Breaking News: ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણુક, ગુજરાત યુનિવર્સિટી બાદ GTUને પણ મળ્યા મહિલા કુલપતિ
Ahmedabad: ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણુક કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટી બાદ હવે GTUમાં પણ મહિલા કુલપતિની વરણી કરવામાં આવી છે. GTUમાં 8 મહિના બાદ નવા કુલપતિ નિમાયા છે. ડૉ રાજુલ ગજ્જરનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી બાદ હવે ગુજરાત ટેકનીકલ (GTU) યુનિવર્સિટી ને પણ પહેલા મહિલા કુલપતિ મળ્યા છે. છેલ્લા આઠ મહિનાથી GTUમાં કાયમી કુલપતિની જગ્યા ખાલી હતી અને કાર્યકારી કુલપતિ GTUનું સંચાલન કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડૉ.રાજુલ ગજ્જરની GTUના કુલપતિપદે નિમણૂક કરવામાં આવી છે.
38 વર્ષથી એન્જિનિયરીંગ ક્ષેત્રે આપી રહ્યા છે યોગદાન
ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી કુલ 7 કુલપતિ જવાબદારી નિભાવી ચુક્યા છે. 8 માં કુલપતિ પદે એન્જીનીયરીંગ અભ્યાસના નિષ્ણાત તેમજ અત્યારે રાજ્યની પ્રખ્યાત એલડી એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજુલ ગજ્જરની પસંદગી કરવામાં આવી છે. રાજુલ ગજ્જર અગાઉ 2016 માં GTU ના ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે અને હવે તેમની રેગ્યુલર કુલપતિ પદે નિમણૂંક કરવામાં આવી છે. રાજુલ ગજ્જર અગાઉ વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય પણ રહી ચૂક્યા છે. તેમણે એન્જીનીયરીંગ અંગેના 4 પુસ્તકો લખ્યા છે તેમજ 3 પેટન્ટ પણ પ્રકાશિત કરી ચુક્યા છે.
ગુજરાત યુનિવર્સિટી બાદ હવે GTUમાં પણ મહિલા કુલપતિ
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનિકલ અભ્યાસ અંગેની અલગ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની સ્થાપના કરી ટેકનિકલ સંસ્થાઓ આ યુનિવર્સિટી હેઠળ લાવ્યા હતા. જેના પ્રથમ કુલપતિ તરીકે 31 ડિસેમ્બર 2007માં એબી પંચાલ ની નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ મનીષ ભારદ્વાજ, ડૉ એમ એન પટેલ, આકાશ અગ્રવાલ, રાજુલ ગજ્જર ઇન્ચાર્જ તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ નવીન શેઠ અને છેલ્લે પંકજ રાય પટેલ છેલ્લે સેવા આપતા હતા અને હવે આઠમા કુલપતિ પદે ફરી એકવાર રેગ્યુલર કુલપતિ તરીકે રાજુલ ગજ્જર ની પસંદગી કરવામાં આવી છે
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો