Ahmedabad: નોર્થ ઇસ્ટની યુવતીને માર મારવાનો વાયરલ થયેલા Video અંગે શું છે હકીકત ? કયા કારણે બની આ સમગ્ર ઘટના, જાણો વિગતવાર
નોર્થ ઇસ્ટની યુવતીને માર મારવાના મુદ્દે બોડકદેવ પોલીસે સ્પાના ભાગીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અંગત બાબતના ઝઘડામાં સ્પાના ભાગીદારે યુવતીને માર મારતા CCTV વાયરલ થયા હતા. પોલીસે CCTV વાયરલ થતા યુવતીની ફરિયાદ નોંધી. પરંતુ આરોપી ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂ કરી.
Ahmedabad : સિન્ધુભવન રોડ પર આવેલા ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડીંગમાં આવેલા ધ ગેલેક્સી સ્પાના CCTV Video વાયરલ થયા હતા. જેમાં નોર્થઇસ્ટની યુવતીને એક યુવક ક્રૂરતાથી માર મારી રહ્યો હતો. યુવતીના કપડાં ફાડી નાખીને વાળ પકડીને ધસડીને માર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બોડકદેવ પોલીસ હરકતમાં આવી હતી અને CCTV માં માર ખાઈ રહેલી યુવતીની ફરિયાદ લીધી.
નોર્થઇસ્ટની આ યુવતી અને મોહસીનહુસેન રંગરેજ નામના યુવકે ભાગીદારીમાં સ્પા અને સલૂન શરૂ કર્યું. જે CCTV માં યુવતીને મારી રહેલો યુવક મોહસીનહુસેન રંગરેજ છે. સામાન્ય ઝઘડામાં આરોપીએ નિર્દયતાથી યુવતીને માર મારી હતી. યુવતીની ફરિયાદ લઈને પોલીસે તપાસ શરૂ કરી.
યુવતીને ક્રૂરતાથી મારનાર મોહસીનહુસેન રંગરેજ દાણીલીમડાનો રહેવાસી છે અને તેને આ નોર્થઇસ્ટની યુવતીને સામાન્ય બાબતે માર મારી હતી. યુવતી અને આ આરોપી છેલ્લા એક વર્ષથી ભાગીદારીમાં સ્પા અને સલૂન ચલાવી રહ્યા છે. જો કે 25 સપ્ટેમ્બરના રોજ બનેલા બનાવની વાત કરવામા આવે તો મોહસીન હુસેનએ પોતાના લગ્નની પાર્ટી આપી હતી. જેથી સ્પા સેન્ટરમાં યુવતી અને સ્પામાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત સુધી રોકાયા હતા.
આ દરમ્યાન આરોપી મોહસીન હુસેન યુવતીને કહેવા લાગ્યો કે તું આપણા સલૂનમાં કામ કરતી ‘એમી’ નામની યુવતી સાથે કેમ ઝઘડો કરે છે. ત્યારે યુવતીએ મોહસીનને એમી સાથે શું સંબધ છે તેવું પૂછતાં મોહસીન ઉશ્કેરાઈ ગયો અને યુવતીને લાફા ઝીકીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
હદ તો ત્યારે થઈ કે યુવતીએ પોલીસ કન્ટ્રોલમાં સમગ્ર બાબતનો મેસેજ કર્યો તો પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી નહતી. એટલું જ નહીં યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હોવાની ચર્ચા પણ છે પરંતુ બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે તેને ઝાટકીને કાઢી મૂકી હતી. જે બાદ યુવતી અને આરોપી મોહસીન હુસેન સાથે સમાધાન થઈ ગયું હતું પરતું 3 દિવસ પહેલાની ઘટનાના CCTV, મીડિયામાં પ્રસારિત થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી.
ઉલ્લેખનીય છે કે મોહસીન અને યુવતી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવાની ચર્ચા છે. બીજી તરફ યુવતીની છેડતી અને મારમારીની કલમો હેઠળ તો પોલીસે ગુનો નોંધ્યો. પરંતુ પોલીસે જ પોતાની બેદરકારી છુપાવવા યુવતીનો નિવેદનનો વીડિયો PIની ચેમ્બરમાં બનાવીને સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં બોડકદેવ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે.
આ પણ વાંચો : ગોધરા કાંડના પરના PMના પ્રહાર પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસે કરી માગ
મહત્વનું છે કે CCTV વાયરલ થયાના 24 કલાક બાદ પણ પોલીસ હજુ આરોપીની શોધી શકી નથી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG , મહિલા પોલીસ અને સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ છે. આ ઉપરાંત ઘટનાની ફરિયાદ લેવામાં પોલીસની બેદરકારી હશે તો પોલીસ ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.