AHMEDABAD : પ્રોત્સાહક યોજના છતાં શહેરમાં કોરોના રસીકરણ ઓછું થતા AMCની ચિંતા વધી
Vaccination in Ahmedabad : શહેરમાં વેક્સિનનો બીજો ડોઝ લેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 6 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ નથી લીધો.
AHMEDABAD : કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોન (Omicron)ના સંકટ વચ્ચે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં અમદાવાદીઓની બેદરકારી સામે આવી છે.શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ તો 100 ટકા લોકોને આપી દેવાયો પરંતુ બીજા ડોઝની કામગીરી પૂર્ણ કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના નાકે દમ આવી રહ્યો છે.શહેરમાં 6 લાખથી વધુ લોકો એવા છે જેમણે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી છે.
શહેરમાં વેક્સિનનો બીજો ડોઝ લેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 6 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ નથી લીધો.લોકો વેક્સિન લેવા માટે પ્રેરાય તે માટે AMC દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવા આવી છતાં પણ લોકો બીજો ડોઝ લેવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. AMCએ સ્લમ વિસ્તારમાં વેક્સિન લેનારને 1 લીટર તેલ મફતમાં આપવાની યોજના જાહેર કરી.અગાઉ 10 હજાર સુધીના મોબાઈલ ફોન અને હવે 60 હજારની કિંમતનો આઈ ફોન આપવાની જાહેરાત કરી છતાં પણ રસીકરણ વધવાને બદલે ઘટી રહ્યું છે.
AMCએ રસીકરણ વધારવા આ બાબતે ડોર ટુ ડોર સર્વે કર્યો, ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની શરૂઆત કરી.વેક્સિન ન લેનાર લોકોને AMTS, BRTS, કોર્પોરેશનની ઓફિસોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. છતાં પણ 6 લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ લીધા વિના જ શહેરમાં ફરી રહ્યા છે.
દિવાળી બાદ નવેમ્બરમાં વેકસીન લેનાર લોકોની સંખ્યા વધી હતી.20 નવેમ્બર સુધી દરરોજ એવરેજ 30 થી 35 હજાર લોકોને વેકસીન આપવામાં આવતી હતી.પરંતુ ડિસેમ્બરમાં ફરીથી વેક્સિન લેનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અનેક પ્રોત્સાહક યોજનાઓ અને પ્રયાસો છતાં વેક્સિન લેનાર લોકોની સંખ્યા ઘટતાં અમદાવાદ મહાનગરપાલિકાની ચિંતા વધી છે.
આ પણ વાંચો : પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું