હવે ધોલેરામાં લઠ્ઠાકાંડ ! બે લોકોના મોત, 20થી વધુ સેમ્પલ લેવાયા, જાણો શું છે આખી ઘટના
ધોલેરા સ્માર્ટ સિટીમાં બે લોકોના શંકાસ્પદ મોત બાદ લઠ્ઠાકાંડની આશંકા સર્જાઈ છે. વધુ 20થી વધુ લોકોના સેમ્પલ લેવાયા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે પોલીસ પર દબાણનો આક્ષેપ કર્યો છે અને તપાસની માંગ કરી છે.

લઠ્ઠાકાંડ એક બાદ લઠ્ઠાકાંડ 2.0 જેવી સ્થિતિ સર્જાઇ હોય તેવ સમાચારો સામે આવી રહ્યા છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં લઠ્ઠાકાંડની આશંકાને લઈને ચકચાર મચી ગઈ છે.
ધોલેરાની આ ઘટના બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે વધુ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આશંકિત વિષમદારૂ સેવનના બનાવને પગલે વધુ 20થી વધુ લોકોના સેમ્પલ તપાસ માટે લેવાયા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ મુદ્દે ગંભીર ચર્ચા ઊભી કરી છે. તેમણે આ મામલે પોલીસ તંત્ર પર દબાણનું આક્ષેપ કરતાં રાજ્યના મુખ્યમંત્રીએ યોગ્ય તપાસ કરાવવી જોઈએ એવી માંગ કરી છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, તેમને કેટલાક ફોન આવ્યા છે જેમાં આ ઘટના દબાવવામાં આવી રહી હોવાનું સૂચવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “ધોલેરામાં દેશી દારૂનું સેવન કર્યા બાદ બે લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. ઘટના સ્થળેથી દારૂ પીધેલા અન્ય લોકોને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”
અમદાવાદના DSP શ્રી નો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ ખુબજ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ… https://t.co/G0keQuSsC6
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) May 26, 2025
અહેવાલો અનુસાર, મૃતકોએ જે સ્થાનેથી દારૂ લીધો હતો, ત્યાંથી અન્ય કેટલાક લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય એસ.પી.એ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું છે કે મૃતકોના મૃત્યુનું કારણ ડિહાઈડ્રેશન હોવાનું લાગી રહ્યું છે, પરંતુ લઠ્ઠાકાંડના સંદર્ભે આગળની તપાસ ચાલુ છે. ધોલેરા અને આસપાસના વિસ્તારોમાં આ ઘટના બાદ લોકોમાં ચિંતાનો માહોલ છે. લઠ્ઠાકાંડની પૃષ્ઠભૂમિમાં સમગ્ર ઘટનાની સુસંગત અને ન્યાયસંગત તપાસ જરૂરી બની છે જેથી સત્ય બહાર આવી શકે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
