Ahmedabad: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના મૌન ધરણા, રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા હોવાનો દાવો
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Ahmedabad: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સંસદસભ્ય પદ જવા અને એમના સામે થઈ રહેલ કાર્યવાહીને લઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસે દેશભરમાં મૌન ધરણા કાર્યક્રમો કર્યા હતા. જે અંતર્ગત ગુજરાતનો કાર્યક્રમ અમદાવાદના ગાંધી આશ્રમ સામે યોજાયો. મૌન ધરણામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા.
સુરત, અમદાવાદ, લખનૌ સહિત સમગ્ર દેશમાં રાહુલ ગાંધી સામે 10 જેટલા કેસો નોંધાયેલા છે, આ સિવાય સંસદસભ્ય પણ રદ થયું છે, ત્યારે કોંગ્રેસ એ દાવો કરી રહ્યું છે કે રાહુલ ગાંધી દેશહિતમાં ભ્રષ્ટચાર, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોવાથી તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. આજ બાબતને લઈ ગાંધી આશ્રમ પાસે કોંગ્રેસે મૌન ધરણા યોજ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધી સામે થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાહુલ ગાંધી જનતાના નેતા તરીકે રાષ્ટ્રહિતમાં અવાજ ઉઠાવે એ ભાજપને મંજૂર નથી અને એટલે જ એમના દ્વારા લલિત મોદી, નીરવ મોદી અંગે કરેલી ટીપ્પણીને જ્ઞાતિના અપમાન સાથે જોડી ખોટા કેસ ચલાવવામાં આવ્યા. પરંતુ રાહુલ ગાંધી ડરતા નથી અને તેઓ વારંવાર કહે છે કે મને જેલમાં પૂરી દે તો પણ સત્ય બોલતો રહીશ. રાહુલ ગાંધીના એ સત્યને સમર્થન આપવા માટે ગુજરાત કોંગ્રેસ ગાંધી આશ્રમ પાસે ધરણા યોજી રહ્યું છે.
તોડજોડની રાજનીતિ પસંદ નહીં
રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ નવા બે નામ જાહેર કરી એમના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર ઉભા ના રાખવા અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસ તોડજોડની રાજનીતિમાં માનતું નથી. ખરીદવા, ડરાવવા કે લાલચ આપી ધારાસભ્ય તોડવાની રાજનીતિ કોંગ્રેસ ક્યારેય ના કરે.
ભાજપના સંસદમાં જ્યારે માત્ર બે સભ્યો હતા, ત્યારે રાજીવ ગાંધી સીબીઆઈ, ઈડીના જોરે એમને તોડી શક્યા હોત, પરંતુ એમ કર્યું ના હતું. રાજ્યસભામાં ઉમેદવાર જીતે એટલા નંબર અમારી પાસે નથી અને એના જ કારણે લોકશાહી મુજબ જે થાય એ જ કરવા અમે માંગીએ છીએ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો