તેથી વધારે નુકશાન હોય તેવા તમામ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ ના ધારાધોરણ મુજબ ખાતા દીઠ ૨ (બે) હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ ૬૮૦૦/- સુધીની કૃષિ ઇનપુટ સહાય આપવા ઠરાવેલ છે.
વધુમાં આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વખત સહાય મળવાપાત્ર રહેશે તેમજ આ પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર થશે નહી. આ પેકેજનો લાભ મેળવવા માટે, અસરગ્રસ્ત ખેડુતોએ જે તે ગામના ગ્રામપંચાયત ખાતેના વી.સી.ઇ / કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી, તેમના મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ હેઠળ ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.
અરજી કરતી વખતે ગામના નમુના નંબર-૮-અ, તલાટીશ્રીનો વાવેતરનો દાખલો, ગામ નમુના નંબર-૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, આધાર કાર્ડ સાથે લીંક હોય તેવા બેંક ખાતા નંબર, આઇ.એફ.એ.સી કોડ નંબર તથા નામ દર્શાવતી બેંક પાસબુકની નકલ, જો ખાતુ જમીન ખાતુ સંયુકત હોય તો અરજદાર સિવાયના અન્ય તમામ ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનું સંમતિપત્ર તથા ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ વગેરે સાધનીક કાગળો સહ તારીખ ૨૪/૧૨/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવા તેમજ સદર અરજી જે તે ગામના વી.સી.ઇ પાસે રૂબરૂમાં જમા કરવા તમામ અસરગ્રસ્ત ખેડુતોને જણાવવામાં આવે છે. તથા ઓનલાઇન અરજી માટે અસરગ્રસ્ત ખેડુતોને કોઇપણ પ્રકારનું મહેનતાણું ચુકવવાનું રહેશે નહી.
સરકારની ગાઇડલાઇન મુજબ સદર સહાયની ચુકવણી PFSM સીસ્ટમ થકી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આથી તમામ ખેડુતોએ બેંક ખાતુ ચાલુ હોય અને આધાર સીંડીંગ હોય તે બેંક ખાતાની વિગતો અરજી સાથે આપવાની રહેશે જેથી સહાય જમા ન થવાના પ્રશ્રો નિવારી શકાય. વધુમાં જાહેર થયેલ જે તે તાલુકાના અસરગ્રસ્ત ગામોની વિગતો સંબંધિત ગામના ગ્રામસેવકશ્રી / વિસ્તરણ અધિકારી (ખેતી) પાસેથી મળી રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, અમદાવાદ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર