Gujarat : કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા
શાકભાજીમાં ભાવ વધારો થાય એટલે સ્વભાવિક છે લોકો પર તેની સીધી અસર પડે અને તાજેતરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પારવાર નુકશાન પહોંચ્યુ છે, જેના કારણે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તો આ તરફ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો
શાકભાજીમાં ભાવ વધારો થાય એટલે સ્વભાવિક છે લોકો પર તેની સીધી અસર પડે અને તાજેતરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બજારમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ગત સપ્તાહ પર શાકભાજી જે ભાવે મળતી તેનાથી આ સપ્તાહમાં 30 થી 40 ટકા વધુ ભાવે શાકભાજી મળી રહી છે. જેના કારણે શાકભાજી લેવા આવનાર લોકોના બજેટ ખોરવાયા છે. જે બજેટ સરભર કરવા કેટલાક લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે.
વધુ એક વાર મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર
આપને જણાવી દઈએ કે,લીલા શાકભાજી સામાન્ય દિવસોમાં 40 થી 60 કિલો મળતા હતા તે હાલમાં 100 થી 160 કિલોના ભાવે મળી રહ્યા છે. જયારે સામાન્ય દિવસોમાં ગલકા, ભુટ્ટા, રવૈયા અને ફુલેવર, રીંગણ રૂપિયા 20 કિલોએ વેચાતા હતા તેના ભાવ વધીને 40 થઈ ગયા છે,જ્યારે કોથમીર રૂપિયા 80 , મરચાં રૂપિયા 70 કિલો, લીંબુ 150 કિલો વેચાઈ રહ્યા છે,ત્યારે કમોસમી વરસાદને કારણે વધુ એક વખત મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવરીનો માર પડ્યો છે.
અમદાવાદ શહેરના જમાલપુર શાક માર્કેટના વેપારીનુ માનીએ તો લીલા શાકભાજીની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં ઉછાળો આવ્યો છે. તેમજ હાલમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. લીંબુના ભાવોની સાથે લીલા શાકભાજીના ભાવોમાં અચાનક વધારો થતા લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. જમાલપુરમાં કારેલા 70,ભીંડા 80,ગવાર 110,ચોળી 130,પરવર 100,ટીડોળા 120,ટામેટાં 40,ફુલાવર 50,કોબીજ 40,દેશી મરચાં 70,લીંબુ 150 અને કોથમીર 80 રૂપિયામાં મળી રહ્યા છે. ત્યારે હાલ માવઠાના કારણે ખેડૂતો સાથે સામાન્ય લોકોના પણ હાલ બેહાલ થયા છે.